મોરબીમાં રમાઈ રહેલી ટુર્નામેન્ટમાં લીગ રાઉન્ડ પૂર્ણ; જામનગરે અમદાવાદને 5-0થી હરાવી સર્જ્યો મોટો અપસેટ
મોરબી:
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ, મોરબી ખાતે આયોજિત સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં લીગ તબક્કાની તમામ મેચો પૂર્ણ થઈ ગઈ છે. પોઈન્ટ્સ ટેબલના આધારે રાજકોટ, વડોદરા, સુરત અને જામનગર જિલ્લા ટીમોએ સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
11 જિલ્લાની ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા
ટુર્નામેન્ટમાં ગુજરાતના કુલ 11 જિલ્લાઓની ટીમોએ ભાગ લીધો હતો. તમામ ટીમોને ચાર ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી હતી. લીગ તબક્કા દરમિયાન દરેક ટીમે ઉત્સાહભેર રમત દર્શાવી હતી અને અનેક રોમાંચક મુકાબલાઓ જોવા મળ્યા હતા.
લીગના અંતિમ દિવસે ત્રણ નિર્ણાયક મુકાબલા
લીગ રાઉન્ડના છેલ્લા દિવસે રમાયેલી પ્રથમ મેચમાં રાજકોટ જિલ્લા ટીમે યજમાન મોરબી જિલ્લા ટીમને હરાવી સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
બીજી મેચમાં સુરત જિલ્લા ટીમે કચ્છ જિલ્લા ટીમને હરાવી જીત સાથે અંતિમ ચારમાં પ્રવેશ કર્યો હતો.
જ્યારે દિવસની ત્રીજી અને અંતિમ મેચમાં જામનગર જિલ્લા ટીમે મજબૂત માનાતી અમદાવાદ જિલ્લા ટીમ સામે શાનદાર રમત રજૂ કરીને 5-0થી એકતરફી વિજય મેળવી ટુર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો.
જામનગરનો પાંચ ગોલથી શાનદાર વિજય
અમદાવાદ સામેની મેચમાં જામનગરની ખેલાડીઓએ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. સંજના મેનીયા અને જાંબુચા ડાયાએ બે-બે ગોલ ફટકારી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જ્યારે ઊર્મિલાબેન ધોરિયાએ એક ગોલ નોંધાવી જીતને વધુ મજબૂત બનાવી હતી. જામનગરની ટીમે સમગ્ર મેચ દરમિયાન અમદાવાદને કોઈ તક ન આપતા 5-0થી યાદગાર જીત મેળવી હતી.
આવતીકાલે રમાશે સેમી ફાઇનલ
ટુર્નામેન્ટની પ્રથમ સેમી ફાઇનલમાં રાજકોટ જિલ્લા અને સુરત જિલ્લાની ટીમો આમને-સામને ટકરાશે. જ્યારે બીજી સેમી ફાઇનલમાં જામનગર જિલ્લાનો મુકાબલો વડોદરા જિલ્લા સામે થશે. બંને મેચોમાં વિજેતા બનનારી ટીમો ફાઇનલમાં પ્રવેશ કરશે.
10 જુલાઈએ રમાશે ખિતાબી જંગ
ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 10 જુલાઈ, 2026ના રોજ રમાશે. રાજ્યભરના યુવા મહિલા ફૂટબોલરો માટે આ ટુર્નામેન્ટ પ્રતિભા દર્શાવવાનું મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ રહી છે. લીગ તબક્કો પૂર્ણ થતાં હવે સેમી ફાઇનલ અને ફાઇનલમાં વધુ રોમાંચક અને કાંટાની ટક્કરના મુકાબલાઓ જોવા મળશે તેવી રમતપ્રેમીઓમાં આતુરતા છે.
