ગુજરાત સુપર લીગ-3માં પ્રથમ મેચની હાર બાદ સુરતની શાનદાર જીત; નંદકુમાર અને સિદ્ધાર્થ કોશીની બે-બે ગોલની મહત્વની ભૂમિકા
અમદાવાદ:
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3ની મેચો અમદાવાદના એકા અરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમાઈ રહી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં હારનો સામનો કર્યા બાદ સુરત સ્ટ્રાઈકર્સે જોરદાર વાપસી કરતાં ગાંધીનગર જાયન્ટ્સને 4-1થી પરાજય આપ્યો હતો. સુરતની જીતમાં નંદકુમાર અને સિદ્ધાર્થ કોશીએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.
પેનલ્ટીથી સુરતને પ્રથમ સફળતા
મેચની શરૂઆતથી જ બંને ટીમોએ ઝડપી રમત સાથે આક્રમક વલણ અપનાવ્યું હતું. મેચની 15મી મિનિટે ગાંધીનગર જાયન્ટ્સના ડિફેન્ડર દ્વારા પેનલ્ટી એરિયામાં ફાઉલ થતાં સુરત સ્ટ્રાઈકર્સને પેનલ્ટી કિક મળી હતી. સુરતના નંબર-9 ખેલાડી નંદકુમારે પેનલ્ટીનો શાનદાર ફાયદો ઉઠાવી ગોલ નોંધાવ્યો, જેના કારણે સુરતને 1-0ની લીડ મળી હતી. પ્રથમ હાફના અંત સુધી આ સ્કોર યથાવત રહ્યો હતો.
ગોલકીપરની ભૂલનો સુરતે ઉઠાવ્યો ફાયદો
બીજા હાફમાં સુરત સ્ટ્રાઈકર્સે વધુ આક્રમક રમત બતાવી હતી. મેચની 57મી મિનિટે ગાંધીનગરના ડિફેન્ડરે ગોલકીપરને બેકપાસ આપ્યો, પરંતુ ગોલકીપર બોલને યોગ્ય રીતે કંટ્રોલ કરી શક્યા નહોતા. સુરતના સિદ્ધાર્થ કોશીએ તકનો ફાયદો ઉઠાવી બોલ કબજે કર્યો અને ગોલ કરીને સ્કોર 2-0 કર્યો.
નંદકુમારનો શાનદાર ગોલ
સુરત સ્ટ્રાઈકર્સે ત્યારબાદ પણ હુમલો ચાલુ રાખ્યો હતો. નંદકુમારે ગોલ એરિયાની બહારથી સુંદર કિક મારીને શાનદાર ગોલ નોંધાવ્યો, જેના કારણે સુરતની લીડ વધુ મજબૂત બની હતી અને ટીમ 3-0થી આગળ નીકળી હતી.
ગાંધીનગરની મોડેથી વાપસી
મેચમાં ઘણા પ્રયત્નો બાદ ગાંધીનગર જાયન્ટ્સને સફળતા મળી હતી. 85મી મિનિટે પલાસ બાર્બરે ગોલ કરીને ગાંધીનગરનો સ્કોર 1-3 કર્યો હતો. આ ગોલ બાદ ગાંધીનગર તરફથી વાપસીના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સુરતની રક્ષણાત્મક લાઇન મજબૂત રહી હતી.
અંતિમ ક્ષણે સિદ્ધાર્થ કોશીનો બીજો ગોલ
મેચની અંતિમ ક્ષણોમાં સુરત સ્ટ્રાઈકર્સે વધુ એક ગોલ કરીને ગાંધીનગરની વાપસીની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. સિદ્ધાર્થ કોશીએ પોતાનો બીજો ગોલ નોંધાવી સુરતનો સ્કોર 4-1 કર્યો હતો. અંતે મેચનો આખરી સ્કોર પણ સુરત સ્ટ્રાઈકર્સના પક્ષમાં 4-1 રહ્યો હતો.
સુરતના ગોલકીપર નીરવ ઓઝા મેન ઓફ ધ મેચ
સુરત સ્ટ્રાઈકર્સની શાનદાર જીતમાં ગોલકીપર નીરવ ઓઝાના પ્રદર્શનની પણ મહત્વની ભૂમિકા રહી હતી. તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેમને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ગાંધીનગર જાયન્ટ્સ ટીમના ઓનરના હસ્તે નીરવ ઓઝાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
