અંબાણીએ માતાપિતાને પણ પ્રોત્સાહિત કર્યા કે જેથી તેઓ સ્વપ્નો સાકાર કરવા માગતી પોતાની દીકરીઓ સાથે હરહંમેશ અડીખમ ઊભા રહે
મુંબઈ
વિમેન્સ પ્રિમિયર લીગની આ સિઝનમાં નોકઆઉટ તબક્કાના આરંભ પૂર્વે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેની અંતિમ લીગ મેચ રમી તેની સાથે જ, ટીમ માલિક શ્રીમતી નીતા એમ અંબાણી પોતાની ટીમનો ઉત્સાહ વધારવા ગઈકાલે દિલ્હી આવ્યા હતા. આ પ્રસંગે તેમણે ભારતમાં રમતગમત ક્ષેત્રે મહિલાઓ માટે WPL જેવા પ્લેટફોર્મના મહત્વ વિશે જણાવ્યું હતું.
અંબાણીએ ડબ્યુપીએલને વિશ્વની શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે ખભેખભા મિલાવવાની એક સર્વોત્તમ તક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, “આપણી દીકરીઓ માટે પ્રદર્શન કરવા આ એક ઉમદા પ્લેટફોર્મ છે. આ દીકરીઓ વિશ્વની શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે રમી રહી છે અને આ ખરેખર ભાવવિભોર કરનારી અનુભૂતિ છે.”
આ વર્ષે ટીમની ઊભરતી સ્ટાર ખેલાડી સજીવન સજાનાનો તેમણે ખાસ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “મેં સજાનાને એવોર્ડ મેળવતા જોઈ. તે પોલિટિકલ સાયન્સ સ્નાતક છે અને તેના પિતા ઓટો રીક્ષા ચલાવે છે અને તેણે ક્રિકેટ રમવાનું પસંદ કર્યું. હું આશા રાખું છું કે, પોતાની દીકરીઓને તેમની પસંદગીનો વ્યવસાય પસંદ કરવા દેવા માટે આ એક દૃષ્ટાંતરૂપ ઘટના બનશે. માત્ર ક્રિકેટ માટે નહીં, પરંતુ WPL તમામ પ્રકારની રમતોમાં દીકરીઓ માટે એક ઉદાહરણરૂપ લીગ છે.”
નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, #OneFamily માટેની લાગણી અને હકારાત્મક વાતાવરણ જ MIની સફળતાની ચાવી છે. “હું 2010થી ક્રિકેટમાં છું અને આ છોકરીઓને રમતા જોવી એ મારા હૃદય માટે સૌથી વધુ ઉષ્માપૂર્ણ અનુભૂતિ છે. MI એક પરિવાર તરીકે જાણીતો છે અને હું તેમને એટલું જ કહું છું કે જાવ, તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરો અને આનંદ કરો.”
MIની સુકાની હરમનપ્રીત કૌર આ વર્ષે ટીમ માટે સૌથી વધુ રન ફટકારનારી ખેલાડી રહી છે અને તેણે ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ MIની મેચમાં 95*નું અદભુત પ્રદર્શન કર્યું હતું, જે આ વખતની શ્રેણીમાં અત્યારસુધીનો સર્વોચ્ચ સ્કોર હતો. શ્રીમતી અંબાણીએ હરમનપ્રીત ઉપરાંત હેડ કોચ શાર્લોટ એડ્વર્ડ્સની આગેવાનીમાંના ટીમ સપોર્ટ સ્ટાફ ઉપરાંત મેન્ટર અને બોલિંગ કોચ ઝૂલન ગાસ્વામીને ટીમની સફળતાનો સઘળો શ્રેય આપ્યો હતો.
“મારે એટલું તો કહેવું જ પડે કે એક ફેમિલી તરીકે, હરમનપ્રીતે ખરેખર પોતાના ઉમદા પ્રદર્શન દ્વારા ટીમનું નેતૃત્વ કર્યું છે. તેણે રમેલી છેલ્લી ગેમને જુઓ તો ખરા, કેવી અદભુત. ઝૂલન તથા શાર્લોટની આગેવાનીમાં અમારા ડ્રેસિંગ રૂમનું વાતાવરણ ઊર્જામય છે. મારું માનવું છે કે, આ ઊર્જા મેદાનમાં પણ જોવા મળે છે. MI એ એક પરિવાર છે અને અમે એક યુનિટ તરીકે રમીએ છીએ.”