BAPS ચેરિટીઝ દ્વારા હ્યુસ્ટનમાં આયોજિત હેલ્થકેર કોન્ફરન્સ (HPC25)માં 30 કરતા વધુ તબીબી અને સંલગ્ન શાખાઓના 1150 મેડિકલ પ્રોફેશનલ્સ જોડાયા

Spread the love

હ્યુસ્ટન, ટેક્સાસ, યુ.એસ.એ

ગત સપ્તાહે BAPS ચેરિટીઝે તેની પ્રથમ હેલ્થકેર પ્રોફેશનલ્સ કોન્ફરન્સ (HPC25)નું આયોજન કર્યું હતું; હ્યુસ્ટનમાં આયોજિત આ કોન્ફરન્સમાં 30 થી વધુ તબીબી અને સંલગ્ન શાખાઓના 1,150 થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આધ્યાત્મિકતા અને તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ટ સંશોધનના વિરલ સમન્વયરૂપ આ કોન્ફરન્સની થીમ હતી: ‘Enrich, Explore & Empower’.

નવ વિશિષ્ટ બ્રેકઆઉટ ટ્રેક, 60થી વધુ વક્તાઓ અને ફેસિલિટેટર્સ તેમજ 14 CA/CME-એક્રેડિટેડ સેશન્સ દ્વારા આ કોન્ફરન્સ હેલ્થકેર ક્ષેત્રે નવતર આયોજન બની રહી, જેણે આધ્યાત્મિક આરોગ્યનો એક નવો આયામ દર્શાવ્યો. શિકાગોના મહિમા દવેએ (PharmD) સ્વાનુભવ વર્ણવતાં જણાવ્યું, “ આ ફક્ત એક કોન્ફરન્સ નહોતી, પરંતુ કરુણા, નમ્રતા અને હેતુસભર સારવાર કેવી હોવી જોઈએ એનું અનુસંધાન હતું.”

સ્વ સાથે સંવાદ કરાવતી કોન્ફરન્સ
વૈશ્વિક સ્તરે જ્યારે આરોગ્ય વિષયક વ્યવસાયમાં બર્નઆઉટ અને અન્ય અનેક પડકારો જોવા મળી રહ્યા છે ત્યારે આ કોન્ફરન્સ આરોગ્ય ક્ષેત્રના વ્યવસાયિકો માટે સારવારના ઉદાત્ત પાસાંઓને આત્મસાત કરવા માટે ઉત્તમ માધ્યમ સમી બની રહી.

એટલાન્ટાના ઇન્ટર્નિસ્ટ ડૉ. યજ્ઞેશ દવેએ કહ્યું, “મોટા ભાગની આ પ્રકારની કોન્ફરન્સીસ સામાન્ય રીતે ટેકનિકલ બાબતો પર ભાર મૂકતી હોય છે. આ કોન્ફરન્સ દ્વારા મને અંતરદ્રષ્ટિ થઈ કે મારા દર્દીઓની યોગ્ય સારવાર કરવા હું કેવી રીતે એક બહેતર ડૉક્ટર બની શકું!”

રૉબિન્સવિલેના ડોકટર નિકી પટેલ(PharmD, MBA, CDCES,) જણાવે છે, “ આ કોન્ફરન્સમાંથી મને મારા અંતરાત્માનો અવાજ સાંભળી, સમાજની સેવા કરવા યોગ્ય સજ્જતા કેળવી, મારા જીવનને વધુ ઉન્નત બનાવવાની પ્રેરણા મળી.”

વિજ્ઞાન અને અધ્યાત્મનો સંગમ

આ કોન્ફરન્સમાં તબીબી ક્ષેત્રે AI નો સદુપયોગ, ક્લિનિકલ બર્નઆઉટ, હેલ્થ ઇક્વિટી (આરોગ્ય સમાનતા) અને દર્દી-કેન્દ્રિત સુવિધાઓનું ભવિષ્ય જેવા સાંપ્રત વિષયોને આવરી લેવામાં આવ્યા હતા.

હ્યુસ્ટનના ફાર્માસિસ્ટ અને રિસર્ચર સારા રોજર્સે કહ્યું, “ ખૂબ પ્રેરણાદાયી કોન્ફરન્સ, જ્યાં તબીબી શ્રેષ્ઠતા અને આધ્યાત્મિક ઊંડાણનો સમન્વય છે. સારવાર એ માત્ર વિજ્ઞાન જ નથી, પરંતુ સેવા પણ છે, તે પુનઃ દ્રઢ થયું.”

સેન હોઝેના ડૉ. સચિન શાહે(PharmD, FACC, FAHA) જણાવ્યું, “ આ કોન્ફરન્સે મને વિજ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવું તે તો શીખવ્યું, પણ સાથે-સાથે સેવાની ભાવનાને મારા વ્યવહારમાં ઉતારવાની પ્રેરણા આપી.”

કિ-નોટ સંબોધન: કરુણાસભર નેતૃત્વ

મેમોરિયલ હર્મન ટેક્સાસ મેડિકલ સેન્ટરના CEO જેસન ગ્લોવરના મુખ્ય સંબોધનમાં તેમણે ‘Four Ls’ ફિલોસોફી વિષે વાત કરી: 1-લવ(પ્રેમ), 2-લર્ન(નવી બાબતો શીખવાની તત્પરતા), 3-લિટલ થિંગ્સ મેટર(નાની બાબતોમાં ચીવટ) અને 4-લાર્જર ધેન ઈચ ઑફ અસ(વ્યક્તિથી સમષ્ટિ તરફ ગતિ- વ્યાપક પ્રદાન). સમય સાથે બદલાતી ટેકનોલોજીની સાથે કરુણાસભર અભિગમની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો.

હ્યુસ્ટનના ઇન્ટિગ્રાનેટ હેલ્થના CEO લેરી વેડેકિન્ડે કહ્યું, “ કપરા સંજોગોમાં, ખરાબ અનુભવોમાં પણ આધ્યાત્મિક અભિગમ કેવી રીતે જાળવી રાખવો તે જાણવું એક ઉત્તમ પાસું હતું.”

જર્મનીના ઇનોપ્લેક્સસના CMO પ્રો. જુર્ગેન શીલે જણાવ્યું, “ભારતીય સંસ્કૃતિની મને વિશેષ પ્રશંસાલાયક વાત લાગતી હોય તો તે છે અહીં કેટલી બુદ્ધિગમ્ય રીતે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને એકબીજા સાથે જોડવામાં આવ્યા છે!”

સર્વસમાવેશક અભિગમ
આ કોન્ફરન્સે તબીબી ક્ષેત્રમાં હાલમાં સેવારત વ્યવસાયિકોથી લઈને આ ક્ષેત્રમાં પ્રવેશવા ઇચ્છુક સર્વને માટે સંવાદ અને માર્ગદર્શનનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. ફિઝિશિયનથી લઈને નર્સ, ડેન્ટિસ્ટ, ફાર્મસિસ્ટ, પબ્લિક હેલ્થ એક્સપર્ટ તેમજ વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ ટ્રેકસનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફિલાડેલ્ફિયાના મયંક અમીને(PharmD, RPh, MBA) કહ્યું, “હેલ્થકેર ક્ષેત્રમાં ખરું નેટવર્કિંગ કોઈ સીમાઓ વગરનું હોવું જોઈએ. મેડિકલ ક્ષેત્રમાં અલગ-અલગ વ્યવસાયો વચ્ચેની અદ્રશ્ય દીવાલો દૂર કરવામાં આ કોન્ફરન્સે મદદ કરી.”

વિદ્યાર્થી સ્નેહ પટેલે(pre-med) જણાવ્યું, “આ અનુભવે દર્દી-કેન્દ્રિત સંભાળની મારી સમજને વિસ્તૃત કરી અને આરોગ્યસંભાળ કેવી રીતે માનવતાસભર હોવી જોઈએ તેના વિષે સમજ આપી.”

રોબિન્સવિલે, ન્યૂજર્સીના ડેન્ટિસ્ટ ડૉ. મોનિકા પટેલે જણાવ્યું, “આ કોન્ફરન્સમાં અમારી આસપાસના ઉત્સાહી પ્રોફેશનલ્સને મળી એવું લાગ્યું કે અમે વધારે સશક્ત, સમૃદ્ધ બન્યા અને અહીંથી નિસ્વાર્થ સેવાનો સંદેશ લઈને જાઉં છું.”

વૈશ્વિક સેવા, સ્થાનિક પ્રભાવ

BAPS ચેરિટીઝે ભારતમાં સેવાપ્રવૃત્તિઓ વિષયક ચિતાર પૂરો પાડ્યો અને સર્વેને ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં સેવાકીય અભિયાનો હાથ ધરવા પણ પ્રેરણા આપી.

ટેમ્પાના ફાર્મસી કન્સલ્ટન્ટ રસેશ પટેલે કહ્યું, “ એવા વ્યવસાયમાં જ્યાં બર્નઆઉટ વ્યાપક છે, ત્યાં આ કોન્ફરન્સે અમને જે આપ્યું , તે છે: સારવાર, હેતુલક્ષિતા અને પુન: જોડાણ.

અમી પટેલે(PharmD) જણાવ્યું, “અહીં પ્રત્યેક ક્ષણ અર્થસભર હતી, અને મંદિર દર્શન સાથે તે અવિસ્મરણીય બની ગઈ.”

આ કોન્ફરન્સે દર્શાવ્યું કે ટેકનોલોજીનો વિનિયોગ અને કુશળ નેતૃત્વની દોરવણી જ્યારે કરુણા અને ઉચ્ચ માનવમૂલ્યો દ્વારા થાય ત્યારે આરોગ્ય ક્ષેત્ર એક વ્યવસાય માત્ર ના બની રહેતાં માનવસેવાથી સુવાસિત અર્થપૂર્ણ પ્રદાન બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *