સરફરાઝે તેની ઇનિંગ દરમિયાન 93 ટકા બોલનો સામનો કર્યો હતો અને માત્ર ત્રણ બોલ બીટ થયો, તે આંકડાનો સ્ક્રીનશોટ લઈને સૂર્યકુમારે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી

નવી દિલ્હી
રાજકોટ ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યા બાદથી સરફરાઝ ખાન સતત રન બનાવી રહ્યો છે. ચોથી ટેસ્ટમાં બેન સ્ટોક્સની માઇન્ડ ગેમનો શિકાર બન્યા બાદ સરફરાઝ ખાને ગઈકાલે વાપસી કરી અને ઇંગ્લેન્ડની ટીમ સામે બીજી શાનદાર ઇનિંગ રમી હતી. ધર્મશાલામાં રમાયેલી પાંચમી ટેસ્ટના બીજા દિવસે સરફરાઝે તેના ટેસ્ટ કરિયરની ત્રીજી ફિફ્ટી ફટકારી હતી. સરફરાઝ ખાને 60 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. ટી20 કિંગ સૂર્યકુમાર યાદવ સરફરાઝની આ બેટિંગ ક્ષમતાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. સૂર્યાએ સરફરાઝનો ફોટો શેર કરીને તેની પ્રશંસા કરી હતી.
સરફરાઝે તેની ઇનિંગ દરમિયાન 93 ટકા બોલનો સામનો કર્યો હતો અને માત્ર ત્રણ બોલ બીટ થયો હતો. તે આંકડાનો સ્ક્રીનશોટ લઈને સૂર્યકુમારે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતા કેપ્શનમાં આપ્યું, ‘શેર ભૂખા હૈ.’ સૂર્યકુમાર સરફરાઝનો મોટો સમર્થક રહ્યો છે, કારણ કે બંને ક્રિકેટર એક જ રાજ્યની ટીમ માટે રમે છે. સૂર્યકુમારે જ સરફરાઝના પિતા નૌશાદને તેમના પુત્રનું ડેબ્યુ જોવા રાજકોટ જવા માટે પ્રેરિત કર્યા હતા.
સૂર્યકુમારે એક વોઈસ નોટ દ્વારા તેમને રાજકોટ જવા માટે પ્રેરિત કર્યા હતા. સૂર્યાએ પોતાની વોઈસ નોટમાં કહ્યું હતું કે, “ગયા વર્ષે નાગપુરમાં જ્યારે મને ટેસ્ટ કેપ મળી ત્યારે મારો પરિવાર મારી સાથે હતો, તે આપણા બધા માટે યાદગાર ક્ષણ હતી. તમારે ત્યાં હોવું જોઈએ.” સરફરાઝના પિતાએ પણ આ વાતનો ખુલાસો કર્યો હતો.
