ગાંધીધામ
ચીની તાઇપેઈ ખાતે આઠમી જુલાઈથી 20મી જુલાઈ દરમિયાન યોજાનારી પ્રથમ વર્લ્ડ બધિર યૂથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ તથા ચોથી વર્લ્ડ બધિર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના બે ખેલાડી જીત પંડ્યા અને શાઇની ગોમ્સ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ટુર્નામેન્ટ માટેની ભારતીય ટીમની ગુરુવારે જાહેરાત કરવામાં આવી હતી.
અમદાવાદની ઉમંગ બધિર શિક્ષણ સંકુલનો સાતમા ધોરણનો વિદ્યાર્થી વર્ષીય જીત પંડ્યા હાલમાં યૂથ બોયઝ કેટેગરીમાં નેશનલ ચેમ્પિયન છે અને વર્લ્ડ લેવલે તે આ જ ઇવેન્ટમાં હવે ભારત માટે રમવાનો છે.
પિતા એન્થની ગોમ્સના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં સેંટ ઝેવિયર્સ, લોયોલો ટીટી એકેડમી ખાતે તાલીમ લઈ રહેલી શાઇની ગોમ્સ વિમેન્સ કેટેગરીમાં ભાગ લેશે. 25 વર્ષની શાઇની અગાઉ વર્લ્ડ બધિર ટીટીમાં ત્રણ વખત ભાગ લઈ ચૂકી છે અને તુર્કી ખાતે 2017માં યોજાયેલી 23મી સમર ડિફલિમ્પિક્સમાં તે ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં રમી ચૂકી છે.
બંને જીત અને ગોમ્સ હાલમાં દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમના ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે.
આ બે ખેલાડી ઉપરાંત બે ગુજરાતી કોચ નીરજા ત્રિવેદી અને સાહિબજોત સિંઘને આઠ ખેલાડીની ભારતીય ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભારતીય ટીમઃ
મેન્સઃ શ્રીજિત મજુમદાર, પ્રિઓમ ચક્રવર્તી.
વિમેન્સઃ સુરાવી ઘઓષ, શાઇની ગોમ્સ.
યૂથ બોયઝઃ જીત પંડ્યા, પ્રયાસ સહા.
યૂથ ગર્લ્સઃ સિન્ડ્રેલા મલિક, એશવિન કૌર.
કોચઃ નિરજા ત્રિવેદી, સાહિબજોત સિંઘ. આસિસ્ટન્ટ કોચઃ એચ એસ મૂર્તિ