યુએસ ઓપન 2026 : રૌનક ચૌહાણે વિશ્વ નંબર-6 ચૌ તિએન ચેનને હરાવી સર્જ્યો મોટો અપસેટ

Spread the love

કિદાંબી શ્રીકાંત, તન્વી શર્મા, દેવિકા સિહાગ અને રક્ષિતા શ્રી પણ ક્વાર્ટર ફાઇનલમાં; ભારતનો શાનદાર દેખાવ

ફુલર્ટન (અમેરિકા)

યુએસ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતના યુવા શટલર રૌનક ચૌહાણે વિશ્વ ક્રમાંક-6 અને ટોચના સીડેડ ચાઇનીઝ તાઇપેના ચૌ તિએન ચેનને સીધી ગેમમાં હરાવી ટૂર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ સર્જ્યો છે. વિશ્વ ક્રમાંક-80 રૌનકે 21-17, 26-24થી જીત મેળવી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે તેનો સામનો ઇઝરાયલના મિશા ઝિલ્બરમેન સામે થશે.

18 વર્ષના રૌનકનો દમદાર દેખાવ

ભારતીય જુનિયર ટીમ સાથે વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનારા 18 વર્ષીય રૌનકે શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી. પ્રથમ ગેમમાં ચૌ તિએન ચેન 17-15થી આગળ હતા, પરંતુ ત્યારબાદ રૌનકે સતત છ પોઈન્ટ જીતી 21-17થી ગેમ પોતાના નામે કરી હતી.

બીજી ગેમમાં ચૌ તિએન ચેન 17-11થી મજબૂત લીડમાં હતા, છતાં રૌનકે ફરી સતત છ પોઈન્ટ મેળવી સ્કોર 17-17થી બરાબર કર્યો હતો. ત્યારબાદ બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. રૌનકે ચાર ગેમ પોઈન્ટ બચાવ્યા બાદ બીજા મેચ પોઈન્ટ પર જીત મેળવી માત્ર 49 મિનિટમાં ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો.

ભારતીય મહિલા ખેલાડીઓ પણ ચમકી

મહિલા સિંગલ્સમાં વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપની રજત ચંદ્રક વિજેતા તન્વી શર્માએ ચાઇનીઝ તાઇપેની તુંગ સિયોઉ-તોંગને 21-12, 21-19થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રક્ષિતા શ્રીએ ચેન સુ યુને 21-4, 21-19થી પરાજય આપ્યો હતો, જ્યારે છઠ્ઠી સીડ દેવિકા સિહાગે થાઇલેન્ડની ટોનરુગ સાહેંગ સામે 21-17, 21-19થી જીત મેળવી અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું હતું.

શ્રીકાંતનો પણ સરળ વિજય

અનુભવી ભારતીય ખેલાડી કિદાંબી શ્રીકાંતે પણ શાનદાર રમત દાખવતા મલેશિયાના લી ઝી જિયાને 21-14, 21-13થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ખેલાડીઓના સતત સારા દેખાવને કારણે યુએસ ઓપન 2026માં ભારતની મેડલની આશા વધુ મજબૂત બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *