દર મહિને બે શનિવારે ગુજરાતના 14 પરંપરાગત આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ; દેશ-વિદેશના પ્રવાસીઓને મળશે સમૃદ્ધ લોકસંસ્કૃતિનો પરિચય
એકતા નગર
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાતની સમૃદ્ધ આદિવાસી સાંસ્કૃતિક પરંપરાના સંવર્ધન અને પ્રચાર-પ્રસાર માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી વચ્ચે મહત્વપૂર્ણ સમજુતી કરાર (એમઓયુ) કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ દર મહિને બે શનિવારે ગુજરાતના વિવિધ જિલ્લાઓના પરંપરાગત આદિવાસી નૃત્યોનું આયોજન કરવામાં આવશે, જેથી દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને રાજ્યની વૈવિધ્યસભર સાંસ્કૃતિક ધરોહરનો પરિચય મળી શકે.
પ્રવાસીઓને મળશે આદિવાસી સંસ્કૃતિનો જીવંત અનુભવ
ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મે, 2024થી શરૂ થયેલી આ પહેલને પ્રવાસીઓ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં 48 જેટલા આદિવાસી નૃત્યોની સફળ રજૂઆત કરવામાં આવી છે. આ સફળતાને ધ્યાનમાં રાખીને આગામી વર્ષોમાં પણ કાર્યક્રમને સતત ચાલુ રાખવા માટે બંને સંસ્થાઓએ સમજુતી કરાર કર્યો છે. કરાર પર સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા અને ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. સી.સી. ચૌધરીએ હસ્તાક્ષર કર્યા હતા.
14 લોકનૃત્યો થશે રજૂ
સમજૂતી અંતર્ગત છોટાઉદેપુરના રાઠવા, ગેર અને મેવાસી નૃત્ય, ડાંગના કહાડિયા અને પાવરી, નર્મદાના લોક અને હોલી નૃત્ય, તાપીના ગામીત ઢોલ અને ચૌધરી લોકનૃત્ય, મહીસાગરના તલવાર અને ટીમલી નૃત્ય તેમજ વલસાડના મંડળ, તૂર અને કાહલી ડાન્સ સહિત કુલ 14 પરંપરાગત આદિવાસી નૃત્યોનું નિયમિત આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો દ્વારા ગુજરાતની લોકસંસ્કૃતિને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
સ્થાનિક કલાકારોને મળશે મંચ
અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ જણાવ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ ગુજરાતની આદિવાસી સાંસ્કૃતિક પરંપરાનું સંરક્ષણ અને વિશ્વભરના પ્રવાસીઓને તેની ઓળખ કરાવવાનો છે. ડૉ. સી.સી. ચૌધરીએ જણાવ્યું કે દર પખવાડિયે શનિવારે તેમજ વિશેષ પ્રસંગોએ વિવિધ જિલ્લાના આદિવાસી કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેના કારણે સ્થાનિક કલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળશે. આ પહેલ એકતા નગરને સાંસ્કૃતિક પ્રવાસનના વધુ સશક્ત કેન્દ્ર તરીકે વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
