શુક્રવારે સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલ મેચો રમાશે
ભાવનગર
ભાવનગરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં લીગ તબક્કામાં ગુજરાતે કેરળને (૬૭-૫૯) જ્યારે ક્વોલિફાઇંગ રાઉન્ડ મેચોમાં પુરુષોના વિભાગમાં ગુજરાતે આસામ (૭૮-૪૧) ને પરાજય આપ્યો હતો. ગુરુવારની મેચો પુરી થવા સાથે લીગ તબક્કાનું સમાપન થયુ છે, શુક્રવારે ક્વાર્ટર ફાઇનલ મેચો રમાશે.
પુરુષોમાં ક્વાર્ટર ફાઇનલમાં કર્ણાટક સામે દિલ્હી, અને સર્વિસીસ સામે પંજાબ ટકરાશે, ડિફેન્ડિંગ ચેમ્પિયન તમિલનાડુ સામે ચંદીગઢ અને ઉત્તર પ્રદેશ વચ્ચેના પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચના વિજેતાઓ સામે ટકરાશે. અને છેલ્લા ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય રેલ્વેની ટક્કર રાજસ્થાન અને ગુજરાતના વિજેતાઓ સામે થશે.
મહિલા ક્વાર્ટર ફાઇનલમાં તમિલનાડુ સામે મધ્યપ્રદેશ અને દિલ્હી સામે છત્તીસગઢ ટકરાશે, ત્યારબાદ ત્રીજી ક્વાર્ટર ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ડિયન રેલ્વેની ટક્કર પ્રી ક્વાર્ટર ફાઇનલમાં વિજેતા પશ્ચિમ બંગાળ અને ગુજરાત સામે થશે. છેલ્લે કેરળની સામે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં વિજેતા બનનાર મહારાષ્ટ્ર અને કર્ણાટકની ટીમ સામે ટકરાશે.
પુરુષોના વિભાગમાં આજની લીગ મેચોમાં ભારતીય રેલ્વેએ મધ્યપ્રદેશને (81-63) હરાવ્યું. કર્ણાટકએ ચંદીગઢને (78-51) હરાવ્યું અને દિલ્હીએ કેરળને (81-66) હરાવ્યું. મહિલાઓમાં ભારતીય રેલ્વેએ પંજાબને (107-46) હરાવ્યું, કર્ણાટકએ મધ્યપ્રદેશને (63-56) હરાવ્યું, તમિલનાડુએ ઉત્તરપ્રદેશને (92-49) હરાવ્યું, અને ગુરુવારે મોડી રાત્રે રમાયેલી મેચમાં ગુજરાતે કેરળને હરાવ્યું. (૬૭-૫૯). સવારે ક્વોલિફાઇંગ રાઉન્ડ મેચોમાં પુરુષોના વિભાગમાં ગુજરાતે આસામ (૭૮-૪૧) ને હરાવ્યું જ્યારે ઉત્તર પ્રદેશે ઓડિશા (૮૪-૫૯) ને હરાવ્યું અને મહિલાઓમાં મહારાષ્ટ્રે તેલંગાણા (૬૪-૪૯) ને હરાવ્યું અને પશ્ચિમ બંગાળે પુડુચેરી (૬૨-૪૯) ને હરાવીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું.