ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરીઝની બીજી મેચ એડિલેડમાં શરૂ
આ ડે નાઈટ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
જો કે ભારતીય ટીમનો પ્રથમ દાવ માત્ર 180 રનના સ્કોર સુધી જ સમેટાઈ ગયો
એડિલેડ
એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પિંક બોલ ટેસ્ટ મેચનો રોમાંચ શરૂ થઈ ગયો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 180 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ સૌથી વધુ 42 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય કેએલ રાહુલે 37 રન અને શુભમન ગિલે 31 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પોતાના બેટિંગ ક્રમમાં પણ મોટો ફેરફાર કર્યો છે.
જેમ કે પહેલાથી જ ચર્ચા થઈ રહી હતી કે કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ એડિલેડમાં ટીમ ઈન્ડિયા માટે ઈનિંગ્સની શરૂઆત કરશે અને બરાબર એવું જ થયું. રોહિત શર્માએ બેટિંગ ક્રમમાં પોતાને નીચે ખસેડ્યો, પરંતુ તેનાથી કોઈ ખાસ ફાયદો જોવા મળ્યો ન હતો. રોહિત શર્મા માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્મા 6 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા માટે છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો.
રોહિત શર્માની ચાલ પલટાઈ ગઈ
પર્થ ટેસ્ટ મેચમાં કેએલ રાહુલે યશસ્વી જયસ્વાલ સાથે મળીને જોરદાર રીતે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. રોહિત શર્મા પોતાના બીજા બાળકના જન્મને કારણે પર્થ ટેસ્ટ મેચમાં રમી શક્યો નહોતો. યશસ્વી અને રાહુલની જોડીએ ટીમ ઈન્ડિયા માટે સારી શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે નક્કી કર્યું કે રોહિત શર્મા બેટિંગ કરવા નીચેના ક્રમે ઉતરશે, પરંતુ તેમનો આ નિર્ણય યોગ્ય રહ્યો નહતો.
રોહિત શર્માએ 2172 દિવસ બાદ ટેસ્ટ મેચમાં પોતાની બેટિંગ પોઝિશન બદલી. રોહિત છેલ્લી વખત 26 ડિસેમ્બર 2018ના રોજ ઓસ્ટ્રેલિયા સામે બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. મેલબોર્નમાં રમાયેલી આ મેચમાં રોહિત શર્માએ પ્રથમ દાવમાં 63 રનની ઇનિંગ રમી હતી. જોકે બીજી ઈનિંગમાં રોહિત શર્મા માત્ર 5 રન જ બનાવી શક્યો હતો.