ફિનલેન્ડમાં ITTF વર્લ્ડ પેરા ફ્યુચર લાહતી-2026માં ક્લાસ-7 સિંગલ્સમાં સિલ્વર અને સ્ટેન્ડિંગ ડબલ્સમાં બ્રોન્ઝ જીત્યો; ભારતની નંબર-1 ખેલાડીએ રેન્કિંગમાં 8 સ્થાનની છલાંગ લગાવી
અમદાવાદ
અમદાવાદની પેરા ટેબલ ટેનિસ ખેલાડી અને ભારતની નંબર-1 નૂરજહાં નૂરઅલી જમાનીએ ફિનલેન્ડમાં આયોજિત ITTF World Para Future Lahti 2026માં શાનદાર પ્રદર્શન કરી બે મેડલ પોતાના નામે કર્યા છે. પજુલાહતી ઓલિમ્પિક ટ્રેનિંગ સેન્ટર ખાતે યોજાયેલી સ્પર્ધામાં નૂરજહાંએ ક્લાસ-7 સિંગલ્સમાં સિલ્વર મેડલ જ્યારે ક્લાસ-7 સ્ટેન્ડિંગ ડબલ્સમાં સાથી ખેલાડી શિવમ પાલ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ બેવડી સફળતાના કારણે નૂરજહાં વર્લ્ડ રેન્કિંગમાં 27મા સ્થાનેથી સીધી 19મા ક્રમે પહોંચી છે.
સિંગલ્સમાં જોરદાર વાપસી
નૂરજહાંએ સિંગલ્સની શરૂઆત જર્મનીની બિરગિટ બાઉમગાર્ટનર સામે 0-3ની હાર સાથે કરી હતી. જોકે, આ પરાજય બાદ તેણે શાનદાર વાપસી કરતાં આઇસલેન્ડની અગ્નેસ લોવિસા જોહાન્સડોટિરને 3-0થી હરાવી હતી. ત્યારબાદ મકાઉની યુ ચોઇ હોંગ સામેની મેચમાં નૂરજહાંએ 3-2થી રોમાંચક જીત મેળવી હતી. ખાસ કરીને અંતિમ બે ગેમમાં તેણે 13-11, 13-11ના સ્કોરથી મુકાબલો પોતાના પક્ષમાં કર્યો હતો.
ડબલ્સમાં પણ પોડિયમ ફિનિશ
ક્લાસ-7 સ્ટેન્ડિંગ ડબલ્સમાં નૂરજહાં અને શિવમ પાલની ભારતીય જોડીએ ફિનલેન્ડના આરોન તોઇવો સામુલી માકેલા તથા આઇસલેન્ડની અગ્નેસ લોવિસા જોહાન્સડોટિરની જોડી સામે 3-0થી જીત મેળવી હતી. ત્યારબાદ ભારતીય જોડીને પોલેન્ડની બે અલગ-અલગ જોડીઓ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં, તેમના પ્રારંભિક વિજયના આધારે નૂરજહાં-શિવમની જોડીએ બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો.
વર્લ્ડ રેન્કિંગમાં 8 સ્થાનનો ઉછાળો
લાહતીમાં બે મેડલ જીતવાનો નૂરજહાંને વર્લ્ડ રેન્કિંગમાં પણ મોટો ફાયદો થયો છે. ટુર્નામેન્ટ પહેલાં 27મા ક્રમે રહેલી નૂરજહાં હવે વિશ્વ રેન્કિંગમાં 19મા સ્થાને પહોંચી છે. આ સાથે તે પોતાની કેટેગરીમાં ભારતની નંબર-1 ખેલાડી તરીકેની સ્થિતિ વધુ મજબૂત કરવામાં સફળ રહી છે.
‘ગર્વ છે’ પહેલ હેઠળ મળી રહ્યું છે સમર્થન
સફળતા બાદ નૂરજહાંએ જણાવ્યું કે લાહતીમાં સિલ્વર જીતવું તેની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણોમાંથી એક છે. ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મળતાં આ પ્રવાસ વધુ યાદગાર બન્યો હોવાનું તેણે કહ્યું. તેણે ટુર્નામેન્ટ અને તાલીમ દરમિયાન સતત સાથ આપવા બદલ અદાણી સ્પોર્ટ્સલાઇનનો આભાર માન્યો હતો. ‘Garv Hai’ પહેલ હેઠળ નૂરજહાંને ટુર્નામેન્ટ આયોજન, કોચિંગ, પરફોર્મન્સ મોનિટરિંગ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે જરૂરી સહાય મળી રહી છે.
પોલિયો બાદ રમતગમતમાં શાનદાર પુનરાગમન
નૂરજહાંને પાંચ વર્ષની ઉંમરે પોલિયોનું નિદાન થયું હતું. તેણે 2007થી 2010 દરમિયાન પ્રથમ વખત પેરા ટેબલ ટેનિસમાં ભાગ લીધો હતો, પરંતુ ત્યારબાદ એક દાયકાથી વધુ સમય સુધી રમતથી દૂર રહી હતી. વર્ષ 2022માં તેણે ફરી સ્પર્ધાત્મક ટેબલ ટેનિસમાં વાપસી કરી અને ત્યારથી ભારતની અગ્રણી પેરા ટેબલ ટેનિસ ખેલાડીઓમાં સ્થાન બનાવ્યું છે.
અમદાવાદમાં નોકરી સાથે રમતનું પણ ગૌરવ
અમદાવાદમાં રહેતી નૂરજહાં Adani Airport Holdings Limited (AAHL)માં જુનિયર ઓફિસર તરીકે કાર્યરત છે અને સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પોતાની ફરજ બજાવે છે. UTT પેરા સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ 2025-26માં ઈન્દોર ખાતે તેણે પોતાનું ટાઇટલ સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યું હતું. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે બે મેડલ અને વર્લ્ડ રેન્કિંગમાં 19મું સ્થાન મેળવી નૂરજહાંએ ગુજરાત તેમજ ભારતનું નામ વધુ ગૌરવવંતું બનાવ્યું છે.
