હિમાચલ પ્રદેશના કાંગરા ખાતે યોજાયેલી પ્રથમ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની મેન્સ ફાઇનલમાં બે ગુજરાતી વચ્ચે ટક્કર જામી હતી જેમાં ભારતના બીજા ક્રમના અને સુરતના માનવ ઠક્કરે તેના જ શહેરના અને મોખરાના ક્રમના ભારતીય (બંને પીએસપીબી) ખેલાડી હરમિત દેસાઈને 4-2થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું.
હરમિતે આક્રમક પ્રારંભ કરીને પ્રારંભિક ગેમ જીતી લીધી હતી પરંતુ ત્યાર બાદની ત્રણ ગેમમાં માનવે જોરદાર પુનરાગમન કર્યું હતું. 31 વર્ષીય સિનિયર ખેલાડી હરમિતે પાંચમી ગેમ જીતી હતી પરંતુ માનવે તેની આક્રમક ગેમ જારી રાખીને છઠ્ઠી ગેમની સાથે મેચ પણ જીતી લીધી હતી.
અગાઉ મેન્સ સેમિફાઇનલમાં હરમિતે ગુજરાતના જ અને રિઝર્વ બેંક માટે રમતાં માનુષ શાહને 4-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ગુજરાતના અન્ય બે યુવાન અને ઉભરતા ખેલાડીએ આ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરીને નેશનલ રેન્કિંગમાં સારી છાપ છોડી હતી.
અંડર-17 કેટેગરીમાં અમદાવાદની પ્રાથા પવારે ટુર્નામેન્ટમાં અપસેટ સર્જીને મોખરાના ક્રમની સિન્ડ્રેલા દાસને 3-0 (12-10, 11-7, 11-5) થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તે મહારાષ્ટ્રની રિયાના ભૂતા સામે 2-3 (9-11, 12-10, 7-11, 11-5, 8-11) થી હારી ગઈ હતી.
અંડર-17 બોયઝમાં આયુષ તન્નાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ચોથા ક્રમના દિવ્યરાજ રાજખોવા (આસામ)ને રાઉન્ડ ઓફ 32માં 3-2 (4-11, 11-4, 10-12, 11-8, 11-6)થી હરાવ્યો હતો પરંતુ અંતે ક્વાર્ટર ફાઇનલમાં તેનો સેગલ સિંઘ સામે 1-3થી પરાજય થયો હતો.
24 વર્ષીય માનવ ઠક્કરે જણાવ્યું હતું કે “ફાઇનલમાં મેં થોડી ઓછી ભૂલો સાથે સારી રમત દાખવી હતી. ઓલિમ્પિક્સમાં રમ્યા બાદ મેં સારો આત્મવિશ્વાસ કેળવ્યો છે અને હવે મારે લક્ષ્યાંક આગામી નેશનલ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં બહેતર દેખાવ કરવાનો છે.”