મુંબઈ
જિયોબ્લેકરૉક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ (જિયોબ્લેકરૉક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયોબ્લેકરૉક બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડને ભારતમાં બ્રોકરેજ કંપની તરીકે કામગીરી શરૂ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની નિયમનકારી મંજૂરી મળી ગઈ છે.

જિયોબ્લેકરૉક બ્રોકિંગનો ઉદ્દેશ ભારતીય રોકાણકારો માટે કિફાયતી, પારદર્શક અને ટેક્નોલોજી સંચાલિત અમલીકરણ ક્ષમતાઓ લાવવાનો છે. બ્રોકિંગ કંપનીની પેરેન્ટ કંપની જિયોબ્લેકરૉક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ એ જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ (JFSL) [BSE, NSE: JIOFIN] અને બ્લેકરૉક ઇન્કોર્પોરેશન (BlackRock) [NYSE: BLK] વચ્ચેનું 50:50 સંયુક્ત સાહસ છે.
જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને જિયોબ્લેકરૉક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સને કામગીરી શરૂ કરવા માટે મળેલી તાજેતરની નિયમનકારી મંજૂરીની સાથે બ્રોકિંગ લાઇસન્સ મળવાથી જિયોબ્લેકરૉક સંયુક્ત સાહસ ભારતના લોકોને સર્વાંગી ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ ઓફર કરી શકશે.
જિયોબ્લેકરૉક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ માર્ક પિલ્ગ્રેમે જણાવ્યું હતું કે જિયોબ્લેકરૉક બ્રોકિંગ માટે સેબીની આખરી મંજૂરી મેળવતા અમે આનંદિત છીએ જે અમને બચત કરનારા દેશમાંથી રોકાણકારોના દેશ તરીકેની ભારતની સતત પ્રગતિમાં યોગદાન આપવા માટે અમને વધુ નજીક લઈ જાય છે. જિયોબ્લેકરૉક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ સાથે અમે રિટેલ રોકાણકારોને પર્સનલાઇઝ્ડ સલાહ પૂરી પાડવા માટે સક્ષમ બનીશું. હવે બ્રોકરેજ સાથે અમે જાતે નિર્દેશન મેળવતા રોકાણકારો માટે એક્ઝિક્યુશન પ્લેટફોર્મ પણ લાવીશું.
જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ હિતેશ સેઠિયાએ જણાવ્યું હતું કે આ અમારા માટે ખૂબ જ રોમાંચની ક્ષણ છે. જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટની શાખા બજારમાં નવીનતમ મ્યુચ્યુઅલ ફંડ્સ રજૂ કરે છે અને જિયોબ્લેકરૉક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ કામગીરી શરૂ કરવાની તૈયારી કરે છે ત્યારે બ્રોકિંગ એકમ માટેની મંજૂરી સરળ રીતે ઉપલબ્ધ અને ડિજિટલ ફર્સ્ટ સોલ્યુશન્સ દ્વારા ભારતમાં રોકાણોને સુલભ બનાવવાની અમારી વ્યૂહરચનામાં વધુ એક પરિમાણ ઉમેરે છે.
બ્લેકરૉકના હેડ ઓફ ઇન્ટરનેશનલ રેચેલ લૉર્ડે જણાવ્યું હતું કે જિયોબ્લેકરૉકની સ્થાપના ભારતના લાખો રોકાણકારોને મૂડી બજારોની ટેકનોલોજી-સક્ષમ પહોંચ તથા કિફાયતી અને નવીનતમ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે થઈ હતી. સેબી તરફથી આ ત્રીજી મંજૂરી અમારા સંયુક્ત સાહસની વિવિધ ઓફરિંગ્સને પૂરી કરે છે. આ ત્રણેય એકમો દ્વારા જિયોબ્લેકરૉક તમામ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીઝ પૂરી પાડશે અને ભારતીય રોકાણકારોને તેમના નાણાંકીય લક્ષ્યાંકો તરફ આગળ વધવા માટે સક્ષમ કરશે.
