મેજર લીગ ક્રિકેટમાં 20 વર્ષીય લુહાન-ડ્રે પ્રિટોરિયસનો ધમાકો, 144 રનના લક્ષ્યનો પીછો કરતાં ફટકારી શાનદાર સદી

Spread the love

52 બોલમાં અણનમ 102 રન; ટ્રેન્ટ બોલ્ટ સહિત MI ન્યૂયોર્કના બોલરોની કરી ધોલાઈ, સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સે 9 વિકેટે જીતી મેચ

ડલાસ:
મેજર લીગ ક્રિકેટ (MLC) 2026માં દક્ષિણ આફ્રિકાના 20 વર્ષીય યુવા ઓપનર લુહાન-ડ્રે પ્રિટોરિયસે તોફાની બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ તરફથી રમતા પ્રિટોરિયસે માત્ર 144 રનના લક્ષ્યનો પીછો કરતાં અણનમ શતક ફટકારી પોતાની ટીમને 9 વિકેટે શાનદાર જીત અપાવી હતી.

વિનિંગ શોટ સાથે પૂર્ણ કરી સદી

પ્રિટોરિયસે 52 બોલમાં અણનમ 102 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી, જેમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થયો હતો. જીત માટે ટીમને છેલ્લે એક રનની જરૂર હતી, જ્યારે પ્રિટોરિયસ પોતાના શતકથી બે રન દૂર હતા. તેમણે રૂશિલ ઉગારકરની બોલ પર ચોગ્ગો ફટકારી એક જ શોટમાં ટીમને જીત અપાવવાની સાથે પોતાનું પ્રથમ ટી20 શતક પણ પૂર્ણ કર્યું.

ટ્રેન્ટ બોલ્ટને કર્યો નિષ્ફળ

MI ન્યૂયોર્કના અનુભવી ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ માટે આ મેચ ખરાબ રહી હતી. બોલ્ટે માત્ર ત્રણ ઓવરમાં 41 રન ખર્ચ્યા અને પ્રિટોરિયસ સામે સંપૂર્ણપણે નિષ્પ્રભ સાબિત થયા.

યુનિકોર્ન્સે સરળતાથી હાંસલ કર્યો લક્ષ્યાંક

પ્રિટોરિયસ ઉપરાંત ફિન એલને 17 બોલમાં 20 રનનું યોગદાન આપ્યું, જ્યારે કેપ્ટન મેથ્યુ શોર્ટે 25 બોલમાં અણનમ 19 રન બનાવ્યા. સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સે માત્ર 16 ઓવરમાં જ એક વિકેટ ગુમાવી 144 રનનું લક્ષ્ય હાંસલ કરી લીધું.

MI ન્યૂયોર્કની બેટિંગ નિષ્ફળ રહી

નિકોલસ પૂરનની આગેવાની હેઠળની MI ન્યૂયોર્કની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 143 રન જ બનાવી શકી હતી. રિયાન રિકલ્ટને 35 રન બનાવ્યા, જ્યારે નિકોલસ પૂરને 19 અને કિરોન પોલાર્ડે 16 રનનું યોગદાન આપ્યું. નીચલા ક્રમે સની પટેલે 23 બોલમાં 32 રનની લડાયક ઇનિંગ્સ રમી હતી.

રાજસ્થાન રોયલ્સનો ખેલાડી બની રહ્યો છે ચર્ચાનો વિષય

દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં રમતા લુહાન-ડ્રે પ્રિટોરિયસ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રાજસ્થાન રોયલ્સનો પણ ભાગ છે. મેજર લીગ ક્રિકેટમાં આ શાનદાર સદી બાદ તેઓ વિશ્વ ક્રિકેટમાં આગામી મોટા સ્ટાર તરીકે ચર્ચામાં આવી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *