નવી દિલ્હી
ભારતીય વાયુસેનાના વડા (CAS) એર ચીફ માર્શલ એપી સિંહે ઉત્તર ક્ષેત્રના અગ્રિમ વિસ્તારોની મુલાકાત લઈ ત્યાં તૈનાત યુનિટોની ઓપરેશનલ તૈયારીની સમીક્ષા કરી હતી. તેમણે વિશ્વના સૌથી કઠિન અને પડકારજનક પર્યાવરણમાં ફરજ બજાવી રહેલા જવાનો સાથે સંવાદ પણ કર્યો હતો.
એર ચીફ માર્શલ એપી સિંહે જવાનોના વ્યાવસાયિક વલણ, સમર્પણ અને અડગ મનોબળની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશની સરહદોની સુરક્ષા માટે તૈનાત સશસ્ત્ર દળોના જવાનોની તૈયારી અને પ્રતિબદ્ધતા પર સંપૂર્ણ વિશ્વાસ છે.
ઉત્તર ક્ષેત્રના આ અતિ દુર્ગમ વિસ્તારોમાં કઠોર હવામાન, ઊંચાઈ અને મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે ફરજ બજાવતા વાયુસેના કર્મચારીઓના ધૈર્ય અને સાહસને એર ચીફ માર્શલ એપી સિંહે બિરદાવ્યું હતું.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રની સુરક્ષા માટે તૈનાત તમામ યુનિટો કોઈપણ પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ અને સક્ષમ છે. વાયુસેના વડાની આ મુલાકાતે અગ્રિમ મોરચા પર કાર્યરત જવાનોનું મનોબળ વધુ મજબૂત બનાવ્યું હતું.
