36 વર્ષ બાદ વિમ્બલડનમાં ભારતીય ચમક્યો: કોણ છે અર્ણવ પાપરકર? બોયઝ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો ભારતનો નવો સ્ટાર

Spread the love


18 વર્ષીય પુણેનો ખેલાડી વિમ્બલડન બોયઝ સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો; 1990 બાદ આ સિદ્ધિ મેળવનારો પ્રથમ ભારત

લંડન:
ભારતીય ટેનિસ માટે ગૌરવની ક્ષણ સર્જતા 18 વર્ષીય અર્ણવ પાપરકરે વિમ્બલડન 2026ના બોયઝ સિંગલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને 36 વર્ષનો લાંબો ઇંતજાર સમાપ્ત કર્યો છે. ત્રીજા રાઉન્ડમાં તેણે જાપાનના ર્યો તબાતાને 6-2, 6-2થી હરાવીને અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું. બીજા રાઉન્ડમાં તેણે ત્રીજા ક્રમાંકિત અમેરિકન ખેલાડી કીટન હેન્સને પરાજય આપીને પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો.

36 વર્ષ પછી ભારતીય ખેલાડીનો ઐતિહાસિક દેખાવ

વિમ્બલડન બોયઝ સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર અર્ણવ પાપરકર 1990 પછીનો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. છેલ્લે ભારતીય દિગ્ગજ લિએન્ડર પેસે 1990માં માત્ર 17 વર્ષની વયે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા બાદ સમગ્ર ટૂર્નામેન્ટનો ખિતાબ પણ જીત્યો હતો. હવે અર્ણવ સામે ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાના ક્વોલિફાયર જોર્ડન લીનો પડકાર રહેશે.

કોણ છે અર્ણવ પાપરકર?

અર્ણવ પાપરકર મહારાષ્ટ્રના પુણે શહેરનો રહેવાસી છે અને હાલ ITF જુનિયર રેન્કિંગમાં વિશ્વ ક્રમાંક 19 પર છે. છ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા અર્ણવ હેમંત બેન્દ્રે ટેનિસ એકેડમીમાં કોચ પ્રોસોનજિત પૉલના માર્ગદર્શન હેઠળ તાલીમ લે છે. ઉપરાંત તે સ્પેનની સોટો એકેડમીમાં કોચ નિજેલ બીવર્સ પાસેથી પણ ઉચ્ચ સ્તરની તાલીમ મેળવી રહ્યો છે.

નાની વયથી જ દેખાડી પ્રતિભા

અર્ણવને પ્રથમ મોટી સફળતા 2023માં મળી હતી, જ્યારે તેણે મેલબોર્નમાં યોજાયેલી ઓસ્ટ્રેલિયન ઓપન અંડર-14 એશિયા-પેસિફિક એલિટ ટ્રોફી જીતી હતી. તે જ વર્ષે વાઇલ્ડકાર્ડ ક્વોલિફાયર તરીકે પ્રવેશ મેળવી તેણે નેશનલ અંડર-16 ચેમ્પિયનશિપનો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય સ્તરે સતત પ્રગતિ

2024માં પોતાના 16મા જન્મદિવસે અર્ણવે ATP ચેલેન્જર ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 2025માં બહેરિનમાં યોજાયેલી ITF J60 મનામા અને મલેશિયાના કુઆલાલમ્પુરમાં યોજાયેલી ITF J200 ટૂર્નામેન્ટ જીતીને તેણે પોતાના પ્રથમ મોટા આંતરરાષ્ટ્રીય જુનિયર ખિતાબ મેળવ્યા હતા.

ભારતીય ટેનિસનું ઉજ્જવળ ભવિષ્ય

2026ની શરૂઆતમાં અર્ણવ AITA બોયઝ અંડર-18માં ભારતનો નંબર-1 ખેલાડી બન્યો હતો અને સતત 21 અઠવાડિયા સુધી ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. આ વર્ષે ફ્રેન્ચ ઓપન જુનિયર ચેમ્પિયનશિપમાં પણ તેણે ત્રીજા રાઉન્ડ સુધીની સફર કરી હતી. હવે વિમ્બલડનમાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચીને અર્ણવ પાપરકરે ભારતીય ટેનિસમાં નવા યુગની આશા જગાવી છે. તેની આ સિદ્ધિ ભવિષ્યમાં ગ્રાન્ડ સ્લેમ સ્તરે ભારત માટે વધુ સફળતાઓની સંભાવના મજબૂત બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *