વર્તમાન પર ફોકસ, પોતાની તાકાત મુજબ રમવું જ સફળતાની ચાવીઃ રજત પાટીદાર

Spread the love

આઈપીએલની ગુજરાત ટાઈટન્સ સામેની ફાઈનલ પહેલા રોયલ ચેલેન્જર્સના સુકાની રજત પાટીદારે વિવિધ મુદ્દા પર વાત કરી

અમદાવાદ

આઈપીએલ ફાઇનલ પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના કેપ્ટન રજત પાટીદારે જણાવ્યું કે ટીમ પર કોઈ વધારાનું દબાણ નથી અને ખેલાડીઓ સંપૂર્ણપણે વર્તમાન પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. તેણે કહ્યું કે ટીમનું એકમાત્ર લક્ષ્ય પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનું છે.

પાટીદારે કહ્યું, “મેં ક્યારેય વિચાર્યું નથી કે ભારતીય ટી-20 ટીમનો કેપ્ટન બનું કે આઈપીએલમાં નેતૃત્વ કરવું મારા માટે શું બદલાવ લાવશે. હું હંમેશા વર્તમાનમાં જીવવા અને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રીત કરવામાં માનું છું. અમારી કોશિશ રહેશે કે અમે અમારું શ્રેષ્ઠ આપીએ.”

બંને ટીમો મજબૂત, ઉચ્ચ કક્ષાની સ્પર્ધા

ફાઇનલ મુકાબલા અંગે તેણે કહ્યું કે બંને ટીમો ખૂબ જ મજબૂત છે અને આ સ્તરે દરેક મેચ ઉચ્ચ કક્ષાની સ્પર્ધા હોય છે. ટીમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પોતાની યોજનાઓને સ્પષ્ટતા સાથે અમલમાં મૂકી છે, જે સફળતાનું મુખ્ય કારણ છે.

ટાઇટલ જીતવા મજબૂત બોલિંગ જરૂરી

પાટીદારે કહ્યું કે કોઈ પણ મોટી સ્પર્ધા જીતવા માટે માત્ર એક-બે બોલરો પર નિર્ભર રહી શકાતું નથી.

તેણે જણાવ્યું, “જો સ્પર્ધા જીતવી હોય તો તમારી પાસે મજબૂત બોલિંગ યુનિટ હોવું જોઈએ. માત્ર એક કે બે બોલરો મેચ જીતાડી શકતા નથી. આ સંપૂર્ણ ટીમના પ્રયાસનું પરિણામ હોય છે. બંને ટીમોએ સમગ્ર ટૂર્નામેન્ટમાં સારી બોલિંગ કરી છે.”

તેણે ખાસ કરીને ભૂવનેશ્વર કુમારના પ્રદર્શનની પ્રશંસા કરતાં કહ્યું કે તેણે સમગ્ર સીઝનમાં શાનદાર બોલિંગ કરી છે.

પોતાની તાકાત ઓળખવી સૌથી મહત્વપૂર્ણ

આરસીબીના કેપ્ટને કહ્યું કે દરેક ખેલાડીનો વિચારવાનો અને રમવાનો અંદાજ અલગ હોય છે. તેથી ખેલાડીઓએ પોતાની તાકાત ઓળખીને તે મુજબ રમવું જોઈએ.

“દરેક વ્યક્તિની માનસિકતા અલગ હોય છે. પોતાની તાકાત શું છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે તમે તમારી તાકાત મુજબ રમો છો ત્યારે સફળતાની શક્યતા વધી જાય છે.”

ટીમની માનસિકતામાં બદલાવ

પાટીદારે જણાવ્યું કે અગાઉ ઘણી ટીમો એક કે બે સ્ટાર ખેલાડીઓ પર નિર્ભર રહેતી હતી, પરંતુ હવે દરેક ખેલાડી પોતાની જવાબદારી સમજે છે.

“હવે દરેક ખેલાડી ટીમ માટે યોગદાન આપવા તૈયાર છે. દરેક વ્યક્તિ જવાબદારી સ્વીકારી રહી છે. ટીમનો માઇન્ડસેટ બદલાયો છે અને એ જ અમારી સૌથી મોટી શક્તિ છે.”

કોહલી અને સિનિયર ખેલાડીઓનું મહત્વનું યોગદાન

તેણે કહ્યું કે ટીમ મેનેજમેન્ટ અને સિનિયર ખેલાડીઓની ભૂમિકા ટીમની સફળતામાં ખૂબ મહત્વની રહી છે.

પાટીદારે જણાવ્યું, “મેનેજમેન્ટનો ખૂબ મોટો ફાળો હોય છે. સિનિયર ખેલાડીઓ સતત માર્ગદર્શન આપે છે. અમારી ટીમમાં એવા ખેલાડીઓ છે જેમને જોઈને અને તેમની સાથે રહીને યુવા ખેલાડીઓ ઘણું શીખી શકે છે.”

તેણે વિરાટ કોહલી સહિતના અનુભવી ખેલાડીઓના યોગદાનની પણ પ્રશંસા કરી.

દબાણ નહીં, નવી તક તરીકે જોઈ રહ્યા છીએ ફાઇનલ

ટાઈટલના દબાણ અંગે તેણે કહ્યું કે, ટીમ આઈપીએલ ટાઇટલ જીતવાની નજીક છે. જોકે પાટીદારે કહ્યું કે ટીમ કોઈ ઇતિહાસ કે રેકોર્ડના ભાર હેઠળ નથી.

“અમે અહીં કંઈ બચાવવા માટે નથી આવ્યા. આ અમારા માટે નવી તક છે. સતત ફાઇનલમાં પહોંચવું સારી બાબત છે, પરંતુ અમારું સંપૂર્ણ ધ્યાન આગામી મેચ પર જ છે.”

ખેલાડીઓને ખાસ સંદેશ

ફાઇનલ જેવા મોટા મુકાબલામાં થતી ગભરાહટ અંગે તેમણે કહ્યું, “નર્વસનેસ અને ઉત્સાહ સ્વાભાવિક છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તમે તમારા જેવા જ રહો અને તમારી રમત પર ધ્યાન કેન્દ્રીત કરો.”

ટીમ સંયોજન અંગે નિર્ણય બાકી

પાટીદારે જણાવ્યું કે હાલ ટીમમાં કોઈ ઇજાની સમસ્યા નથી. જોકે અંતિમ પ્લેઇંગ ઇલેવન અંગેનો નિર્ણય મેચ પહેલાં લેવામાં આવશે. ફીલ સોલ્ટ અને રશિખ સલામ અંગે તેણે કહ્યું કે ટીમ મેનેજમેન્ટ યોગ્ય સમયે નિર્ણય લેશે.

તેણે અંતમાં કહ્યું, “અમારી સૌથી મોટી તાકાત ટીમ તરીકે મળીને પ્રદર્શનની છે. જ્યારે સમગ્ર ટીમ યોગદાન આપે છે, ત્યારે સફળતા મેળવવાની સંભાવના વધુ હોય છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *