જુરેલ-જયસ્વાલના સ્ફોટક બેટિંગ, બિશ્નોઈની વેધક બોલિંગ,ગુજરાત ટાઈટન્સનો રાજસ્થાન સામે છ રને પરાજય

Spread the love

અમદાવાદ

ધુર્વ જુરેલ (75) અને યશસ્વી જયસ્વાલ (55)ની શાનદાર અડધી સદી તથા રવી બિશ્નોઈની (41 રનમાં ચાર વિકેટ)ની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલની એક મેચમાં ગુજરાત ટાઈટન્સને તેના ઘરઆંગણે ભારે રસાકસી બાદ છ રને પરાજય આપ્યો હતો. ગુજરાત સ્પર્ધામાં સતત તેની બીજી મેચ હાર્યું હતું. પહેલા બેટિંગ કરતા રાજસ્થાને છ વિકેટે 210 રન બનાવ્યા હતા જેના જવાબમાં ગુજરાતની ટીમ આઠ વિકેટે 204 રન બનાવ્યા હતા.

રાજસ્થાનના 211 રનના પડકારનો સામનો કરતા ગુજરાતે સારી શરૂઆત કરી હતી અને 50 રન 5.2 ઓવરમાં પૂરા કર્યા હતા. પાવર પ્લેની છ ઓવરમાં 56 રન બનાવી લીધા હતા. સાંઈ સુદર્શને રિયાન પરાગના બોલે સિક્સર સાથે 33 બોલમાં તેની અડધી સદી પૂરી કરી લીધી હતી. જેમાં તેણે સાત બાઉન્ડ્રી અને બે સિક્સર ફટકારી હતી. જોકે આ તબક્કે રાજસ્થાનને પહેલો બ્રેક પરાગે કુમાર કુશાગ્રને 18 રનના વ્યક્તિગત સ્કોર પર હેતમાયરના હાથમાં આબાદ ઝિલાવીને આપ્યો હતો. કુમારે 14 બોલનો સામનો કરતા ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી.રવિ બિસ્નોઈએ સાંઈ સુદર્શનની મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. સાંઈ 44 બોલમાં નવ બાઉન્ડ્રી ત્રણ સિક્સર સાથે 73 રન બનાવીને દેશપાંડેના હાથમાં ઝિલાઈ ગયો હતો. ગુજરાતે તેની બીજી વિકેટ 107 રને ગુમાવી હતી. એક સમયે ગુજરાતના તરફે જતી મેચને રવી બિશ્નોઈએ રાસ્થાનના તરફે કરી દીધી હતી. તેણે ગ્લેન ફિલિપ્સ (3) અને વોશિંગ્ટન સુંદર (4)ને સસ્તામાં પેવેલિયન ભેગા કરી દીધા હતા. એ પછી બર્જરે એક છેડો સાચવીને ઊભા રહેલા જોશ બટલરને 26 રને સંદીપ શર્માના હાથમાં ઝિલાવીને મોટો આંચકો આપ્યો હતો. આ સમયે ગુજરાતનો સ્કોર 133 રન હતો. રાહુલ તિવેટિયા અને શાહરૂખ ખાને ટીમના સ્કોરને 150ને પાર તો પહોંચાડ્યો પણ આ તબક્કે બિશ્નોઈએ તિવેટિયાને વિકેટની પાછળ જુરેલના હાથમાં ઝિલાવ્યો હતો. તિવેટિયાએ છ બોલમાં એક બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 12 રન બનાવ્યો હતો. એ પછી શાહરૂખ ખાન ચાર બોલમાં એક બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 11 રન બનાવીને બિનજરૂરી રન લેવામાં રન આઉટ થયો હતો. રવીન્દ્ર જાડેજાના શાનદાર થ્રો પર તે આઉટ થયો હતો. રાશિદ ખાન દેશપાંડેના બોલે આર્ચરના હાથમાં આબાદ ઝિલાયો હતો રાશિદે 16 બોલમાં ત્રણ બાઉન્ડ્રી સાથે 24 રન બનાવ્યા હતા.

અગાઉ રાજસ્થાન રોયલ્સના સુકાની રિયાન પરાગે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત ટાઈન્ટસને મેચ પહેલા જ એક આંચકો લાગ્યો હતો અને સુકાની શુભમન ગીલ ઈજાને લીધે મેચમાં સામેલ થયો નહતો. તેના સ્થાને રશિદ ખાને ટીમનું નેતૃત્વ કર્યું હતું.

યશસ્વી જયસ્વાલ અને વૈભવ સુર્યવંશીએ ઈનિંગ્સની શરૂઆત શાનદાર રીતે કરી હતી અને બંનેએ માત્ર 4.2 ઓવરમાં 50 રન પૂરા કરી લીધા હતા. પહેલા પાવર પ્લેના અંતે ટીમનો કુલ સ્કોર વિના વિકેટે 69 રન થયો હતો. આ સમયે જયસ્વાલ 35 અને વૈભવ 31 રને રમતમાં હતા. જોકે, આ ભાગીદારી ગુજરાતના સુકાની રાશિદ ખાને તેની પહેલી ઓવરના બીજા બોલે વૈભવને ફિલિપ્સના હાથમાં ઝિલાવીને તોડી હતી. પ્રથમ વિકેટની ભાગીદારીમાં બંનેએ 70 રન ઉમેર્યા હતા. વૈભવના સ્થાને ધ્રુવ જુરેલ જયસ્વાલ સાથે જોડાયો હતો. દસ ઓવરના અંતે રાજસ્થાને એક વિકેટના ભોગે 97 રન બનાવ્ હતા જેમાં જયસ્વાલના 47 અને જુરેલના 27 રન હતા. ટીમે તેના 100 રન 11મી ઓવરના પહેલા બોલે પૂરા થયા હતા.

જયસ્વાલે તેના 50 રન 32 બોલમાં પાંચ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર સાથે પૂરા કર્યા હતા. જુરેલ અને જયસ્વાલે 50 રનની ભાગીદારી 34 બોલમાં કરી હતી. જેમાં જયસ્વાલનું 15 અને જુરેલનું 31 રનનું યોગદાન રહ્યું હતું . અંતે આ ભાગીદારી રબાડાએ જયસ્વાલને 55 રનના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ કરીને તોડી હતી. જયસ્વાલે તેની 36 બોલની ઈનિંગ્સમાં છ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર ફટકારી હતી. રાજસ્થાનના સુકાની રિયાન પરાગે સ્ટ્રાઈક લેતાની સાથે જ રબાડાના પહેલા જ બોલે સિક્સર ફટકારી હતી. જોકે તે પ્રસિદ્ધ ક્રિષ્ણાના એક બહાર જતા બોલ પર કુશાગ્રના હાથમાં ચાર બોલમાં એક સિક્સર સાથે 8 રન બનાવીને ઝિલાઈ ગયો હતો. જુરેલ સાથે હેતમાયર જોડાયો હતો. રાજસ્થાને તેના 150 રન 85 બોલમાં પૂરા કર્યા હતા.

હેતમાયર અશોકની બોલિંગમાં મોહમ્મદ સિરાઝના હાથમાં આબાદ ઝિલાઈ ગયો હતો. રબાડાએ ફરેરાને માત્ર એક રને ફિલિપ્સના હાથમાં ઝિલાવી દીધા હતો. રાજસ્થાને તેની પાંચમી વિકેટ 166 રનના કુલ સ્કોર પર ગુમાવી હતી. જુરેલે તેના 50 રન 30 બોલમાં પૂરા કર્યા હતા જેમાં તેણે ચાર બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર ફટકારી હતી.રાજસ્થાનના 200 રન 18.4 ઓવરમાં પૂરા થયા હતા. ધ્રુવ જુરેલ 42 બોલમાં પાંચ બાઉન્ડ્રી અને પાંચ સિક્સર સાથે 75 રન બનાવીને ઈનિંગ્સની છેલ્લી સિરાઝની ઓવરના ત્રીજા બોલે વિકેટકીપર જોશ બટલરના હાથમાં ઝિલાઈ ગયો હતો. રાજસ્થાને છ વિકેટના ભોગે 210 રન બનાવ્યા હતા.

સ્નાયુ ખેંચાઈ જતાં ગિલ મેચ ન રમ્યો

રાજસ્થાન રોયલ્સ સામેની મહત્વપૂર્ણ આઈપીએલ મેચમાં ગુજરાત ટાઇટન્સનો નિયમિત કેપ્ટન શુભમન ગિલ સ્નાયુ ખેંચાઈ જવાની સમસ્યાના કારણે રમી શક્યો નહોતો. ગિલની અણધારી ગેરહાજરીને પગલે મેનેજમેન્ટે અનુભવી સ્પિનર રાશિદ ખાનને ટીમની કમાન સોંપી હતી. ટોસ સમયે સ્ટેન્ડ-ઈન કેપ્ટન રાશિદે સ્પષ્ટ કર્યું હતું કે ગિલ સાવચેતીના ભાગરૂપે આરામ કરી રહ્યો છે. આ મેચમાં રાશિદના નેતૃત્વમાં ગુજરાતની ટીમ મેદાનમાં ઉતરી હતી.

થેલેસેમિયાગ્રસ્ત-દિવ્યાંગો મેચ જોવા આવ્યા

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના થેલેસેમિયા ટ્રાન્સફ્યુજન સેન્ટરમાં સારવાર લેતા થેલેસેમિયા મેજરના બાળકો અને નવજીવન ટ્રસ્ટ સાથે સંકળાયેલ દિવ્યાંગ બાળકોને તેમના વાલીઓ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાતી ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચેની આઈપીએલ T20 ક્રિકેટ મેચની કોમ્પ્લીમેન્ટરી ટિકિટો આઈસીસીના ચેરમેન જય શાહ દ્વારા આપવામાં આવી. અગાઉ પણ આઈપીએલ ની મેચ દરમિયાન ઓર્ગન ડોનેશન પ્લેજનો રેકોર્ડ કરવામાં આવેલ હતો. થેલેસેમિયાના દર્દી, તેમના વાલી અને દિવ્યાંગ સહિત અંદાજે 500 જણા આ મેચ માણવા આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *