‘નમો સ્વચ્છતા અભિયાન’ને ઐતિહાસિક સફળતા, સાત દિવસમાં 5.72 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ

Spread the love

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યની 12 હજારથી વધુ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અભિયાન સફળ; 41 હજારથી વધુ સાધનોનું સમારકામ પૂર્ણ

ગાંધીનગર:

સમગ્ર ગુજરાતમાં અમલમાં મૂકાયેલા ‘નમો સ્વચ્છતા અભિયાન’ને રાજ્યવ્યાપી સફળતા મળી છે. સાતમા દિવસ સુધી રાજ્યની 12 હજારથી વધુ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં હાથ ધરાયેલા આ મહાઅભિયાન અંતર્ગત સ્વચ્છતા, સુવ્યવસ્થિત કામગીરી અને આરોગ્ય સેવાઓને વધુ દર્દીકેન્દ્રિત બનાવવા માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.

5.72 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના સંકલ્પ સાથે સરકાર મિશન મોડમાં આ અભિયાનને આગળ ધપાવી રહી છે.

સાત દિવસ દરમિયાન રાજ્યભરની સરકારી આરોગ્ય સંસ્થાઓમાં કુલ 5,72,563 બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે. તેમાંની 5,14,456 વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે, જેના પરિણામે 1,806 ઓરડાઓ ફરી ઉપયોગ માટે ઉપલબ્ધ બન્યા છે.

41 હજારથી વધુ સાધનો અને ઉપકરણોનું સમારકામ

અભિયાન દરમિયાન માત્ર સફાઈ જ નહીં પરંતુ હોસ્પિટલોમાં ઉપલબ્ધ સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. છેલ્લા સાત દિવસમાં 41,681થી વધુ ફર્નિચર, વાહનો, ઇલેક્ટ્રોનિક્સ સાધનો અને તબીબી ઉપકરણોનું સફળતાપૂર્વક સમારકામ કરવામાં આવ્યું છે, જેથી આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે ઉપલબ્ધ બની શકે.

હોસ્પિટલોમાં સર્વાંગી સુધારણા પર ભાર

‘નમો સ્વચ્છતા અભિયાન’ હેઠળ હોસ્પિટલ પરિસરમાંથી સ્ક્રેપ, ભંગાર અને બિનઉપયોગી સામગ્રીનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવ્યો છે. ઉપરાંત હોસ્પિટલ બિલ્ડિંગ અને કેમ્પસની સઘન સફાઈ, શુદ્ધ પીવાના પાણીની સુવિધા, પાણીની પાઇપલાઇનનું સમારકામ, ફાયર અને ઇલેક્ટ્રિકલ સેફ્ટીની ચકાસણી, ફર્નિચરની મરામત, માઇનર સિવિલ વર્ક્સ તેમજ ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ જેવી અગત્યની કામગીરીને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે.

દર્દીકેન્દ્રિત આરોગ્ય સેવાઓ તરફ મહત્વપૂર્ણ પગલું

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આ અભિયાનથી રાજ્યની સરકારી આરોગ્ય સંસ્થાઓ વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને દર્દીકેન્દ્રિત બની રહી છે. તેમણે ઉમેર્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ અભિયાન તેમને એક શ્રેષ્ઠ ભેટ સમાન છે.

રાજ્યવ્યાપી અભિયાનના સકારાત્મક પરિણામો

ઉલ્લેખનીય છે કે, રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્થિત GMERS ઓડિટોરિયમથી 1 જુલાઈ, 2026ના રોજ આ રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 1થી 7 જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકાયેલા આ મહાઅભિયાનના સકારાત્મક પરિણામો હવે સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે અને સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા તથા વ્યવસ્થાપનની નવી સંસ્કૃતિ વિકસતી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *