પેરા આર્ચરીમાં ‘પેરા આર્ચર ઓફ ધ યર’ શીતલને ફાઇનલમાં હરાવીને યુવા પાયલે ગોલ્ડ જીત્યો

Spread the love

બેંગકોક

આંતરરાષ્ટ્રીય પેરા આર્ચરીમાં ભારતનો દબદબો જોવા મળ્યો છે. થાઈલેન્ડના બેંગકોકમાં યોજાયેલી પેરા આર્ચરી સિરીઝમાં 18 વર્ષીય ભારતીય તીરંદાજ પાયલ નાગે વિમેન્સ કમ્પાઉન્ડ ઇવેન્ટનો સુવર્ણ ચંદ્રક જીતીને સનસનાટી મચાવી દીધી છે. ખિતાબી જંગમાં પાયલે દેશની જ દિગ્ગજ અને વર્લ્ડ ચેમ્પિયન શીતલ દેવીને પરાજય આપીને સૌને ચોંકાવી દીધા છે.

બેંગકોક: પેરા આર્ચરી સિરીઝની મહિલા કમ્પાઉન્ડ ઇવેન્ટની ફાઇનલ સંપૂર્ણપણે ભારતીય ખેલાડીઓના નામે રહી હતી. ટાઇટલ મેચમાં ભારતની જ બે સ્ટાર ખેલાડીઓ – વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન શીતલ દેવી અને યુવા ખેલાડી પાયલ નાગ આમને-સામને હતી. આ રોમાંચક અને દબાણયુક્ત મુકાબલામાં પાયલે અદભૂત સંયમ જાળવીને 19 વર્ષીય શીતલને 139-136 ના સ્કોરથી હરાવીને ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો હતો. પાયલ માટે સિનિયર આંતરરાષ્ટ્રીય સ્તરે આ કારકિર્દીનો પહેલો અને સૌથી મોટો સુવર્ણ ચંદ્રક છે.

અગાઉ, ક્વોલિફિકેશન રાઉન્ડમાં 2025ના વર્ષની ‘પેરા આર્ચર ઓફ ધ યર’ શીતલ દેવીએ પોતાનું વર્ચસ્વ સાબિત કરતા 698 (25X) અંકો સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. શીતલનો આ સ્કોર બીજા ક્રમે રહેલી કઝાકિસ્તાનની ખેલાડી ઝનાત ઐતિમોવા કરતાં 20 પોઈન્ટ વધુ હતો. આ જ રાઉન્ડમાં પાયલ 678 (9X) પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહી હતી.

ત્યારબાદ બંને ભારતીય ખેલાડીઓએ નોકઆઉટ તબક્કામાં પણ પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. સેમિફાઇનલ મુકાબલાઓમાં શીતલે સિંગાપોરની નૂર શાહિદા અલીમ સામે 147-142 થી વિજય મેળવ્યો હતો. જ્યારે બીજી તરફ, પાયલ નાગે કઝાકિસ્તાનની ઝનાત ઐતિમોવાને 144-140 થી પછાડીને ફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી હતી. ફાઇનલમાં પાયલની જીત એટલા માટે પણ ખાસ બની રહે છે કારણ કે તેણે એક એવી ખેલાડી (શીતલ) ને માત આપી છે, જેનું ફોર્મ તાજેતરના સમયમાં અત્યંત ખતરનાક રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *