ચાર મહિના પહેલા જ ડોગને પોલીસ ફોર્સમાં સામેલ કરાયો પણ હવે તે ચીનનો સૌથી લોકપ્રિય પોલીસ અધિકારી
બેઈજિંગ
ચીનમાં 6 મહિનાનો પોલીસ ડોગ રાતોરાત સેલિબ્રિટી બની ગયો છે. ચીનના લોકો સોશિયલ મીડિયા પર તેના વખાણ કરતા થાકી રહ્યા નથી.
આમ તો ચીનની પોલીસ કોમ્યુનિસ્ટ સરકારના આદેશોનુ ક્રુરતા પૂર્વક પાલન કરવા માટે નામચીન છે પણ આ પોલીસ ડોગ ચીનના લોકોને પસંદ આવી રહ્યો છે. ચાર મહિના પહેલા જ તેને પોલીસ ફોર્સમાં સામેલ કરવામાં આવ્યો હતો પણ હવે તે ચીનનો સૌથી લોકપ્રિય પોલીસ અધિકારી તરીકે ઓળખાવા માંડ્યો છે.
તેનુ નામ ફુજઈ છે અને તેનો અર્થ થાય છે લકી બોય…અથવા નસીબદાર દીકરો…છ મહિનાનો ફુજઈ શેડાંગ પ્રાંતમાં પોલીસ ફોર્સમાં ફરજ બજાવે છે. તેણે પોલીસના એક કાર્યક્રમમાં પોતાની આવડતની કમાલ બતાવી હતી અને હવે આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 13 લાખથી વધારે વખત તેનો વિડિયો લોકોએ જોયો છે. તેના નામ સાથેના હેશટેગને 1.6 કરોડ વખત જોવામાં આવ્યુ છે.
ચીનના સરકારી મીડિયાના કહેવા પ્રમાણે ફુજઈને બે મહિનાનો હતો ત્યારથી તાલીમ આપવાનુ શરુ કરાયુ હતુ. હવે તે પોલીસ ફોર્સના બીજા ડોગ કરતા ઘણો સારો દેખાવ કરી રહ્યો છે. પોલીસે તેનુ આગવુ સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બનાવી દીધુ છે. જેના પર તેના વિડિયો અપલોડ કરવામાં આવી રહ્યા છે.
ફુજઈ કાર નીચે વિસ્ફોટકો શોધી કાઢવામાં કાબેલ છે. પોલીસ અધિકારીઓનુ કહેવુ છે કે, ફુજઈના નાનકડા પગના કારણે તે સાંકડી જગ્યામાં પણ ઘૂસીને તલાશી લઈ શકે છે.તેના નાનકડા પગ બીજા ડોગ કરતા તેને અલગ બનાવે છે.
યુઝર્સ તેના વખાણ કરતી કોમેન્ટસનો પણ સોશિયલ મીડિયા પર મારો ચલાવી રહયા છે. એક યુઝર્સે કહ્યુ હતુ કે, મને તેની શાનદાર નોકરીની ઈર્ષા થઈ રહી છે તો એક યુઝરે તેની તાલીમના વિડિયો જોઈને કહ્યુ હતુ કે, ફુજઈએ હવે સિવિલ સર્વિસ પરીક્ષા પણ પાસ કરી લીધી છે.