૩૦ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ; કુલ ૧૨,૫૫૭ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત — દીકરીઓની નોંધપાત્ર ગોલ્ડ મેડલ સિદ્ધિને રાષ્ટ્રપતિએ ગણાવી ‘બદલતા ભારતની ઉજ્જવળ તસવીર’
વડોદરા
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ૭૫મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. ઐતિહાસિક સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા, યુનિવર્સિટીના ચાન્સલર શુભાંગીની રાજે ગાયકવાડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિના હસ્તે ૩૦ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે ૨૨૯ પીએચ.ડી., ૨,૮૫૭ પોસ્ટ ગ્રેજ્યુએટ, ૬૫૭ પીજી ડિપ્લોમા અને ૮,૮૧૪ અંડર ગ્રેજ્યુએટ સહિત કુલ ૧૨,૫૫૭ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પદવી અને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ ઉપરાંત તેમના માતા-પિતા તથા અધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા. સુવર્ણચંદ્રક મેળવનારાઓમાં દીકરીઓની નોંધપાત્ર સંખ્યાનો વિશેષ ઉલ્લેખ કરતાં તેમણે તેને ‘બદલતા ભારતની ઉજ્જવળ તસવીર’ ગણાવી હતી. તેમણે દેશના સંતુલિત વિકાસમાં મહિલા સશક્તિકરણની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
મહારાજા સયાજીરાવ ગાયકવાડના દુરંદેશી વિચારો અને ૧૯૪૯માં સ્થાપિત યુનિવર્સિટીના ગૌરવશાળી યોગદાનને યાદ કરતાં રાષ્ટ્રપતિએ ગુજરાતને સ્વતંત્રતા સંગ્રામ, સામાજિક સુધારા, સહકારિતા અને ઉદ્યોગસાહસિકતામાં દેશને નવી દિશા આપનાર ભૂમિ ગણાવી હતી.
પદવી પ્રાપ્ત કરનાર યુવાનોને આત્મચિંતન માટે પ્રેરિત કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ માત્ર વ્યક્તિ કે પરિવાર પૂરતો સીમિત ન રાખી સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે કરવામાં આવે તો શિક્ષણયાત્રા સાચા અર્થમાં સાર્થક બને છે.
ટેકનોલોજી અંગે તેમણે જણાવ્યું કે ટેકનોલોજી એક સાધન છે અને તેનો પ્રાથમિક હેતુ માનવ કલ્યાણ તથા લોકોનું જીવન સરળ બનાવવાનો હોવો જોઈએ. ડેટા અને જવાબો ટેકનોલોજી આપી શકે છે, પરંતુ યોગ્ય પ્રશ્નો પૂછવા, વિવેકપૂર્ણ નિર્ણયો લેવા અને નૈતિક દિશા નક્કી કરવાનું કાર્ય માનવીય બુદ્ધિમત્તાનું છે.
રાષ્ટ્રપતિએ યુવાનોને નિષ્ફળતાથી ન ડરવા પ્રેરિત કરતાં જણાવ્યું કે નિષ્ફળતા અંત નથી, પરંતુ ચિંતન કરીને વધુ મજબૂતીથી આગળ વધવાનો અવસર છે. તેમણે સફળતા મેળવ્યા બાદ માતા-પિતા, શિક્ષકો અને સમાજના યોગદાનને યાદ રાખવા તેમજ વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા લોકોને સાથે લઈને આગળ વધવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે શિક્ષણની સાથે નૈતિક મૂલ્યો, શિસ્ત અને રાષ્ટ્રનિષ્ઠા કેળવવી જરૂરી છે. ‘આત્મનિર્ભર ભારત’ અને વર્ષ ૨૦૪૭ સુધીના ‘વિકસિત ભારત’ના સંકલ્પનો ઉલ્લેખ કરી તેમણે યુવા પેઢીને દેશના સાચા રાષ્ટ્રનિર્માતા ગણાવી હતી. યુવાનોએ પોતાની જવાબદારી સમજી દેશને પ્રગતિની નવી બુલંદીઓ પર લઈ જવા સક્રિય યોગદાન આપવું જોઈએ, તેમ તેમણે જણાવ્યું હતું.
પદવીદાન સમારોહના આંકડા
- કુલ પદવી પ્રાપ્ત કરનાર: ૧૨,૫૫૭
- પીએચ.ડી.: ૨૨૯
- પીજી: ૨,૮૫૭
- પીજી ડિપ્લોમા: ૬૫૭
- યુજી: ૮,૮૧૪
- ગોલ્ડ મેડલ: ૩૦
