સારંગપુર
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સારંગપુરમાં કાર્યરત સંસ્કૃત મહાવિદ્યાલયના ગૃહપતિ દિવ્યેશ પટેલની કારમાં બોચાસણ ખાતે દર્શન કરીને ગઈકાલે તા. 13-7-2025ની મોડી રાતે સારંગપુર પરત આવી રહેલા બે સંતો અને અન્ય ચાર યાત્રિકોને એક ગંભીર અકસ્માત નડ્યો છે.

13 જુલાઈની રાત્રે બોચાસણથી દર્શન કરીને પોતાની અર્ટિગો કાર દ્વારા સારંગપુર આવી રહેલા દિવ્યેશ પટેલ રાત્રે સવા અગિયાર વાગે સારંગપુરથી માત્ર ત્રણ-ચાર કિલોમીટર દૂર આવેલા ગોધાવટા પાસે આવ્યા, ત્યારે રસ્તામાં એક નાળા પાસે ડીપમાં થોડું પાણી ભરાયેલું હતું. આથી તેઓ નાળાના કિનારે ઊભા રહી ગયા. એવા સમયે અહીં કોઈની પ્રતીક્ષામાં ઊભા રહેલા એક છકડા-રીક્ષાના ચાલકે તેમને જણાવ્યું કે અહીં સામાન્ય પાણી છે અને નીકળી જવાશે. જો કે તેમની વાત સાચી હતી. પાણી ઓછું જ હતું. કારણ કે છકડા રીક્ષાના ચાલક તેમાંથી જ પસાર થઈને આવ્યા હતા. આથી, દિવ્યેશભાઈએ કાર નાળામાં ચલાવવાની હિંમત કરી. પ્રવાહ ઓછો હતો એટલે વાંધો જણાતો નહોતો. પરંતુ કાર નાળામાં અધવચ્ચે પહોંચી ત્યારે પ્રવાહને કારણે ઊભી રહી ગઈ. આથી તેમણે અને સાથેના યાત્રિકોએ ફોન દ્વારા લોકોની મદદ માંગી. કિનારે ઊભેલા કેટલાક લોકોએ દોરડું ફેક્યું. દોરડું બાંધીને કાર ખેંચવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ એ જ વખતે ઉપરવાસમાં વરસાદ પડવાથી પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો. અંદર બેઠેલા પૂજ્ય અપૂર્વપુરુષદાસ સ્વામીએ સારંગપુર ખાતે સંતોને ફોન કરીને તાત્કાલિક સહાય માટે વિનંતી કરી. આ દરમ્યાન બાજુના ગોધાવટા ગામના લોકો પણ મદદ માટે દોડી આવ્યા. સૌએ પ્રયાસ કર્યો. કારને રીવર્સ લેવાનો પણ પ્રયાસ કર્યો. પરંતુ પાણીનો પ્રવાહ વધી જતાં કાર તણાવા લાગી.
નાળાનું પાણી ખૂબ કાદવવાળું હતું, તેથી અંદર બેસેલા યાત્રિકો કાંઈ સમજે તે પહેલાં નાળામાં અચાનક વધેલા પ્રવાહમાં કાર તણાવા લાગી. ગણતરીની સેકંડોમાં કાર તણાઈને રસ્તાની બાજુમાં જ રહેલા ખાડામાં પડી ગઈ. કારમાં આગલી સીટ પર બેઠેલા અપૂર્વપુરુષદાસ સ્વામી અને ડ્રાઈવર દિવ્યેશભાઈ બારણું ખોલી તાત્કાલિક બહાર આવ્યા. પરંતુ પ્રવાહમાં તેઓ પણ તણાવા લાગ્યા. એટલી વારમાં તેમના હાથમાં દોરડું આવી જતા તેઓ બહાર નીકળી ગયા. પાછલી સીટમાં બેઠેલા અન્ય બે યુવકો પણ અંધારામાં ફાફાં મારી બહાર નીકળી આવ્યા. દોરડું અને એક બાવળિયાનો સહારો લઈ તેઓ માંડ બચી શક્યા. આ દરમ્યાન કાર આખી પાણીમાં ડૂબેલ હોવાથી અન્ય યાત્રિકોની કાંઈ ભાળ મળી નહીં. મોડી રાત્રે મદદ માટે દોડી આવેલા મામલતદાર, ગામના લોકો, સારંગપુરના અન્ય સંતો અને નિષ્ણાતોની મદદથી છેક રાત્રે 3 વાગે કાર પાણીમાંથી બહાર કાઢી શકાઈ. ત્યારે વચ્ચેની સીટમાં લગભગ 80 વર્ષીય કૃષ્ણ પંડ્યા અને દિવ્યેશનો 10 વર્ષીય પુત્ર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. આ ઉપરાંત કારમાં બેઠેલા અન્ય એક નવદીક્ષિત સંત પૂજ્ય શાંતચરિત સ્વામીની કોઈ ભાળ મળી નહીં. મુંબઈમાં પૂર્વાશ્રમમાં અભ્યાસ કરીને બે વર્ષ પહેલાં દીક્ષિત થયેલા પૂજ્ય શાંતચરિતદાસ સ્વામીની ભાળ મેળવવા માટે નિષ્ણાતોએ અત્યાર સુધી પ્રયાસો કર્યા છે પરંતુ વહેતા પ્રવાહની સાથે વહી ગયેલા તેઓની ભાળ હજુ સુધી મળી નથી.
લગભગ 80 વર્ષીય કૃષ્ણભાઈ પંડ્યા વર્ષો સુધી તીર્થધામ ગોંડલ ખાતે બી.એ.પી.એસ. ગુરુકુળમાં ગૃહપતિ તરીકે શાળામાં પ્રિન્સિપાલ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. તેમની સેવાઓ બદલ તેમને આદર્શ શિક્ષકનું સન્માન પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. તેમની વિદાયથી એક ખૂબ સારા કેળવણીકાર અને સંનિષ્ઠ ભક્તરાજની મોટી ખોટ પડી છે.
આ દુર્ઘટનાથી શોકગ્રસ્ત બી.એ.પી.એસ. પરિવારે પ્રાર્થના કરીને અક્ષરનિવાસી આત્માઓને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પી છે.
