ધ્યાન અને સકારાત્મક વિચારધારા શાંતિ સ્થાપવા માટે અનિવાર્ય : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ — ‘સ્વ પરિવર્તનથી વિશ્વ પરિવર્તન’ના સંદેશ સાથે આધ્યાત્મિક જાગૃતિ દ્વારા વિશ્વ નવનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ
વડોદરા
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે વડોદરાના એક દિવસીય પ્રવાસ દરમિયાન પાદરા ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના નવનિર્મિત ‘ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસ’ રીટ્રીટ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમના વરદ હસ્તે ‘આધ્યાત્મિક જાગૃતિ દ્વારા વિશ્વ નવનિર્માણ’ પ્રોજેક્ટનો પણ વિધિવત્ શુભારંભ કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક પરિદૃશ્યમાં તણાવ, હિંસા અને સામાજિક વિભાજન જેવા પડકારો વચ્ચે ધ્યાન અને સકારાત્મક વિચારધારા શાંતિ સ્થાપવા માટે અનિવાર્ય છે. તેમણે કહ્યું હતું કે માત્ર આર્થિક પ્રગતિ પૂરતી નથી, પરંતુ એવી શિક્ષણ વ્યવસ્થાની જરૂર છે, જે વ્યક્તિની બુદ્ધિની સાથે તેના વિવેકને પણ જાગૃત કરે.
‘સ્વ પરિવર્તનથી વિશ્વ પરિવર્તન’ના સિદ્ધાંતને દોહરાવતા રાષ્ટ્રપતિએ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા વિશ્વ શાંતિ માટે કરવામાં આવી રહેલા કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે વડોદરા સેન્ટ્રલ જેલમાં છેલ્લા ૩૦ વર્ષથી કેદીઓના હકારાત્મક પરિવર્તન માટે ચાલી રહેલા આધ્યાત્મિક પ્રયાસોને પણ નોંધપાત્ર ગણાવ્યા હતા.
રાષ્ટ્રપતિએ યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણની કરોડરજ્જુ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતની ૬૫ ટકા યુવા વસ્તી વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશને આર્થિક અને આધ્યાત્મિક રીતે ‘વિકસિત ભારત’ બનાવવાના સંકલ્પને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
ડિજિટલ યુગના પડકારો વચ્ચે યુવાનોને આંતરિક શક્તિ, આત્મશિસ્ત અને નૈતિક મૂલ્યો વિકસાવવા અનુરોધ કરતાં તેમણે માનવતાની સેવાને સાચી પૂજા ગણાવી હતી. યુવા પેઢીને ઈમાનદારી અને રાષ્ટ્રપ્રેમ સાથે કાર્ય કરવા પણ તેમણે આહવાન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે આજના સંઘર્ષમય યુગમાં આધ્યાત્મિક જાગૃતિ દ્વારા જ વિશ્વનું નવનિર્માણ શક્ય છે. તેમણે ભારતીય ઋષિ-મુનિઓના ‘વસુધૈવ કુટુંબકમ’ અને ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ના ચિંતનને યાદ કરતાં કહ્યું હતું કે નૈતિક મૂલ્યો વિના ભૌતિક વિકાસ કલ્યાણને બદલે વિનાશક સાબિત થઈ શકે છે.
રાજ્યપાલે યુવા પેઢીને વ્યસનમુક્ત બનાવવા તેમજ તેમને ભારતીય સાંસ્કૃતિક વારસા સાથે જોડવા પર ભાર મૂક્યો હતો. બ્રહ્માકુમારી સંસ્થાના ત્યાગ અને માનવસેવાના કાર્યોની સરાહના કરતાં તેમણે ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસને ભાવિ પેઢી માટે પ્રેરણાસ્રોત ગણાવ્યો હતો.
બ્રહ્માકુમારીઝ સંસ્થાના અલ્કાપુરી સબઝોનના ડાયરેક્ટર બી. કે. ડૉ. નિરંજના દીદી અને રાજયોગિની બી. કે. ઉષાદીદીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં બાહ્ય સુવિધાઓની સાથે મનની શાંતિ અને આત્મિક શક્તિ પણ એટલી જ જરૂરી છે. આધ્યાત્મિક જાગૃતિ દ્વારા સ્વ-પરિવર્તન થકી વિશ્વ પરિવર્તનનો માર્ગ મોકળો થઈ શકે છે.
કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સહિત મહાનુભાવોએ પેલેસના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું અને ત્યારબાદ ધ્યાન પણ કર્યું હતું.
ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસનો ઉદ્દેશ
- આધ્યાત્મિક જાગૃતિ અને આંતરિક શાંતિને પ્રોત્સાહન
- ‘સ્વ પરિવર્તનથી વિશ્વ પરિવર્તન’નો સંદેશ
- માનવ કલ્યાણ અને વૈશ્વિક શાંતિ માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ
- યુવાનોમાં આત્મશિસ્ત અને નૈતિક મૂલ્યોનું સંવર્ધન
આ પ્રસંગે રાજ્યના પ્રોટોકોલ મંત્રી પ્રફુલ પાનશેરિયા, જનપ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ બ્રહ્માકુમારીઝ સંસ્થાના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
