યુનિફોર્મ સિવિલ કોડ બાબતે ગૃહમાં ઉગ્ર દલીલો સંભાળવા મળે એવી સંભાવના

નવી દિલ્હી
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંસદનું ચોમાસુ સત્ર 17 જુલાઈથી શરૂ થઈ શકે છે જે 10 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ વખતે ચોમાસું સત્રમાં દિલ્હીમાં અધિકારીઓની બદલી અને નિમણૂક માટે કેન્દ્ર સરકારે લાવેલા વટહુકમનો મુદ્દો છવાયેલો રહેશે. આ ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ને બાબતે ગૃહમાં ઉગ્ર દલીલો સંભાળવા મળે એવી સંભાવના છે.
નોંધનીય છે કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દેશભરના વિપક્ષી નેતાઓને મળી રહ્યા છે અને વટહુકમ મુદ્દે તેમનું સમર્થન માગી રહ્યા છે. કોંગ્રેસે હજુ સુધી આ વટહુકમ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી, જેને લઈને આમ આદમી પાર્ટીએ પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં રાહુલ ગાંધીને મતભેદો ભૂલીને સાથે આગળ વધવા કહ્યું છે. આપ કોંગ્રેસને સમર્થન આપવા માટે સતત દબાણ કરી રહી છે.
આ સાથે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાની 10 બેઠકો ખાલી થઈ રહી છે. આ બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. જેમાં પશ્ચિમ બંગાળની 6, ગુજરાતની 3 અને ગોવાની એક બેઠકનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળમાં, ડેરેક ઓ’બ્રાયન, ડોલા સેન, પ્રદીપ ભટ્ટાચાર્ય, સુષ્મિતા દેવ, શાંતા છેત્રી અને સુખેન્દુ શેખર રેનો કાર્યકાળ 18 ઓગસ્ટ સુધીમાં સમાપ્ત થાય છે.
તે જ સમયે, ગુજરાતમાંથી વિદેશ પ્રધાન એસ જયશંકર, દિનેશ જેમલભાઈ અનાવડિયા અને લોખંડવાલા જુગલ સિંહ માથુરજીનો કાર્યકાળ 18 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. વિદેશ પ્રધાન એસ જયશંકરને ફરી ગુજરાતમાંથી ઉમેદવાર બનવવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે ગોવામાંથી વિનય તેંડુલકરનો કાર્યકાળ 28 જુલાઈએ પૂરો થશે. આ તમામ સીટો માટે નોમિનેશનની તારીખ 13 જુલાઈ છે.
ગુજરાતમાં રાજ્યસભાની જે 3 બેઠકો પર ચૂંટણી યોજાશે તે સંપૂર્ણ રીતે ભાજપનું વર્ચસ્વ હશે. કારણ કે ગુજરાત વિધાનસભામાં વિપક્ષ ખુબજ નબળી સ્થિતિમાં છે, આવી સ્થિતિમાં ત્રણેય બેઠકો પર ફરીથી ભાજપની જીત નિશ્ચિત છે. આવી સ્થિતિમાં પાર્ટી વિદેશ પ્રધાન એસ જયશંકરને ફરીથી રાજ્યસભા મોકલશે તેવી ચર્ચા છે. અન્ય બે બેઠકો પર ફેરફાર થઈ શકે છે.