જિયોસ્ટાર સાથે બ્રોડકાસ્ટ કરારનું નવીનીકરણ; ભારતીય ચાહકો સુધી વધુ વ્યાપક રીતે પહોંચશે બેઝબોલ
નવી દિલ્હી:
અમેરિકાની પ્રતિષ્ઠિત મેજર લીગ બેઝબોલ (MLB)એ ભારતમાં પોતાના વિસ્તરણને વધુ વેગ આપતા ભારતીય ક્રિકેટ ટીમના ટી20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ (SKY) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ સાથે જ MLBએ ભારતની અગ્રણી મીડિયા અને મનોરંજન કંપની JioStar સાથેના બ્રોડકાસ્ટ કરારનું પણ નવીનીકરણ કર્યું છે, જેના કારણે ભારતીય દર્શકોને હવે વધુ પ્રમાણમાં MLBની મેચો અને વિશેષ સામગ્રી જોવા મળશે.
સૂર્યકુમાર યાદવ હવે MLBનો એમ્બેસેડર
આ ભાગીદારી હેઠળ સૂર્યકુમાર યાદવ MLBના સત્તાવાર એમ્બેસેડર તરીકે કામ કરશે. તેઓ ફેન એન્ગેજમેન્ટ અભિયાન, વિશેષ ડિજિટલ કન્ટેન્ટ અને વિવિધ પ્રમોશનલ કાર્યક્રમોમાં ભાગ લેશે. MLBનો ઉદ્દેશ ભારતીય ક્રિકેટપ્રેમીઓને બેઝબોલ સાથે જોડવાનો છે અને બંને રમતો વચ્ચે રહેલી સમાનતાઓને ઉજાગર કરવાનો છે.
MLB ઓલ-સ્ટાર વીકમાં રહેશે ખાસ હાજરી
ભાગીદારીના ભાગરૂપે સૂર્યકુમાર યાદવ 10થી 14 જુલાઈ દરમિયાન અમેરિકાના ફિલાડેલ્ફિયામાં યોજાનારા MLB All-Star Weekમાં પણ ભાગ લેશે. આ દરમિયાન તેઓ ભારતીય ચાહકો માટે ખાસ કન્ટેન્ટ તૈયાર કરશે તેમજ બેઝબોલની ઊર્જા, રોમાંચ અને સંસ્કૃતિને વધુ નજીકથી રજૂ કરશે.
સૂર્યકુમાર યાદવે વ્યક્ત કર્યો ઉત્સાહ
ભાગીદારી અંગે સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે, “રમતગમતની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દુનિયાભરના લોકોને એકસાથે જોડે છે. મેજર લીગ બેઝબોલ સાથે જોડાઈને હું ખૂબ ઉત્સાહિત છું. હું પણ આ રમતને વધુ સારી રીતે સમજવા માંગું છું અને ભારતીય ચાહકો સુધી તેની ઊર્જા અને રોમાંચ પહોંચાડવા માટે આતુર છું.”
MLBનો ભારતમાં વિસ્તરણનો મોટો પ્લાન
MLBના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ (ગ્લોબલ ઓપરેશન્સ એન્ડ ઇવેન્ટ્સ) જેરેમાયા યોલકુટે જણાવ્યું કે ભારત વિશ્વના સૌથી જીવંત રમતગમત બજારોમાંનું એક છે. સૂર્યકુમાર યાદવ જેવા લોકપ્રિય ખેલાડી અને જિયોસ્ટાર જેવા મજબૂત મીડિયા પાર્ટનરની મદદથી બેઝબોલને દેશના કરોડો રમતપ્રેમીઓ સુધી પહોંચાડવાનો મજબૂત પાયો તૈયાર થયો છે.
RISE Worldwide સાથેની ભાગીદારીને મળશે વેગ
આ જાહેરાત અગાઉ MLBએ RISE Worldwide, જે Reliance Industries Limitedની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની છે, તેની સાથે પણ વ્યૂહાત્મક ભાગીદારી કરી હતી. હવે RISE Worldwide અને JioStarના વિશાળ સ્પોર્ટ્સ અને મનોરંજન નેટવર્ક દ્વારા MLBને ભારતમાં નવા દર્શકો સુધી પહોંચવાની વધુ તકો મળશે.
ભારતીય ચાહકોને મળશે વધુ MLB એક્શન
નવી બ્રોડકાસ્ટ ડીલ હેઠળ JioStar ભારતમાં MLBનો સત્તાવાર પ્રસારણ ભાગીદાર તરીકે યથાવત રહેશે. ચાહકો MLB All-Star Game, પસંદગીની નિયમિત સીઝનની મેચો, પોસ્ટસીઝન અને World Series સહિતની મહત્વપૂર્ણ સ્પર્ધાઓનું પ્રસારણ ટીવી તેમજ ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ શકશે.
MLBનું માનવું છે કે મીડિયા પ્રસારણ, ફેન એન્ગેજમેન્ટ અને વર્ષભરના વિવિધ કાર્યક્રમો દ્વારા ભારતમાં બેઝબોલ પ્રત્યેનો રસ સતત વધશે અને રમતને નવા દર્શકો મળશે.
