અનુભવી એવરેસ્ટર નિશાના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વિશિષ્ટ અભિયાનમાં માત્ર નિક્ષાએ ભાગ લીધો હતો, માઈનસ ડિગ્રી ઠંડી અને પથરીલા રસ્તા પાર કરી ૧૭,૫૯૮ ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રગાન ગાયું
પાલનપુર
ગુજરાતના પાલનપુરની માત્ર ૮ વર્ષની દીકરી નિક્ષા બારોટે વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક અસાધારણ અને પ્રેરણાદાયક સાહસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. અનુભવી એવરેસ્ટર નિશાના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વિશિષ્ટ અભિયાનમાં માત્ર નિક્ષાએ ભાગ લીધો હતો. ૧૬ મેથી શરૂ થયેલી આ કપરી યાત્રા દરમિયાન નિક્ષાએ હિમાલયના કઠિન માર્ગો, અતિશય ઊંચાઈ, હાડ થીજવતી ઠંડી અને બદલાતા હવામાનના પડકારો વચ્ચે પણ હિંમત હાર્યા વગર આ ટ્રેક પૂર્ણ કર્યો હતો. ૧૬ મે ૨૦૨૬ના રોજ કાઠમંડુથી લુકલા પહોંચ્યા બાદ આ રોમાંચક ટ્રેકિંગની શરૂઆત થઈ હતી.
વાતાવરણને અનુકૂળ થવા એક દિવસનો વિરામ લીધો
ટ્રેકના પ્રથમ દિવસે પાખડિંગ અને ત્યારબાદ નામચે બજાર સુધીની યાત્રા કરવામાં આવી હતી, જ્યાં શરીરને ઊંચાઈવાળા વાતાવરણને અનુકૂળ (એક્લિમેટાઇઝેશન) બનાવવા માટે એક દિવસનો વિરામ રાખવામાં આવ્યો હતો. ત્યાંથી આગળ વધીને નિક્ષા ટેંગબોચે, ડિંગબોચે, લોબુચે અને ગોરક્ષેપ જેવા અત્યંત દુર્ગમ વિસ્તારો પાર કરીને આખરે ૨૨ મેના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચવામાં સફળ રહી હતી. લુકલા ખાતે આશરે ૨,૮૬૦ મીટરથી શરૂ થયેલી આ યાત્રા બેઝ કેમ્પના આશરે ૫,૩૬૪ મીટર (૧૭,૫૯૮ ફૂટ)ની ઊંચાઈએ પૂર્ણ થઈ હતી.
સમગ્ર અભિયાન અંદાજે 130 કિમીથી વધુનું
નિક્ષાના પિતા નીલેશ બારોટે જણાવ્યું હતું કે, સમગ્ર અભિયાન અંદાજે ૧૩૦ કિલોમીટરથી વધુનું રહ્યું હતું, જેને નિક્ષાએ માત્ર એક સપ્તાહમાં પૂર્ણ કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ ટ્રેક દરમિયાન તેને માઈનસ ડિગ્રી ઠંડી, ઓક્સિજનની ઓછી માત્રા, પથ્થરીલા અને જોખમી રસ્તાઓ લાંબા સમય સુધી ટ્રેકિંગ કરવા જેવા અનેક કઠિન પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ અભિયાનની સૌથી મોટી વિશેષતા એ રહી કે, નિક્ષાએ બેઝ કેમ્પ પર પહોંચીને યોગ કર્યા હતા અને ગર્વભેર રાષ્ટ્રગાન ગાઈને ત્યાં ઉપસ્થિત લોકોમાં દેશભક્તિનો અનોખો માહોલ સર્જી દીધો હતો.


ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની જાળવણી માટે સંદેશો
નિક્ષાએ ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની જાળવણી માટે સંદેશાઓ પણ આપ્યા હતા. તેણે બેઝ કેમ્પ પરથી Save Nature, Save Himalayas, Every Child Should Plant a Tree (દરેક બાળકે એક વૃક્ષ વાવવું જોઈએ) અને Fit India, Green India (ફિટ ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા) જેવા સાર્થક પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને વૈશ્વિક સ્તરે પર્યાવરણ જાગૃતિનો પ્રસાર કર્યો હતો. નાની ઉંમરે પર્યાવરણ પ્રત્યેની તેની આ સંવેદનશીલતાએ સૌના દિલ જીતી લીધા હતા.
છ વર્ષની વયે કેદારકાંઠા ટ્રેક પૂર્ણ કર્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, નિક્ષા બારોટ નાની ઉંમરથી જ સાહસિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. આ પહેલાં માત્ર ૬ વર્ષની ઉંમરે તેણે ઉત્તરાખંડનો કઠિન ‘કેદારકાંઠા ટ્રેક’ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેણે અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધીની અંદાજે ૪,૫૫૬ કિલોમીટર લાંબી “Pedal to Plant” સાયકલ યાત્રામાં ભાગ લઈ વૃક્ષારોપણનો સંદેશ આપ્યો હતો. આ પ્રશંસનીય પર્યાવરણીય કામગીરી બદલ ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ તેને જિલ્લા સ્તરે સન્માનિત પણ કરવામાં આવી હતી, અને હવે એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક તેની સાહસિક સફરનું વધુ એક ગૌરવશાળી છોગું બન્યું છે.
