આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પર ધર્માંતરણ અંગે પોસ્ટ કરવામાં આવેલી સામગ્રીની તપાસ કરવામાં આવી
લખનૌ
આતંકવાદ વિરોધી દળ (એટીએસ) એ ધર્મ પરિવર્તન મામલે સહારનપુરથી ત્રણ લોકોની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ અન્ય ધર્મના યુવકોને પોતાની નજીક લાવ્યા બાદ હની ટ્રેપ દ્વારા તેમનું ધર્મપરિવર્તન કરાવતા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ નાઝિમ હસન ઉર્ફે રાશિદ, મોહમ્મદ સાદ્દિક, અઝહર મલિક તરીકે થઈ છે. એટીએસને આ અંગે ગત દિવસોમાં સૂચના મળી હતી કે, સહારનપુરના કેટલાક રહેવાસીઓની એક ટોળકી અન્ય ધર્મના લોકોને પોતાની જાળમાં ફસાવીને ધર્મ પરિવર્તન કરવાનું કામ કરી રહી છે.
ત્યારબાદ એટીએસએ ત્રણેય આરોપીઓની ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું હતુ અને આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તેમના દ્વારા ઈન્ટરનેટ મીડિયા પર ધર્માંતરણ અંગે પોસ્ટ કરવામાં આવેલી સામગ્રીની તપાસ કરવામાં આવી.
રાશિદ લોકોને દવાઓ આપવા અને વિવિધ બીમારીઓની સારવાર કરાવવાના બહાને લોકોના ઘરમાં ઘૂસી જતો હતો. આ સંબંધમાં તે સારવારના બહાને સહારનપુરના નવીન નગરમાં રહેતા સોમદત્તના ઘરમાં પણ ઘૂસી ગયો હતો અને પુત્ર ગૌરવને પોતાની જાળમાં ફસાવી દીધો.
ગૌરવને મદરેસામાં બોલાવીને તેણે નમાઝ કેવી રીતે વાંચવી તે શીખવ્યું અને ઉપવાસ કેવી રીતે કરવો તે પણ શીખવ્યું. ઈસ્લામ કબુલ્યા બાદ નોકરી અપાવીશ તેવી લાલચ પણ આપી હતી. આ દરમિયાન તેના કહેવા પર કર્ણાટકના બેંગલુરુમાં રહેતી રેશ્માએ ઓનલાઈન કેરમ બોર્ડ દ્વારા ગૌરવ સાથે નિકટતા કેળવી અને તેને લગ્ન માટે ધર્મપરિવર્તન કરાવ્યું.
આ કામમાં મો. સાદિક અને અઝહરે પણ ભૂમિકા ભજવી હતી. ત્રણેય આરોપીઓએ એટીએસની પૂછપરછમાં પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. રેશ્માની ધરપકડ નથી કરાઈ.