કોંગ્રેસનું ફોક્સ દ.ભારત પર, યુવા-અનુભવી નેતાઓનું યાદીમાં મિશ્રણ

Spread the love

પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો જનરલ કેટેગરીના ઉમેદવારો છે જ્યારે 24 એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમુદાયના છે

નવી દિલ્હી

લોકસભાની ચૂંટણીને હવે બહું છેટું નથી અને ગમે તે સમયે ચૂંટણી પંચ તારીખ જાહેર કરી શકે છે ત્યારે ચૂંટણીને લઈને દરેક પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ભાજપે પહેલા જ પોતાના 195 ઉમેદવારની જાહેરાત કરી દીધી છે ત્યારે શુક્રવારે કોંગ્રેસ દ્વારા પણ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાનું નામ સામેલ છે. 

કોંગ્રેસ દ્વારા શુક્રવારે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 39 ઉમેદવારોના નામ છે, જેમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ પણ સામેલ છે. પાર્ટીએ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને રાજનાંદગાંવ બેઠક પરથી ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ ફરી એકવાર અલપ્પુઝા (કેરળ) અને શશિ થરૂર કેરળના તિરુવનંતપુરમથી ચૂંટણી લડશે. જો કે રાહુલ ગાંધી કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે હજુ પણ સસ્પેન્સ છે.

ઉલ્લેખનીય છે કોંગ્રેસનું દક્ષિણ ભારતમાં ફોક્સ વધારે છે. શુક્રવારે જાહેર પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો જનરલ કેટેગરીના ઉમેદવારો છે જ્યારે 24 એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમુદાયના છે. આ ઉપરાંત કુલ 39 ઉમેદવારોની યાદીમાં છત્તીસગઢના 6, કર્ણાટકના 7, કેરળના 16, તેલંગાણાના 4, મેઘાલયના 2 અને સિક્કિમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને લક્ષદ્વીપના એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે. આ યાદીંમાં યુવાઓ અને અનુભવી નેતાઓનો સમન્વય જોવા મળ્યો છે. 

કોંગ્રેસની યાદીમાં 50 વર્ષથી નીચેના 12, 50થી 60 વર્ષની વચ્ચેના આઠ, 61-70 વર્ષની વચ્ચેના 12 અને 71-76 વર્ષની વચ્ચેના સાત ઉમેદવારો છે. જોકે, 39 ઉમેદવારોની પ્રથમ યાદીમાં માત્ર ત્રણ મહિલા ઉમેદવારો છે. કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને જણાવ્યું હતું કે આ યાદીમાં યુવા અને અનુભવી નેતાઓનું સારું મિશ્રણ છે, આ ઉપરાંત જે લોકો વિદ્યાર્થી અને યુવા કાળથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે તેઓ પણ આ યાદીમાં સામેલ છે. કોંગ્રેસ આગામી યાદીમાં  વિધાનસભાની ચૂંટણીમાં હારેલા નેતાઓને તેમજ વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતારી શકે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *