પ્રદીપે મિસાઈલ,ડ્રોન-રોબોટિક પ્રોગ્રામ્સ અંગેની માહિતી પાક. મહિલા ઈન્ટેલિજન્સને શેર કરી હતી

Spread the love

પાકિસ્તાની એજન્ટે સોશિયલ મીડિયા પર કુરુલકર સાથે જોડાવા માટે અલગ-અલગ નામોથી નકલી એકાઉન્ટ બનાવ્યા હતા, આમાંથી બે નામ ઝારા દાસગુપ્તા અને જુહી અરોરા હતા


નવી દિલ્હી
પાડોશી દેશ પાકિસ્તાન સાથે ગુપ્ત માહિતી શેર કરવા બદલ ધરપકડ કરાયેલા ડીઆરડીઓ વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરને લઈને ચાર્જશીટમાં મોટા ખુલાસા થયા છે. એટીએસે 30 જૂને સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ સબમિટ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે પ્રદીપ કુરુલકરે ભારતના મિસાઈલ, ડ્રોન અને રોબોટિક્સ પ્રોગ્રામ્સ સંબંધિત માહિતી પાકિસ્તાની મહિલા ઈન્ટેલિજન્સ ઓપરેટિવ સાથે શેર કરી હતી.
ચાર્જશીટ મુજબ, પાકિસ્તાની એજન્ટે સોશિયલ મીડિયા પર કુરુલકર સાથે જોડાવા માટે અલગ-અલગ નામોથી નકલી એકાઉન્ટ બનાવ્યા હતા. આમાંથી બે નામ ઝારા દાસગુપ્તા અને જુહી અરોરા હતા. ખરેખર તો ઝારા દાસગુપ્તાના નામથી આઈડી બનાવીને પ્રદીપ સાથે જોડાનાર પાકિસ્તાન એજન્ટે કહ્યું હતું કે તે બ્રિટનમાં સોફ્ટવેર એન્જિનિયર છે. આટલું જ નહીં ઝારાએ પ્રદીપ સાથે મિત્રતા કરી અને બ્રહ્મોસ લૉન્ચર, અગ્નિ મિસાઇલ લૉન્ચર અને મિલિટરી બિડિંગ સિસ્ટમ, ડ્રોન્સ, યુસીવી અને અન્ય વસ્તુઓ વિશે માહિતી માંગી હતી. જે બાદ પ્રદીપે આ બધી માહિતી એકઠી કરી અને પાકિસ્તાની એજન્ટને મોકલી આપી.
આ સિવાય ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે પ્રદીપ ઝારાની સામે પોતાના કામ વિશે બડાઈ મારતો હતો. 1837 પાનાની આ ચાર્જશીટમાં સમાવિષ્ટ એક ચેટમાં જ્યારે પાકિસ્તાની એજન્ટોએ પૂછ્યું કે શું અગ્નિ-6 લોન્ચરનું પરીક્ષણ સફળ રહ્યું છે, જેના જવાબમાં તેમણે કહ્યું: “લૉન્ચર મારી ડિઝાઇન છે. તે એક મોટી સફળતા હતી. કુરુલકર અને પાકિસ્તાની એજન્ટો વચ્ચેની આ ચેટ સપ્ટેમ્બર 2022 અને ફેબ્રુઆરી 2023 વચ્ચેની છે.
ઉલ્લેખનીય છે કે ડીઆરડીઓના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરને મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા 3 મેના રોજ હની ટ્રેપના એક શંકાસ્પદ કેસમાં કથિત જાસૂસી અને પાકિસ્તાનના ગુપ્તચર કાર્યકર્તાઓ સાથે સંબંધના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. કુરુલકર ઘણા મોટા પ્રોજેક્ટ્સનો હિસ્સો રહ્યો છે, તે ગ્રાઉન્ડ સિસ્ટમ્સ અને તમામ મિસાઈલોની લોન્ચિંગમાં લોન્ચર તરીકે સામેલ રહી ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *