સ્ટોક્સે 214 બોલમાં 9 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 155 રન બનાવ્યા હતા

લોર્ડસ
ઓસ્ટ્રેલિયાએ એશિઝ ટેસ્ટ સિરીઝની બીજી મેચ જીતીને પાંચ મેચોની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ લોર્ડ્સમાં ઈંગ્લેન્ડને 43 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા ભલે આ મેચ જીતી ગયું હોય, પરંતુ આ મેચ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના નામે રહી હતી. સ્ટોક્સે આ મેચની બીજી ઈનિંગમાં શાનદાર 155 રન બનાવ્યા અને પોતાની ટીમને જીતની નજીક લઈ ગયો હતો. આ સાથે આ મેચમાં બેન સ્ટોક્સે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા હતા. એક સમયે એવું લાગતું હતું કે ઈંગ્લેન્ડની જીત નિશ્ચિત છે, પરંતુ તે આઉટ થતાં જ બધું બદલાઈ ગયું. જોશ ટોંગ અને એન્ડરસને લડાઈ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ અસફળ રહ્યા અને અંતે તેમની ટીમનો પરાજય થયો.
આ મેચની ચોથી ઈનિંગમાં ઈંગ્લેન્ડને 370 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને ઈંગ્લેન્ડની ચાર વિકેટ 45 રનમાં પડી ગઈ હતી. આવી સ્થિતિમાં કેપ્ટન સ્ટોક્સ બેટિંગ કરવા આવ્યો હતો. સ્ટોક્સે બેન ડકેટ સાથે સારી ભાગીદારી કરીને ઈંગ્લેન્ડને મેચમાં પરત લાવ્યું હતું અને ચોથા દિવસની રમત પૂરી થઈ ગઈ હતી. પાંચમા દિવસની શરૂઆતથી જ બંનેએ સારી બેટિંગ શરૂ કરી અને ઈંગ્લેન્ડની જીતની તકો વધવા લાગી. જો કે ડકેટ 83 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી જોની બેયરસ્ટો બેટિંગ કરવા આવ્યો હતો. સ્ટોક્સે તેની સાથે ભાગીદારી બનાવવાનું શરૂ કર્યું, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે રમતની ભાવનાની વિરુદ્ધ જઈને બેયરસ્ટોને આઉટ કર્યો.
બેયરસ્ટોના આઉટ થયા બાદ સ્ટોક્સે અલગ રીતે રમવાનું શરૂ કર્યું. તેણે મોટા શોટ રમવાનું શરૂ કર્યું અને ગ્રીનની એક ઓવરમાં 24 રન ફટકારી દીધા હતા. જો કે તેની ટીમ જીતથી 70 રન દૂર હતી ત્યારે તે આઉટ થઈ ગયો હતો અને અંતે ઈંગ્લેન્ડ 43 રનથી મેચ હારી ગયું હતું, પરંતુ સ્ટોક્સે તેની ઈનિંગથી ફેન્સનું દિલ જીતી લીધું હતું. તેણે 214 બોલમાં 9 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 155 રન બનાવ્યા હતા. અગાઉ તેણે ઓસ્ટ્રેલિયા સામે આવી ઈનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી હતી, પરંતુ આ વખતે મેચનું પરિણામ તેના પક્ષમાં આવ્યું ન હતું. જો કે જ્યારે તે આઉટ થઈને પાછો ફર્યો તો વિપક્ષી ખેલાડીઓ પણ તેના વખાણમાં તાળીઓ પાડી રહ્યા હતા.
આ મેચમાં બેન સ્ટોક્સે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે જેણે ટેસ્ટ મેચની ચોથી ઈનિંગમાં છઠ્ઠા નંબર પર કે તેનાથી નીચેના ક્રમમાં બેટિંગ કરી 150થી વધુ રન બનાવ્યા છે. તે ચોથી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ માટે પાંચમો સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી પણ બન્યો હતો. આ મામલામાં બિલ એડરિચ 219 રન સાથે સૌથી આગળ છે. વર્ષ 2001 બાદ આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ખેલાડીએ ઈંગ્લેન્ડ માટે ચોથી ઈનિંગમાં 150થી વધુ રન બનાવ્યા હોય. સ્ટોક્સે આ ઇનિંગમાં ગ્રીનની એક ઓવરમાં 24 રન બનાવ્યા હતા. આ સાથે, તે ઈંગ્લેન્ડ માટે ટેસ્ટમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી બન્યો. હેરી બ્રુકે એક ઓવરમાં સૌથી વધુ 27 રન બનાવ્યા હતા.