ગુજરાતી સંગીતમાં અનોખી પહેલઃ વિશ્વકક્ષાના પ્રોડક્શન, આકર્ષક વાર્તા પ્રસ્તુતી અને આધુનિક કલાત્મક દ્રષ્ટિકોણ સાથે ઈશાની દવેનો કોન્સર્ટ યોજાશે

Spread the love

બદલાવ: ચેપ્ટર 1 નામનો કોન્સર્ટ લોકપ્રિય ગાયિકા ઈશાની દવે શંકુસ એન્ટરટેઈનમેન્ટ સાથે મળીને એસજી હાઈવેના શંકુસ ફાર્મ ખાતે છ જૂને યોજાશે

અમદાવાદ  

ગુજરાતના સંગીત પ્રેમીઓને વિશ્વકક્ષાનું પ્રોડક્શન, આકર્ષક વાર્તા પ્રસ્તુતી અને આધુનિક કલાત્મક દ્રષ્ટિકોણ દ્વારા ગુજરાતી સંગીતના અનુભવને નવી ઓળખ આપવાના હેતુ સાથે ગુજરાતી લોકસંગીતના દિગ્ગજ ગાયક પ્રફુલ દવેની પુત્રી લોકપ્રિય ગાયિકા ઈશાની દવે શંકુસ એન્ટરટેઈનમેન્ટની સાથે મળીને  બદલાવ: ચેપ્ટર 1 નામના ભવ્ય લાઇવ કોન્સર્ટને રજૂ કરશે. આ કોન્સર્ટ ઠ જૂનના રોજ શંકુસ ફાર્મ, એસ.જી. હાઇવે, અમદાવાદ ખાતે યોજાશે.

ગુજરાતી સંસ્કૃતીને નવી ઊંચાઈ આપવાનો પ્રયાસઃ હાર્દિક

કાર્યક્રમની વિગતો આપતાં ઈશાનીના ગાયક ભાઈ હાર્દિકે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માત્ર પરંપરાગત સંગીત પ્રસ્તુતિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરવા અને તેને નવી ઊંચાઈ આપવા માટેનો એક અનોખો પ્રયાસ છે. પરંપરાગત તેમજ આધુનિક ગુજરાતી સંગીતને એવા આધુનિક ફોર્મેટમાં રજૂ કરવામાં આવશે, જે નવી પેઢી સાથે સરળતાથી જોડાઈ શકે અને સાથે સાથે પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ સાથે પણ મજબૂત રીતે સંકળાયેલું રહે.

ગુજરાતી લાઇવ સંગીતના અનુભવને નવી રીતે રજૂ કરવાનો પ્રયાસઃ ઈશાની

પ્રોજેક્ટના વિઝન અંગે વાત કરતાં ઈશાનીએ જણાવ્યું હતું કે, બદલાવ દ્વારા અમે ગુજરાતી લાઇવ સંગીતના અનુભવને નવી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, સાથે સાથે અમારી સાંસ્કૃતિક મૂળને પણ અખંડિત રાખી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે, દર્શકો ગુજરાતી સંગીતની ઊર્જા, લાગણી અને ગૌરવને એવા પ્રોડક્શન દ્વારા અનુભવે, જે વૈશ્વિક ધોરણોને સ્પર્શતું હોય. આ કાર્યક્રમમાં જૂના-નવા થઈને 30 જેટલા ગીતો પ્રસ્તુત કરીશ. જેમાં બેચચાર તો એકદમ નવી ગીતો હશે જે ફછીથી આલ્બમના રૂપે રજૂ કરીશ.

ભવ્ય સ્ટેજ સેટઅપ

કાર્યક્રમમાં ભવ્ય સ્ટેજ સેટઅપ, સ્ટેડિયમ-ક્વોલિટી સાઉન્ડ સિસ્ટમ, ઇમર્સિવ લાઇટિંગ, વિશાળ ટ્રસ સ્ટ્રક્ચર્સ, આશરે 4,000 ચોરસ ફૂટ જેટલી એલઇડી સ્ક્રીન્સ અને સિનેમેટિક કોન્સર્ટ અનુભવ સર્જતા વિવિધ સ્પેશિયલ ઇફેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ચાર વર્ષના આયોજન, સર્જનાત્મક વિકાસ, પ્રોડક્શન ડિઝાઈનનું પરિપૂર્ણ રૂપ

કોન્સર્ટ લગભગ ચાર વર્ષના આયોજન, સર્જનાત્મક વિકાસ અને પ્રોડક્શન ડિઝાઇનનું પરિપૂર્ણ સ્વરૂપ છે. સંગીત ક્યુરેશન, સાઉન્ડ ડિઝાઇન, પ્રોગ્રામિંગ, વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ અને સ્ટેજ પ્રોડક્શન માટે હજારો કલાકોની મહેનત બાદ આ પ્રોજેક્ટને સાકાર કરવામાં આવ્યો છે, જેથી ગુજરાતી મનોરંજન ક્ષેત્રમાં અગાઉ ક્યારેય ન જોવાયો હોય એવો અનોખો લાઇવ અનુભવ સર્જી શકાય.

પિતા પ્રફુલ દવેના સ્ટેજ પર જોડાવા અંગે સસ્પેન્સ

ઈશાનીની સાથે મુંબઈ અને ગુજરાત સહિતના 30થી વધુ વાદ્યવૃંદ જોડાશે. ભાઈ હાર્દિક અને પિતા પ્રફુલ ભાઈના આ કોન્સર્ટમાં જોડાવા અંગે ઈશાનીએ સસ્પેન્સ રાખ્યું હતું. તેણે કહ્યું કે આ એક ગુજરાતી સંગીતમાં અનોખો પ્રયાસ છે અને શૉ પહેલાં જ તમામ બાબતો અત્યારે કહી ન શકાય. કેમકે સ્ક્રિપ્ટ અને પ્રસ્તુતી પર હજુ પણ કામ ચાલુ છે. તેણે વધુમાં કહ્યું કે, માત્ર ઊર્જાસભર સંગીતમય રજૂઆત પૂરતી સીમિત ન રહી, આ કોન્સર્ટને એક ઇમર્સિવ સાંસ્કૃતિક અનુભવ તરીકે કલ્પવામાં આવ્યું છે, જેમાં દરેક દૃશ્ય, અવાજ અને પ્રદર્શનનો દરેક તત્વ ગુજરાતી ઓળખ, સર્જનાત્મકતા અને કલાત્મક વિકાસની વિશાળ કહાનીને ઉજાગર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *