નવ હજારથી વધુ સભ્યો પાસેથી એકત્રિત કરાયેલો સર્વિસ ટેક્સ ગેરકાયદેસર વસૂલાયો હોઈ સુપ્રીમ કોર્ટના નિર્દેશને લીધે સભ્યોને તે રિફંડ આપવું પડે એવો કલબ મેમ્બર્સ હિત રક્ષક સમિતિનો દાવો
અમદાવાદ
અમદાવાદની પ્રતિષ્ઠિત સરદાર પટેલ સ્ટેડિયમમાં આવેલી સ્પોટર્સ કલબના સભ્યો પાસેથી મેનેજમેન્ટે ખોટી રીતે સર્વિસ ટેક્સ વસૂલતા સુપ્રીમના એક ચુકાદાનું પાલન ન કરી કલબ દ્વારા સભ્યોને રિફંડ ન આપીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કલબ મેમ્બર્સ હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે.
કલબ મેમ્બર્સ હિત રક્ષક સમિતિના રાજેશ બ્રહ્મભટ્ટે આ બાબતે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે કલબ દ્વારા સભ્યો પાસેથી વિવિધ સુવિધાઓ પર સર્વિસટેક્સ વસૂલવામાં આવ્યો હતો. જોકે સ્ટેટ ઓફ વેસ્ટ બંગાલ વિ. કલકત્તા ક્લબ લિમિટેડ (2017)5, એસસીસી 356ના કેસમાં સુપ્રીમ કોર્ટે 2019માં ચુકાદો આપ્યો હતો કે કબલ અને તેના સભ્યો અલગ અલગ એકમો નથી તેથી કલબ દ્વારા તેના મેમ્બર્સને પુરી પાડવામાં આવતી સેવાઓ એ સર્વિસની જોગવાઈઓ હેઠળ આવતી નથી. સુપ્રીમના આ ચુકાદાની સ્પોટર્સ કલબ દ્વારા અવગણના કરીને સભ્યો પાસે વિવિધ સેવાઓ પર સર્વિસ ટેક્સ વસૂલવામાં આવ્યો છે જેનું હવે રિફંડ આપવું પડે એમ છે. કલબ દ્વારા તેના નવ હજારથી વધુ સભ્યો પાસેથી આ પ્રકારે ટેક્સ ઊઘરાવાયો હોવાનો દાવો સમિતિ દ્વારા કરાયો છે.
સમિતિના અનુસાર આ બાબતે અનેક સભ્યો દ્વારા કલબ મેનેજમેન્ટને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં રિફંડ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરાઈ રહી નથી. સમિતિના દાવા પ્રમાણે કલબે આપેલી માહિતી મુજબ 2005થી 2017ની વચ્ચે 2511 સભ્યોએ પ્રવેશ ફી માટે સર્વિસ ટેક્સ ચુકવ્યો હતો અને આ સભ્યો રિફંડ મેળવવાને લાયક ઠરે છે. આ સભ્યોની રિફંડની રકમ અંદાજે 5 કરોડ 47 લાખ રુપિયા જેટલી થાય છે. કલબે 20 મે 2024 સુધીમાં માત્ર 243 સભ્યોને 75.62 લાખનું રિફંડ ચુકવ્યું છે. આ સ્થિતિમાં હજુ પણ મોટી સંખ્યામાં કલબના સભ્યો તેમના રિફંડ મેળવવાના હક્કથી વંચિત છે. સંપન્ન લોકો હોઈ આવા મુદ્દા માટે દાવો કરવા સામે આવતા નથી પરંતુ કલબના કેટલાક જાગૃત સભ્યોએ તમામ હકદાર સભ્યોને રિફંડ મળે એ માટે બિડું ઝડપ્યું હોવાનો હિત રક્ષક સમિતિએ દાવો કર્યો હતો. સમિતિએ આ બાબતે મેનેજમેન્ટ તત્કાળ કાર્યવાહી નહીં કરે તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.