ઉપરના માળનું વિસ્તરણ, ડાયાલિસિસ સેન્ટર અને દર્દીઓના સ્વજનો માટે નવા ભવનની સુવિધા ઊભી કરાશે
નર્મદા
રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ, સુવિધાસભર અને દર્દીકેન્દ્રિત બનાવવાના અભિગમ હેઠળ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગત તા. 22 સપ્ટેમ્બરની રાત્રે ગરૂડેશ્વર તાલુકાની સરકારી એસડીએચ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. મંત્રીએ હોસ્પિટલમાં હાજર દર્દીઓ, તેમના સ્વજનો તથા આરોગ્ય કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરી સારવાર વ્યવસ્થા, ઉપલબ્ધ સુવિધાઓ અને ભવિષ્યની જરૂરિયાતોની સમીક્ષા કરી હતી.
હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું ધ્યાનમાં લઈ આરોગ્ય મંત્રીએ હોસ્પિટલની માળખાકીય સુવિધાઓના વિસ્તરણ માટે પીઆઈયુ (હેલ્થ) વિભાગને તાત્કાલિક આયોજન હાથ ધરવા સૂચના આપી હતી. તેમાં ખાસ કરીને હોસ્પિટલના ઉપરના માળનું વિસ્તરણ, ડાયાલિસિસ સેન્ટરની સ્થાપના તથા દર્દીઓના સ્વજનો માટે નવા ભવનની સુવિધા ઊભી કરવાનો સમાવેશ થાય છે.
મંત્રીની સૂચનાના માત્ર 24 કલાકમાં જ પીઆઈયુ (હેલ્થ) વિભાગના અધિકારીઓએ ગરૂડેશ્વર એસડીએચ હોસ્પિટલની સ્થળ મુલાકાત લીધી હતી. અધિકારીઓએ હોસ્પિટલમાં ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ, વિસ્તરણ માટે ઉપલબ્ધ જગ્યા, ડાયાલિસિસ યુનિટની સ્થાપના તથા દર્દીઓ અને તેમના સ્વજનો માટે વધારાની સુવિધાઓ અંગે સ્થળ પર ટેકનિકલ મૂલ્યાંકન કર્યું હતું.
પીઆઈયુ (હેલ્થ) વિભાગના કાર્યપાલક ઇજનેર અમિષ એસ. પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રીશ્રીની સૂચનાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થળ મુલાકાતના આધારે હોસ્પિટલના સર્વાંગી વિકાસ માટે જરૂરી ટેકનિકલ વિગતો, અંદાજિત ખર્ચ અને અમલીકરણની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. આ વિગતવાર પ્રોજેક્ટ આગામી બે દિવસમાં આરોગ્ય મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે.
ગરૂડેશ્વર એસડીએચ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. શૈલેશ ભીલના જણાવ્યા મુજબ, આકસ્મિક મુલાકાત દરમિયાન હોસ્પિટલના વિવિધ વિભાગો, દર્દીઓને અપાતી સારવાર, દવાઓની ઉપલબ્ધતા, ઇમરજન્સી સેવા, લેબોરેટરી વ્યવસ્થા, સ્વચ્છતા તેમજ દર્દીઓને મળતી સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીની સૂચનાઓના અનુસંધાને દર્દીઓને વધુ ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જરૂરી સંકલન હાથ ધરાયું છે.
ગરૂડેશ્વર હોસ્પિટલમાં શું વધશે?
- હોસ્પિટલના ઉપરના માળનું વિસ્તરણ
- નવું ડાયાલિસિસ સેન્ટર
- દર્દીઓના સ્વજનો માટે નવું ભવન
- વધતા દર્દીભારને અનુરૂપ માળખાકીય સુવિધાઓ
- સ્થળ નિરીક્ષણના આધારે ટેકનિકલ પ્રોજેક્ટ તૈયાર કરાશે
- આગામી બે દિવસમાં પ્રોજેક્ટ આરોગ્ય મંત્રી સમક્ષ રજૂ કરાશે
નર્મદા જિલ્લાના નાગરિકોને સ્થાનિક સ્તરે લાભ
ગરૂડેશ્વર એસડીએચ હોસ્પિટલમાં નવી ડાયાલિસિસ સેવા, વધારાની માળખાકીય સુવિધાઓ અને દર્દીઓના સ્વજનો માટે વધુ અનુકૂળ વ્યવસ્થાઓ ઊભી થતાં નર્મદા જિલ્લાના નાગરિકોને પોતાના જિલ્લામાં જ વધુ સુવિધાસભર આરોગ્ય સેવાઓનો લાભ મળવાની અપેક્ષા છે. આરોગ્ય મંત્રીની આ પહેલથી ગરૂડેશ્વર એસડીએચ હોસ્પિટલના સુવિધા વિસ્તરણની કામગીરીને ગતિ મળવાની સાથે હોસ્પિટલને વિસ્તારની મહત્વપૂર્ણ આરોગ્ય સંસ્થા તરીકે વધુ સક્ષમ બનાવવાનો માર્ગ મોકળો થયો છે.
