સ્પર્ધામાં મહિલાઓની બે ટીમો ખાસ આકર્ષણ જમાવશે, વિજેતા ટીમને ટ્રોફી, ખેલાડીઓને રેન્કિંગનો લાભ મળશે
અમદાવાદ
અમદાવાદમાં 2થી 4 જાન્યુઆરીએ ઘોડેસવારી સાથે સંકળાયેલી રમત પોલોની સ્પર્ધા અમદાવાદ પોલો ટૂર્નામેન્ટ યોજાશે. સ્પર્ધામાં દેશની ટોચની છ ટીમોના 18થી વધુ ખેલાડી ભાગ લેશે. છ ટીમો અને મહિલાઓની બે ટીમોનો પણ ભાગ લેશે. રોયલ ગેમ તરીકે ઓળખાતી અને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે એક સમયે સન્માન અપાવી ચુકેલી આ રમત દેશમાં બહુ પ્રચલિત નથી પણ તેનો વ્યાપ વધારવાના પ્રયાસ રૂપે અદાણી ગ્રુપના સહયોગથી ગુજરાત પોલો ક્લબ દ્વારા આ સ્પર્ધાનું એસજી હાઈવે પરની પોલો ક્લબ ખાતે આયોજન કરાયું છે.
સ્પર્ધા અંગેની માહિતી આપતા ક્લબના પ્રમોટર સંજય પાલડિયાએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર ટૂર્નામેન્ટની ટ્રોફીનું અનાવરણ કરશે. સ્પર્ધામાં દેશના ટોચના ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે.
25 લાખથી વધુની કિંમતના ઘોડા
સ્પર્ધામાંભાગ લેનારા ઘોડાઓ અંગે જીપીસીના અન્ય પ્રમોટર અર્પણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, સ્પર્ધા માટે ખાસ તાલીમ પામેલા ઘોડાઓની જરૂર પડે છે અને સામાન્ય રીતે એક ઘોડાની ઓછામાં ઓછી કિંમત અંદાજે 25 લાખ જેટલી હોય છે. સ્પર્ધામાં 125થી વધુ ઘોડા મેદાનમાં સ્પર્ધા કરતા જોવા મળશે.
એક ઘોડાનો ઉપયોગ પાંચ મિનિટના ચક્રમાં થાય
ઘોડાની સ્પર્ધામાં ભૂમિકા પર પ્રકાશ પાડતા ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં છ ટીમો વચ્ચે ત્રણ દિવસમાં આઠ મેચો રમાશે. દરેક મેચ ચાર ચક્ર આધારિત હશે. એક ચક્ર માટે પાંચ મિનિટ ફાળવાશે જેમાં એક ઘોડાનો ઉપયોગ થઈ શકે છે એટલે કે દરેક ચક્ર માટે અલગ ઘોડા રાખવા પડે છે.
સ્પર્ધામાં ભાગ લેનારી ટીમો
અદાણી રેસર્સ, જિંદાલ પેન્થર્સ, કેપીઆઈ નાઈટ રાઈડર્સ, એરોન એવેન્જર્સ, એપોલો એવિયેટર્સ, મેફેર પોલો, બુરખિયા બારોન્સ અને લાયન્સ ડેન લિજેન્ડ્સ.
વિજેતાઓને ટ્રોફીથી નવાજાશે
સ્પર્ધાની ફાઈનલ ચાર જાન્યુઆરીએ રમાશે. વિજેતાઓને ટ્રોફીથી નવાજવામાં આવશે. પુરસ્કાર અંગે આયોજકોએ જણાવ્યું હતું કે આ બાબતે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.
સ્પર્ધાનાં આકર્ષણ
- પ્રથમ દિવસે ઔપચારિક પરેડ
- ઉદ્ઘાટન સમારોહમાં 80 ડાન્સરોનું ગ્રુપ પરફોર્મન્સ કરશે
- આંતરરાષ્ટ્રીય રિયાલટી શૉ અમેરિકાઝ ગોટ ટેલેન્ટમાં હાજર રહેલી વોરિયર સ્કવોડ મનોરંજક પ્રદર્શન કરશે.
- બીજા દિવસે બોલિવૂડ ડાન્સ પર્ફોમન્સ
- એક્રોબેટિક ડાન્સ ક્રૂ વી અનબીટેબલ દ્વારા ગ્રેવિટીને પડકારતા જોરદાર સ્ટન્ટ્સ
- ત્રીજા દિવસે મનોરંજક કાર્યક્રમો ઉપરાંત મલખંભ પ્રદર્શન
- અંતે ડ્રોન એક્ટ સાથે રંગબેરંગી ફિનાલે
- ત્રણેય દિવસે મ્યુઝિકલ પર્ફોમન્સ
- આતશબાજી
