ભારે વરસાદ વચ્ચે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા એક્શનમાં; કામરેજમાં મોડી રાત્રે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

Spread the love

અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ઝડપી બનાવવા, વીજ પુરવઠો અને માર્ગ વ્યવસ્થા વહેલી તકે પૂર્વવત્ કરવા અધિકારીઓને કડક સૂચના

કામરેજ

કામરેજ તાલુકામાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય મંત્રી તથા કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ ગુરુવારે મોડી રાત્રે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે વરસાદી પરિસ્થિતિ, રાહત અને બચાવ કામગીરી તેમજ નાગરિકોને આપવામાં આવી રહેલી સુવિધાઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

ગાંધીનગર ખાતે રાજ્ય કેબિનેટની બેઠક પૂર્ણ કર્યા બાદ મંત્રી સીધા કામરેજ પહોંચ્યા હતા. તેમણે જી.ઈ.બી., આર એન્ડ બી. વિભાગ, મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી (TDO), તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ફાયર બ્રિગેડ સહિતના વિભાગોના અધિકારીઓ પાસેથી વિસ્તૃત માહિતી મેળવી હતી. બેઠકમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાહત કામગીરીમાં કોઈ કચાશ નહીં રહે

મંત્રીએ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી વધુ ઝડપી બનાવવા, વીજ પુરવઠો અને માર્ગ વ્યવસ્થા શક્ય તેટલી વહેલી તકે પૂર્વવત્ કરવા તેમજ તમામ વિભાગો વચ્ચે સતત સંકલન જાળવી કાર્ય કરવાની સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ ફરિયાદ કે સમસ્યાના નિરાકરણમાં વિલંબ ન થવો જોઈએ અને દરેક કામગીરી સંવેદનશીલતા તથા ઝડપ સાથે કરવામાં આવે.

‘એકપણ પરિવાર મદદથી વંચિત નહીં રહે’

આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, “રાજ્ય સરકાર દરેક નાગરિકની સુરક્ષા અને સુખાકારી માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. વરસાદથી અસરગ્રસ્ત એકપણ પરિવાર મદદથી વંચિત ન રહે, તે અમારી પ્રથમ પ્રાથમિકતા છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “છેવાડાના ગામો અને જરૂરિયાતમંદ લોકો સુધી તંત્રની મદદ ઝડપથી પહોંચે તે માટે તમામ વિભાગોને સતત મેદાનમાં રહી કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ન થાય ત્યાં સુધી સતત દેખરેખ રાખવામાં આવશે.”

સ્થાનિક રજૂઆતોના આધારે તાત્કાલિક માર્ગદર્શન

બેઠક દરમિયાન સ્થાનિક જનપ્રતિનિધિઓ અને આગેવાનોએ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તાઓની સ્થિતિ, વીજ પુરવઠો અને અન્ય સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી. રજૂઆતોને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગોને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કામરેજ તાલુકામાં વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તમામ પ્રકારની રાહત તથા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *