ગાંધીધામ
સિસદર ભાવનગર ખાતે યોજાયેલી માઇક્રોસાઇન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં ચોથા ક્રમના અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટ અને સુરતની ક્રિત્વિકા સિંહા રોયે અનુક્રમે મેન્સ અને વિમેન્સ ટાઇટલ જીતી લીધા હતા. મેન્સ ફાઇનલમાં ચિત્રાક્ષ ભટ્ટે 14મા ક્રમના અને જાયન્ટ કિલર બની ગયેલા પ્રથમ માદલાણીને 4-0થી હરાવીને ટાઇટલ જીત્યું હતું.
સિઝનની આ પ્રથમ ટુર્નામેન્ટ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ યોજાઈ છે જેના સ્પોન્સર્સ માઇક્રોસાઇન પ્રોડક્ટ છે અને આ ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી)નો સહકાર સાંપડયો છે.
ફાઇનલમાં રમવાના ચિત્રાક્ષના અનુભવે તેને આક્રમક આગેકૂચ કરી રહેલા પ્રથમ માદલાણીને રોકવામાં મદદ કરી હતી અને તેણે આક્રમક રમત દાખવીને પ્રથમ ત્રણ ગેમ જીતી લીઘી હતી. સુરતની એસએજી-તાપ્તિ વેલી ટીટી હાઇ પરફોર્મન્સ સેન્ટર ખાતે તાલીમ લઈ રહેલો પ્રથમ માદલાણી અચાનક તેના નબળા પ્રદર્શનમાંથી જાગ્યો હતો અને ચોથી ગેમમાં ચિત્રાક્ષને પરેશાન કર્યો હતો પરંતુ અમદાવાદી ખેલાડીએ રમત પર પોતાનો અંકુશ જાળવીને 19-17થી ગેમ જીતીને સિઝનનું પ્રથમ મેન્સ ટાઇટલ જીત્યું હતું.
અમદાવાદના બીજા ક્રમના સોહમ ભટ્ટાચાર્યએ ભારે સંઘર્ષ કરીને અમદાવાદના જ મોખરાના ક્રમના અક્ષિત સાવલાને 3-2થી હરાવીને ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો.
ભારતની ભૂતપૂર્વ ખેલાડી અને આ ટુર્નામેન્ટમાં બિનક્રમાંકિત રમી રહેલી ક્રિત્વિકા સિંહા રોયને સુરતની જ દસમા ક્રમની ફિલઝાહ કાદરીને 4-2થી હરાવવામાં ખાસ તકલીફ પડી ન હતી અને વિમેન્સ ટાઇટલ જીતી લીધું હતું.
અમદાવાદની ત્રીજા ક્રમની ઓઇશિકી જોઆરદારે આઠમા ક્રમની અર્ની પરમાર (સુરત)ને 3-0થી હરાવીને ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું.
પરિણામોઃ
મેન્સ ફાઇનલઃ ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ પ્રથમ માદલાણી 11-6, 11-9, 11-3, 19-17.
ત્રીજો/ચોથો ક્રમઃ સોહમ ભટ્ટાચાર્ય જીત્યા વિરુદ્ધ અક્ષિત સાવલા 8-11, 11-4, 9-11, 14-12, 11-6.
વિમેન્સ ફાઇનલઃ ક્રિત્વિકા સિંહા રોય જીત્યા વિરુદ્ધ ફિલઝાહ કાદરી 11-6, 9-11, 13-11, 11-6, 5-11, 11-8.
ત્રીજો/ચોથો ક્રમઃ ઓઇશિકી જોઆરદાર જીત્યા વિરુદ્ધ અર્ની પરમાર 11-6, 15-13, 12-10.