તૃણમૂલે એક્સ હેન્ડલથી એક કાર્ટૂન શેર કરીને વડાપ્રધાન અને બંગાળ ભાજપના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા
કોલકાતા
લોકસભા ચૂંટણીને લઈને બંગાળમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષ ભાજપ વચ્ચે વીડિયો વોર બાદ હવે એક કાર્ટૂન યુદ્ધ છેડાઈ ગયુ છે. તૃણમૂલે શુક્રવારે પોતાના સત્તાવાર એક્સ હેન્ડલથી એક કાર્ટૂન શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બંગાળ ભાજપના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા. જેની પર ભાજપે આકરો વાંધો વ્યક્ત કર્યો છે.
તૃણમૂલે કાર્ટૂન સાથે લખ્યું, ”બંગાળના દ્વાર કિલ્લેબંધ છે અને મુખ્યમંત્રી મમતા બેનર્જી રક્ષા કરી રહી છે. બાહરી ભાજપ જમીનદાર, જે અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પોતાને ડગમગતા પામશે. જેમના પગ નીચે જમીન નથી. તેમનું જીતવાનું સપનું હાસ્યાસ્પદ છે.”
આ કાર્ટૂનમાં એક મકાનની ઉપર મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જી ઊભા છે અને તેમની સાથે અમુક મહિલાઓ પણ છે. બીજી તરફ આ મકાનમાં લાગેલી એક વાંસની સીડીના સહારે પીએમ મોદી, બંગાળમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ સુવેન્દુ અધિકારી (વચ્ચે) અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ઉપર ચઢવાનો પ્રયત્ન કરતા દર્શાવવામાં આવ્યા છે.
આમાં મોદી અને શાહના સહારે સુવેન્દુને ચઢવાનો પ્રયત્ન કરતા દર્શાવવામાં આવ્યા છે. જેમાં તમામના પગ ડગમગી રહ્યા છે. જેમાં મકાનની ઉપર ઊભેલા મમતા પોતાનો ડાબો પગ ઉઠાવીને અને હાથથી ભાજપ નેતાઓની તરફ રોકાવાનો ઈશારો કરી રહ્યા છે. સીડીની સૌથી નીચે કોલકાતા હાઈકોર્ટના જજ પદેથી રાજીનામુ આપીને ભાજપમાં સામેલ થનાર તમલુકથી પાર્ટીના ઉમેદવાર પૂર્વ જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાય ઊભેલા જોવા મળી રહ્યા છે.
ભાજપે આ કાર્ટૂન પર પ્રશ્ન ઉઠાવતા પલટવાર કર્યો છે. ભાજપ આઈટી સેલના પ્રમુખ અને બંગાળના સહ-ઈન્ચાર્જ અમિત માલવીયએ પીએમના અપમાનનો આરોપ લગાવતા આયોગને આ અંગે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે. તેમણે એક્સ પર લખ્યું, ”બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ભારતના વડાપ્રધાનને લાત મારતા દર્શાવવામાં આવ્યા છે. આ જીવન-મિલકતને નુકસાન પહોંચાડવા અને વડાપ્રધાન, ગૃહ મંત્રી અને બંગાળ ભાજપના નેતાઓની હત્યા કરવાની સીધી ધમકી છે. શું ચૂંટણી પંચ આ વિશે ધ્યાન આપશે અને ખૂબ જ મોડુ થઈ ગયા પહેલા આ ષડયંત્રની તપાસ કરશે?”