સોદો ફાઈનલ થઈ ગયો છે અને ડેવલપરે ચાર બેઝમેન્ટ લેવલ સાથે 27 માળની ઈમારતની યોજના બનાવી
અમદાવાદ
અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે તેજી જોવા મળી રહી છે. અહીં જમીનોના ભાવ સતત વધી રહ્યા છે અને પ્રાઈમ લોકેશન પર આવેલી જમીન કે પ્લોટના સોદા રેકોર્ડ કિંમતે થઈ રહ્યા છે. હાલમાં જ શહેરના રિયલ એસ્ટેટ સેક્ટરમાં તાજેતરમાં કેટલાક નોંધપાત્ર સોદા જોવા મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શીલજમાં કેટલાક રહેણાંક પ્રોજેક્ટ ધરાવતા બિલ્ડરે સિંધુ ભવન રોડ પર 15,000 ચોરસ યાર્ડના પ્લોટ પર કોમર્શિયલ પ્રોજેક્ટ માટે સોદો કર્યો છે. આ સોદાની કુલ કિંમત 450 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે જેમાં જમીન માલિક સાથેના સંયુક્ત સાહસ એટલે કે જોઈન્ટ વેન્ચર (જેવી)નો હિસ્સો છે. વૈષ્ણોદેવી અને ઝુંડાલ વિસ્તારમાં પણ નોંધપાત્ર જમીનના સોદા થયા છે.
અમદાવાદમાં અગાઉ સેટેલાઈટ અને ઈસ્કોન વિસ્તારનું જે આકર્ષણ હતું તેવું આકર્ષણ હાલમાં સિંધુ ભવન વિસ્તારમાં જોવા મળે છે. સિંધુ ભવન રોડ અને તેની નજીકમાં જમીનની કિંમતો રોકેટ ગતિએ વધી રહી છે. હાલમાં સિંધુ ભવન રોડ પર જે સોદો થયો છે તે તેના ઊંચા મૂલ્યાંકન માટે નોંધપાત્ર છે. 15,000 ચોરસ યાર્ડના પ્લોટની કિંમત 450 કરોડ રૂપિયા છે. ઘટનાક્રમની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું કે, સોદો ફાઈનલ થઈ ગયો છે અને ડેવલપરે ચાર બેઝમેન્ટ લેવલ સાથે 27 માળની ઈમારતની યોજના બનાવી છે. આ સોદાનો એક હિસ્સો જોઈન્ટ વેન્ચર રૂપે છે, પરંતુ તેનું વેલ્યુએશન 450 કરોડ રૂપિયાથી વધુ છે. તેથી 15,000 ચોરસ યાર્ડના આ પ્લોટ માટે પ્રતિ ચોરસ યાર્ડની કિંમત ત્રણ લાખ રૂપિયા કરતાં વધારે છે. જે તાજેતરના સમયમાં અહીં થયેલો આ સૌથી મોટો જમીનનો સોદો છે.
રિયલ એસ્ટેટ માર્કેટમાં એકંદરે છેલ્લા ક્વાર્ટરમાં ધીમી માંગ જોવા મળી છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે ચૂંટણી પછી માંગમાં ફરીથી ઉછાળો આવશે, જેનું મુખ્ય કારણ અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રોજગારીની તકો છે. નિષ્ણાતો કહે છે કે કોવિડ પછી કોમર્શિયલ પ્રોપર્ટીની માંગ ઓછી રહી છે પરંતુ બહુ નવો સપ્લાય નથી. તેથી છેલ્લા કેટલાક મહિનાઓમાં શરૂ કરાયેલા કોમર્શિયલ પ્રોજેક્ટ્સની સંખ્યામાં વધારો થયો છે. શહેરનું રિયલ એસ્ટેટ સેક્ટર સકારાત્મક વલણ અનુભવી રહ્યું છે, જેમાં ખરીદદારો અને રોકાણકારોના રસમાં વધારો થયો છે. સિંધુ ભવન રોડ વિસ્તાર પ્રીમિયમ પ્રોપર્ટી અને વ્યૂહાત્મક સ્થાન માટે જાણીતો છે, તેથી અહીં જમીનનું વેલ્યુએશન પણ ઘણું ઊંચું જોવા મળી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વૈષ્ણોદેવી સર્કલ પાસે ખોરજમાં એસજી રોડ પર એક પ્લોટ માટે અન્ય મહત્ત્વપૂર્ણ જમીનનો સોદો થયો છે. રહેણાંક પ્રોજેક્ટ માટે અગ્રણી ડેવલપર દ્વારા 10,000 ચોરસ યાર્ડનો પ્લોટ ખરીદવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે મોટેરા અને સુગડમાં સક્રિય એક ડેવલપર ગ્રુપે ઝુંડાલ નજીક એસપી રીંગ રોડ પર 18,000 સ્ક્વેર યાર્ડની જમીન ખરીદી છે. જોકે, આ બંને સોદાની વેલ્યુએશન કેટલી છે અને તે કેટલા રૂપિયામાં કરવામાં આવ્યા છે તેની વિગતો બહાર આવી નથી. પરંતુ આ વિસ્તારોમાં જે રીતે ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે તે જોતાં અહીં પણ જે સોદા થશે તેની કિંમત પણ નોંધપાત્ર હોઈ શકે છે.