રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ઘટનાસ્થળની મુલાકાત લઈ બચાવ કામગીરીની સમીક્ષા કરી
સુરત:
સુરતના કામરેજ વિધાનસભા વિસ્તાર હેઠળ આવેલા સરથાણા જકાતનાકા આઉટર રીંગ રોડ નજીક પાણીમાં બે યુવકો તણાઈ જવાની દુઃખદ ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ રાજ્યના આરોગ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.
એક યુવકનો મૃતદેહ મળ્યો
તંત્ર અને સ્થાનિક લોકોની ભારે જહેમત બાદ પાણીમાં તણાયેલા યુવકો પૈકી અલ્પેશ દેસાઈનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાથી તેમના પરિવાર પર શોકની લાગણી છવાઈ ગઈ છે.
મંત્રી પ્રફુલ પાનશેરિયાએ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું કે, “પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.”
બીજા યુવકની શોધખોળ ચાલુ
ઘટનામાં તણાયેલા અન્ય યુવક સંદીપ ચોવટીયાની શોધખોળ માટે ફાયર વિભાગ, સ્થાનિક વહીવટી તંત્ર અને અન્ય બચાવ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
આધુનિક સાધનો અને તરવૈયાઓની મદદ લેવાઈ
બચાવ કામગીરીમાં તમામ ઉપલબ્ધ આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત સ્થાનિક અનુભવી તરવૈયાઓની મદદથી પણ પાણીમાં સર્ચ ઓપરેશન સતત ચાલુ રાખવામાં આવ્યું છે, જેથી ગુમ થયેલા યુવકને વહેલી તકે શોધી શકાય.
મંત્રીશ્રીએ અધિકારીઓને આપ્યા જરૂરી નિર્દેશ
મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ઘટનાસ્થળે હાજર અધિકારીઓને બચાવ કામગીરીમાં કોઈ કચાશ ન રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે અસરગ્રસ્ત પરિવારજનોને સાંત્વના આપતાં જણાવ્યું કે રાજ્ય સરકાર અને સમગ્ર વહીવટી તંત્ર આ મુશ્કેલ સમયમાં તેમની સાથે છે અને સંપૂર્ણ સંવેદનશીલતા તથા પ્રતિબદ્ધતા સાથે કામગીરી કરી રહ્યું છે.
તંત્ર દ્વારા લોકોને પણ વરસાદી માહોલ દરમિયાન પાણી ભરાયેલા વિસ્તારો અને ઊંડા પાણીવાળા સ્થળોથી દૂર રહેવા તેમજ જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
