ઓઓમસી પાવરના ચેરમેન સુશિલ કુમાર જીવરાજકાએ વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા સફળ ઉદ્યોગસાહસિકતાના અનુભવો, ‘ડિકોડેડ વિથ ચાંદની કાપડિયા’ પોડકાસ્ટ દ્વારા થયો પ્રેરણાદાયી સંવાદ
અમદાવાદ
વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ અને નવીન વિચારસરણી વિકસે તે હેતુથી જીએલએસ યુનિવર્સિટી દ્વારા ‘ધ એન્ટરપ્રેન્યોરિયલ બ્લૂપ્રિન્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઓએમસી પાવરના ચેરમેન અને અગ્રણી ઉદ્યોગપતિ સુશિલ કુમાર જીવરાજકા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જીવરાજકાએ પોતાના ઉદ્યોગસાહસિક જીવનના અનુભવો શેર કરીને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે નવી દિશા દર્શાવી હતી.
ઉદ્યોગસાહસિકતાના સફળતાના મંત્ર આપ્યા
સુશિલ કુમાર જીવરાજકાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સફળ ઉદ્યોગસાહસિક બનવા માટે દૃઢ સંકલ્પ, સતત શીખવાની ભાવના, નવીન વિચારશક્તિ અને પડકારોને તકમાં પરિવર્તિત કરવાની ક્ષમતા અત્યંત જરૂરી છે. તેમણે વ્યવસાય શરૂ કરતી વખતે આવતાં પડકારો, યોગ્ય સમયે વ્યૂહાત્મક નિર્ણયો લેવાની જરૂરિયાત અને ઝડપથી બદલાતા વૈશ્વિક અર્થતંત્ર સાથે સુસંગત રહેવાના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પરંપરાગત કારકિર્દીથી આગળ વધીને સમાજની સમસ્યાઓના ઉકેલ શોધવા અને મૂલ્ય સર્જન આધારિત અભિગમ અપનાવવાની અપીલ કરી હતી.
પોડકાસ્ટ દ્વારા જીવંત સંવાદ
કાર્યક્રમનું વિશેષ આકર્ષણ ‘ડિકોડેડ વિથ ચાંદની કાપડિયા’ પોડકાસ્ટ શ્રેણી રહ્યું હતું. જીએલએસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયાએ આ સંવાદનું સંચાલન કર્યું હતું. આ દરમિયાન સુશિલ કુમાર જીવરાજકાએ પોતાના નેતૃત્વના અનુભવો, વ્યવસાયિક જીવનમાં લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયો અને સફળતા પાછળના સિદ્ધાંતો અંગે ખુલ્લા દિલે ચર્ચા કરી હતી. પોડકાસ્ટના સંવાદાત્મક ફોર્મેટે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવાની અને અનુભવોમાંથી સીધું શીખવાની અનોખી તક આપી હતી.
વિદ્યાર્થીઓને મળ્યું વ્યવહારુ માર્ગદર્શન
કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે માત્ર પ્રેરણાદાયી જ નહીં પરંતુ વ્યવહારુ જ્ઞાનનો પણ મહત્વપૂર્ણ સ્ત્રોત સાબિત થયો હતો. ઉદ્યોગજગતના અનુભવી નેતા સાથેના સીધા સંવાદથી વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ, નેતૃત્વ અને વ્યવસાયિક વિકાસ અંગે નવી સમજ મળી હતી. જીએલએસ યુનિવર્સિટી દ્વારા શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેનો સેતુ મજબૂત બનાવવા માટે આવા કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને વર્ગખંડની બહારનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થાય અને તેઓ ભવિષ્યના સફળ ઉદ્યોગસાહસિક તરીકે પોતાની કારકિર્દી ઘડી શકે.
