તિલકની સદી સાથે મુંબઈ ઈન્ડિયન્સનો ગુજરાત ટાઈટન્સ સામે 99 રને આસાન વિજય

Spread the love

મુંબઈના પાંચ વિકેટે 199 રનના જવાબમાં ગુજરાતનો દાવ 100 રનમાં સમેટાઈ ગયો

અમદાવાદ

તિલક વર્માના અણનમ 101 રન અને અસવિની કુમાર 24 રનમાં ચાર વિકેટની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની 30મી મેચમાં ગુજરાત ટાઈટન્સને 99 રને પરાજય આપી સ્પર્ધામાં તેની છઠ્ઠી મેચમાં બીજો વિજય મેળવ્યો હતો. આ સાથે મુંબઈ પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે જ્યારે ગુજરાત છઠ્ઠા ક્રમે યથાવત રહ્યું હતું.

200 રનનો પીછો કરતા ગુજરાતે પણ તેની ત્રણ વિકેટ 40 રનમાં જ ગુમાવી દીધી હતી. જસપ્રિત બુમરાહે સ્પર્ધાની પહેલી વિકેટના રૂપે સાંઈ સુદર્શનને પોઈન્ટ પર શૂન્ય રને ક્રિષ ભગતના હાથમાં ઝિલાવ્યો હતો. એ પછી સુકાની હાર્દિક પંડ્યાએ જોશ બટલરને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. બટલર છ બોલમાં એક બાઉન્ડ્રી સાથે પાંચ રન બનાવી શક્યો હતો. સુકાની શુભમન ગીલે વોશિંગ્ટન સુંદર સાથે મળીને ટીમની સ્થિતિને સુધારવાનો પ્રાસ કર્યો હતો જોકે આ તબક્કે અશ્વની કુમારે ગીલ (15)ને નમન ધીરના હાથમાં ઝિલાવી ગુજરાતને વધુ એક આંચકો આપ્યો હતો. 17 બોલમાં પાંચ બાઉન્ડ્રી સાથે 26 રન ઝૂડીને ટીમના વિજયની આશા જગાવનારા વોશિંગ્ટન સુંદરને સેન્ટનરે મીડવિકેટ પર નમન ધીરના હાથમાં ઝિલાવીને ગુજરાતને મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધી હતી. સેન્ટનરે વળતો કેચ ઝિલીને ગ્લેન ફિલિપ્સ (6)ને આઉટ કર્યો હતો. રાહુલ તિવેટિયાએ 11 બોલમાં એક બાઉન્ડ્રી સાથે આઠ રન બનાવીને અશ્વિની કુમારના બોલમાં ડીકોકના હાથમાં કેચ આપી દીધો હતો. રાશિદ ખાન છ બોલમાં ચાર રન બનાવીને અશ્વિનીના બોલે કવર પર સબસ્ટિટ્યૂટ આર બાવાના હાથમાં ઝિલાઈ ગયો હતો. ગુજરાતે તેની સાતમી વિકેટ 85 રનમાં ગુમાવી હતી. અશ્વિની કુમારે શાહરૂખ ખાન (17)ને નમન ધીરના હાથમાં ઝિલાવીને ગુજરાતની આઠમી વિકેટ ખેરવી હતી. ગઝાનફરે રબાડા (12) અને મોહમ્મદ સિરાઝ (0)ની વિકેટ ખેરવીને ગુજરાતની ઈનિંગ્સ 15.5 ઓવરમાં 100 રનમાં સમેટી દીધી હતી.

અગાઉ તિલક વર્મા (101 નો.આ), નમન ધીર (45)ની શાનદાર આક્રમક બેટિંગના જોરે મુંબઈ ઈન્ડિયન્સ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવાની તકનો લાભ ઊઠાવીને ટીમને પાંચ વિકેટે 199 રનના સન્માનનીય સ્કોર પર પહોંચાડ્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આઈપીએલમાં આઠમી સદી તિલકે ફટકારી છે.  ગુજરાત ટાઈટન્સના સુકાની શુભમન ગીલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કરવા સાથે મુંબઈના ટોચના ત્રણ બેટર્સને સસ્તામાં ઘર ભેગા કરી દીધા હતા. ડેનિસ માલેવાર (2)ને રબાડાએ એલબીડબલ્યુ કર્યા બાદ અગાઉ સદી ફટકારનારા ક્વિન્ટન ડીકોક (13)ને રબાડાએ વળતો કેચ ઝડપીને પેવેલિયનમાં પાછો મોકલ્યો હતો. ડીકોકે 11 બોલનો સામનો કરતા એક બાઉન્ડ્રી અને એક સિકસ્ર ફટકારી હતી. રબાડાએ સુર્યકુમાર યાદવ (15)ને બોલ્ડ કરીને પાવર પ્લેમાં મુંબઈની ટીમની મુશ્કેલી વધારી દીધી હતી. સુર્યાએ 10 બોલનો સામનો કરતા એક બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી હતી. શરૂઆતના આંચકા બાદ એક સમયે મુંબઈ 150નો સ્કોર પણ વટાવે એમ લાગતું નહતું પરંતુ નમન ધીરે 32 બોલમાં છ બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 45 રન ઉમેરી ટીમની સ્થિતિ સુધારી હતી તેણે ચોથી વિકેટની ભાગીદારીમાં  તિલક વર્મા સાથે મળીને 52 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નિભાવી હતી જે ભાગીદારી પ્રસિદ્ધ ક્રિષ્ણાએ તોડી હતી અને ધીર રબાડાના હાથમાં કેચ આપી બેઠો હતો. તિલક વર્માએ સુકાની હાર્દિક પંડ્યા સાથે મળીને પાંચમી વિકેટની ભાગીદારીમાં 81 રન બનાવી ટીમને મજબૂત સ્થિતિમાં મુકી હતી 177 રનના કુલ સ્કોર પર હાર્દિક સિરાઝના બોલે ફિલિપ્સના હામાં આબાદ ઝિલાયો હતો. હાર્દિકે 16 બોલમાં એક બાઉન્ડ્રી સાથે 15 રન કર્યા હતા. તિલક વર્માએ 45 બોલમાં આઠ બાઉન્ડ્રી અને સાત સિક્સર સાથે 101 રન ઝૂડી કાઢ્ય હતા. મુંબઈએ પાંચ વિકેટના ભોગે 199 રન બનાવી ગુજરાત સમક્ષ 200 રનનો પડકાર મુક્યો હતો. ગુજરાત માટે રબાડાએ 33 રનમાં ત્રણ જ્યારે સિરાજ અને ક્રિષ્નાએ એક-એક વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *