‘ સમગ્ર ભારત દેશની સાંસ્કૃતિક ધારાઓને, હિન્દુ ધર્મની વિવિધ ધારાઓને એક કરવાનો અદ્ભુત પ્રયાસ ‘ : ડૉ. મોહન યાદવ
મધ્યપ્રદેશના માનનીય મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ગુરુ પૂર્ણિમાના પવિત્ર ઉત્સવની ઉજવણી દરમિયાન અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે તારીખ ૧૨ અને ૧૩ જુલાઈના રોજ BAPS હિંદુ મંદિર, અબુ ધાબી ખાતે ગુરુ પૂર્ણિમાના અવસરને અનુલક્ષીને વિશિષ્ટ પ્રદર્શની અને સભા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિરના વડા પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું અને આ મંદિરની અકલ્પનીય નિર્માણગાથા અને મંદિરના સર્જન પાછળના ઉદાત્ત હેતુ વિશે તેમને વાત કરી હતી.
મંદિરના અદ્ભુત સ્થાપત્ય અને ભક્તિમય વાતાવરણથી મુખ્યમંત્રી ખૂબ પ્રભાવિત થયા હતા. પ્રાચીન અને અર્વાચીન યુગમાં ગુરુ-શિષ્ય પરંપરા અને સાચા ગુરુના જીવનમાં પ્રભાવ વિષયક પ્રેરક પ્રદર્શની નિહાળીને તેઓ મંત્રમુગ્ધ થયા હતા અને નિ:સ્વાર્થપણે તેમજ નિરંતર સેવા કરવાની પ્રેરણા પ્રાપ્ત કરી હતી.
મુખ્યમંત્રીએ મંદિરમાં તમામ ગર્ભગૃહોમાં વિરાજમાન આરાધ્ય સ્વરૂપોના દર્શન અને પ્રાર્થના કરી હતી, ઉપરાંત ભારતીય સંસ્કૃતિના સંવાદિતાના સંદેશની ઝાંખી કરાવતા કલામંડિત અભિષેક મંડપમાં દર્શન કર્યા હતા, જ્યાં BAPS હિન્દુ મંદિરના સર્જક, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જન્મસ્થળ – જબલપુરની પવિત્ર રેત નિહાળીને તેઓ સવિશેષ આનંદિત થયા હતા.
પોતાના જીવનની એક ચિરંતન સ્મૃતિ તરીકે, ડૉ. મોહન યાદવે આ મંદિરને આધ્યાત્મિક સંવાદિતા, સાંસ્કૃતિક એકતા અને કાલાતીત મૂલ્યોના વૈશ્વિક પ્રતીક તરીકે બિરદાવ્યું હતું.
તેઓની સ્વાનુભૂતિ,
“ખરેખર એવું પ્રતીત થયું જાણે રેગિસ્તાનમાં વૃક્ષની છાંયા મળી ગઈ. પરમાત્માનો જ્યારે પ્રવેશ થાય ત્યારે અસંભવમાં અસંભવ કાર્યો પણ શક્ય બની જાય છે. આખા ભારત દેશની સાંસ્કૃતિક ધારાને એક કરવાનો જે પ્રયાસ થયો છે તે અદ્ભુત છે. આ મંદિરની સાથે સમગ્ર આરબ ભૂમિમાં હિન્દુ ધર્મની વિશાળતા અને આપણાં મનની પવિત્રતાનો સંદેશ વહેતો થયો છે. અહીં આપણાં પ્રેમને સૌ સાથે વહેંચ્યો છે, બધાને આદર આપીને.
અહીં ભારતના પ્રમુખ તીર્થોના દર્શન છે. પ્રમુખસ્વામીજીએ મહાન સંકલ્પ કર્યો અને અહીંના રાજાએ જે ઉદારતા દર્શાવી છે, તેઓનો પણ આભાર માનું છું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પને યથાર્થ રૂપમાં સાકાર કર્યો છે. હિન્દુ ધર્મની વિવિધ ધારાઓનું દર્શન અહીં થઈ રહ્યું છે. અહીં કંઈ બાકી નથી!
સ્વામિનારાયણ ભગવાને પ્રગટ થઈને જે માર્ગ દર્શાવ્યો છે તે આપણી સનાતન પરંપરાની પતાકાને હંમેશા ગૌરવાન્વિત કરતો રહેશે. સૌને પ્રણામ. હું પૂજ્ય સંતોનો આભાર માનું છું. હું માનનીય પ્રધાનમંત્રી મોદીજીનો પણ આભાર વ્યક્ત કરું છું, જેમનું આ મંદિરમાં યોગદાન રહ્યું છે. અહીં આવીને એવું લાગ્યું કે જીવન ધન્ય થઈ ગયું.”
