ઓસ્ટ્રેલિયાને સીધી સેટમાં હરાવી સતત પાંચમી જીત; પૂલ-એમાં ભારત ટોચ પર
અમદાવાદ
અમદાવાદમાં ચાલી રહેલા એવીસી મેન્સ કપ-2026માં યજમાન ભારતે વધુ એક શાનદાર જીત નોંધાવી છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 3-0થી હરાવી ટૂર્નામેન્ટમાં સતત પાંચમી જીત મેળવી છે. આ જીત સાથે ભારત 12 પોઈન્ટ મેળવી પૂલ-એમાં અપરાજિત રહીને ટોચના સ્થાને યથાવત છે.
પ્રથમ સેટમાં જબરદસ્ત ટક્કર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. પ્રથમ સેટ દરમિયાન બંને ટીમોએ એકબીજાને જોરદાર પડકાર આપ્યો હતો. જોકે નિર્ણાયક સમયે ભારતીય ખેલાડીઓએ દબાણ હેઠળ પણ સંયમ જાળવી રાખતાં 26-24ના સ્કોર સાથે સેટ પોતાના નામે કર્યો હતો. આ જીતે ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો હતો.
બીજા સેટમાં ભારતનો દબદબો
પ્રથમ સેટની જીત બાદ ભારતે બીજા સેટમાં સંપૂર્ણ નિયંત્રણ જમાવ્યું હતું. મજબૂત સર્વિસ, અસરકારક બ્લોકિંગ અને ઝડપી હુમલાઓના કારણે ઓસ્ટ્રેલિયન ટીમ દબાણમાં આવી ગઈ હતી. ભારતે 25-15ના સ્કોર સાથે સેટ જીતી મેચમાં 2-0ની સરસાઈ મેળવી હતી.
ત્રીજા સેટમાં રોમાંચક અંત
મેચનો ત્રીજો સેટ અત્યંત રોમાંચક રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ વાપસીનો પ્રયાસ કર્યો હતો અને બંને ટીમો વચ્ચે લાંબી રેલી તથા નજીકનો સ્કોર જોવા મળ્યો હતો. જોકે અંતિમ ક્ષણોમાં ભારતીય ખેલાડીઓએ વધુ સારું પ્રદર્શન કરતાં 30-28થી સેટ જીતી મેચ 3-0થી પોતાના નામે કરી હતી.
બહેરીનની મહત્વપૂર્ણ જીત
દિવસની અન્ય મેચમાં બહેરીને કઝાકિસ્તાનને 3-1થી હરાવી મહત્વપૂર્ણ વિજય મેળવ્યો હતો. પ્રથમ સેટ ગુમાવ્યા બાદ બહેરીને સતત ત્રણ સેટ જીતી મેચમાં વાપસી કરી હતી. આ જીત સાથે બહેરીન 9 પોઈન્ટ સાથે પૂલ-એમાં બીજા સ્થાને પહોંચ્યું છે.
ચિરાગ ટોચના સ્કોરરોમાં સામેલ
ટૂર્નામેન્ટના વ્યક્તિગત આંકડાઓમાં ચાઈનીઝ તાઇપેના વેન વાય.કે. 97 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. થાઈલેન્ડના નાપાડેટ 92 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે, જ્યારે ભારતના ચિરાગ 74 પોઈન્ટ સાથે સંયુક્ત ચોથા સ્થાને રહી ભારતીય ટીમના સફળ અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
ભારતીય ટીમનું વર્તમાન પ્રદર્શન જોતા અમદાવાદમાં યોજાઈ રહેલી આ સ્પર્ધામાં ભારત ખિતાબના મજબૂત દાવેદારોમાં સામેલ બન્યું છે.
