બદાયુંમાં બે બાળકોનો હત્યારો એન્કાઉન્ટર પર ઠાર

Spread the love

બાળકોની હત્યાની ઘટના બાદ ઘટનાસ્થળે તંગદિલી ફેલાઈ ગઈ હતી અને ભીડે બદાયું શહેરમાં ભારે હોબાળો મચાવતા આગચંપી કરી

બદાયું

ઉત્તર પ્રદેશના બદાયુંમાં ગઈકાલે સાંજે બે નિર્દોષ બાળકોની હત્યા ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. મંડી ચોકીથી થોડે દૂર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જેના પછી પોલીસે કાર્યવાહી કરતાં આ કેસમાં એક આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. બાળકોની હત્યાની ઘટના બાદ ઘટનાસ્થળે તંગદિલી ફેલાઈ ગઈ હતી અને ભીડે બદાયું શહેરમાં ભારે હોબાળો મચાવતા આગચંપી કરી હતી. 

ઘટનાની માહિતી મળ્યા બાદ બદાયુંના ડીએમ મનોજ કુમાર અને બરેલીના આઈજી ડો. રાકેશ સિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તણાવને જોતા મોટી સંખ્યામાં પોલીસ દળો સ્થળ પર તહેનાત કરી દેવાની ફરજ પડી હતી. બદાયુંના ડીએમના જણાવ્યા અનુસાર સ્થિતિ નિયંત્રણમાં છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનની હદમાં આવતી બાબા કોલોનીમાં ગઈકાલે મોડી સાંજે દુકાન ચલાવતા એક વ્યક્તિએ ઘરમાં ઘૂસી ત્રણ ભાઈઓ આયુષ, યુવરાજ અને આહાન ઉર્ફે હની પર કુહાડી વડે હુમલો કર્યો હતો, જેમાં આયુષ (12) અને આહાન ઉર્ફે હનીનું મોત થયું હતું. જ્યારે યુવરાજને ગંભીર રીતે ઘાયલ હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બરેલીના આઈજી ડો.રાકેશ સિંહે જણાવ્યું કે બાળકો તેમના ટેરેસ પર રમી રહ્યા હતા. આ દરમિયાન આરોપીએ આવીને બંને બાળકોની હત્યા કરી નાખી હતી. 

આ કેસમાં પોલીસે આરોપીનું એકાઉન્ટર કરી દીધું છે. બરેલીના આઈજીએ જણાવ્યું કે ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આરોપીઓનો પીછો કર્યો અને આ દરમિયાન એક આરોપીએ પોલીસ પર ગોળીબાર કર્યો. પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો, જેમાં ગુનેગારનું ઘટનાસ્થળે જ મોત થયું. તેમણે કહ્યું કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીની ઉંમર 25 થી 30 વર્ષની હોવાનું કહેવાય છે. હાલ પોલીસ આરોપી વિશે વધુ માહિતી એકઠી કરી રહી છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *