તમામ પ્રવાસીઓમાં વાયરસના કોઈ જ લક્ષણ ન જોવા મળ્યા છતાં તકેદારીના ભાગ રૂપે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા
અમદાવાદ
આફ્રિકન દેશો યુગાન્ડા, દક્ષિણ સુદાન અને કોંગોમાં જીવલેણ ઇબોલા વાઇરસનો પ્રકોપ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. તકેદારીના ભાગરૂપે પ્રશાસન દ્વારા અમદાવાદમાં તમામ જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ આફ્રિકન દેશોમાંથી અમદાવાદ આવેલા 11 જેટલા મુસાફરોને હાલ તેમના ઘરે જ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
પ્રવાસીઓમાં ઇબોલાના લક્ષણ જોવા ન મળ્યા
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ તમામ મુસાફરો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહે છે. હાલમાં આમાંથી એકપણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો દેખાયા નથી, તેમજ તેઓ ત્યાં કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. જોકે, સાવચેતીના પગલે હવે પછી આ ત્રણ દેશોમાંથી આવનારા તમામ મુસાફરો માટે હોમ આઇસોલેશન ફરજિયાત રહેશે. આ ઉપરાંત, કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન કરવા માટે અલગથી ૩૦ બેડનો વિશેષ વોર્ડ તૈયાર કરી દેવાયો છે.
મુસાફરોએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ફરજિયાત ભરવું પડશે
ઇબોલા વાઇરસને કારણે વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય કટોકટીની આંતરરાષ્ટ્રીય ચિંતા ઊભી થઈ છે. આ જોખમને ઘટાડવા માટે સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા એરપોર્ટ પર તમામ એરલાઇન્સ માટે કડક નિયમો લાગુ કરાયા છે. જેના અંતર્ગત એરપોર્ટ પર પ્રવેશતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું ફરજિયાત રહેશે. એરપોર્ટ પર ભીડ ટાળવા અને સંક્રમણનું જોખમ ઘટાડવા માટે ફ્લાઇટ લેન્ડ થાય તે પહેલાં જ પ્લેનમાં આ અંગેની જાહેરાત કરીને ફોર્મ ભરાવી લેવામાં આવશે.
હેલ્થ સ્ટાફ ખડે પગે
એરપોર્ટના આગમન વિસ્તારમાં 247 ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ તૈનાત કરી દેવાયા છે. આગામી સમયમાં મુસાફરોની પ્રક્રિયા સરળ બનાવવા માટે મંત્રાલય દ્વારા ફરીથી એર સુવિધા પોર્ટલ શરૂ કરવામાં આવી શકે છે.
અમદાવાદ એરપોર્ટ પર વોચ વધારાઈ
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખાસ કરીને આફ્રિકાના પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો પર વોચ વધારવામાં આવી છે. દરરોજ સાંજે 6 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધી યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, આ સ્ક્રીનિંગ માત્ર પ્રભાવિત દેશોના પેસેન્જરો માટે જ છે, સામાન્ય કે અન્ય દેશોના મુસાફરોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
કોંગોમાં ઇબોલાના વધતા કેસોને લીધે હેલ્થ ઈમરજન્સી
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોંગોમાં ઇબોલાના વધતા કેસોને પગલે ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. કોંગોના ઇટુરી પ્રાંતમાં અત્યાર સુધીમાં ઇબોલાના કારણે 80 લોકોના મોત થયા છે અને 246 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ત્યાં ગત 24 એપ્રિલે એક નર્સના મોત બાદ આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે.
ઇબોલાનો બુંડીબુગ્યો સ્ટ્રેન મળ્યો
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ વખતે કોંગોમાં ઇબોલાનો બુંડીબુગ્યો સ્ટ્રેન મળ્યો છે. અગાઉ ત્યાં ઝાયર સ્ટ્રેન જોવા મળતો હતો. ચિંતાની વાત એ છે કે ઇબોલાની હાલની મોટાભાગની રસી અને સારવાર ઝાયર સ્ટ્રેનને ધ્યાનમાં રાખીને બનાવાયા છે, જેથી આ નવો સ્ટ્રેન તબીબો માટે મોટો પડકાર બની શકે છે.
શું છે ઇબોલા વાઇરસ?
ઇબોલા વાઇરસ ડિસીઝ સૌપ્રથમ 1976માં આફ્રિકાની ઇબોલા નદી નજીકના વિસ્તારમાં સામે આવ્યો હતો, જેના પરથી તેનું નામ ઇબોલા રાખવામાં આવ્યું છે. આ વાઇરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં મૃત્યુદર 25% થી લઈને 90% જેટલો ઊંચો હોય છે. આ બીમારી સંક્રમિત વ્યક્તિના લોહી, ઉલટી, લાળ કે શરીરના અન્ય પ્રવાહી પદાર્થોના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે.
એએમસીની અપીલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગભરાય નહીં પરંતુ વિદેશ પ્રવાસથી પરત ફરતી વખતે સ્વાસ્થ્ય સંબંધી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે.
