અમદાવાદની ઝિલ દેસાઇ મુખ્ય ડ્રોમાં રમશે, ખુશાલી મોદી અને પ્રિયાંશી ભંડારીને વાઇલ્ડ કાર્ડ અપાયા
અમદાવાદ
એસ ટેનિસ એકેડેમી ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી) તથા ગુજરાત સ્ટેટ ટેનિસ
એસોસિયેશન (જીએસટીએ)ના સહયોગથી 23મી ડિસેમ્બરથી આઇટીએફ વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટ રમાશે જેમાં
વિદેશની 10 સહિત ભારતના વિવિધ રાજ્યની કુલ 80 ખેલાડીઓ ભાગ લેશે. ગુજરાતની અનુભવી ખેલાડી ઝીલ દેસાઇ મુખ્ય ડ્રોમાં રમશે. ટેલેન્ટેડ યુવા ખેલાડી ખુશાલી મોદી અને પ્રિયાંશી ભંડારીને વાઇલ્ડ કાર્ડ દ્વારા મુખ્ય ડ્રોમાં સ્થાન આપવામાં આવ્યું છે. રૃફથી કવર કરેલા ત્રણ અને બે ઓપન ક્લે કોર્ટ ખાતે રમાનારી આ ટૂર્નામેન્ટમાં 21મી અને 22મી ડિસેમ્બરે ક્વોલિફાઇંગ રાઉન્ડ રમશે અને તેમાંથી ચાર વાઇલ્ડ કાર્ડ ધરાવતી ખેલાડીને મુખ્ય ડ્રોમાં રમવા મળશે. એસ ટેનિસ એકેડેમીના હેડ કોચ ડિમિટ્રી બાસ્કોવે જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટમાં રશિયા, કેનેડા, જાપાન, બ્રિટન સહિત વિવિધ દેશમાંથી ખેલાડીઓ ભાગ લઇ રહી છે. આ ઉપરાંત વિદેશની કેટલીક ખેલાડીઓ વેઇટિંગ લિસ્ટમાં પણ છે.
1998માં એસ એકેડેમીની શરૃઆત કર્યા બાદ અત્યાર સુધી 20 હજાર કરતાં વધારે ખેલાડીઓને ટ્રેનિંગ આપી ચૂકેલા ફાઉન્ડર પ્રમેશ મોદીએ જણાવ્યું હતું કે આઇટીએફ દ્વારા ટૂર્નામેન્ટ દરમિયાન રેન્ડમ ડોપ ટેસ્ટ લેવામાં આવશે અને તેની મેડિકલ ટીમ એકેડેમીની મુલાકાત પણ લેશે. છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાત ખાસ કરીને અમદાવાદ ટેનિસનું હબ બની રહ્યું છે અને સ્થાનિક ખેલાડીઓને વિદેશી ખેલાડીઓ ઓછા ખર્ચમાં ક્લે કોર્ટ ઉપર રમવાનો અનુભવ મળે તે હેતુથી આ પ્રકારની ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યા છીએ. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પણ ગુજરાતના ચાર ખેલાડીને વાઇલ્ડ કાર્ડ આપવામાં આવ્યા છે. જીએસટીએના શ્રીમલ ભટ્ટે પણ એકેડેમીની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે ગુજરાતમાં ટેનિસનું સ્તર સતત ઉંચું આવી રહ્યું છે.