દવાઓ, ફોગિંગ અને સર્વેલન્સ વધુ સઘન બનાવવા સૂચના; તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સતત સંકલનમાં રહેવા આદેશ

ગાંધીનગર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે ગુજરાત સરકાર સંપૂર્ણ સતર્ક બની છે. વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સ કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગરના સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં આરોગ્ય તંત્રને દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા, ફોગિંગ અને સેન્ડફ્લાય નિયંત્રણની કામગીરી વધુ સઘન બનાવવા તેમજ શંકાસ્પદ કેસોમાં તાત્કાલિક સારવાર સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
૨૭ શંકાસ્પદ કેસમાંથી ૭ પોઝિટિવ, ૮ના રિપોર્ટ બાકી
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસના સચોટ નિદાન માટે લેબોરેટરી ટેસ્ટિંગ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૨૭ શંકાસ્પદ દર્દીઓના નમૂનાઓ લેવામાં આવ્યા છે. તેમાંથી ૧૯ નમૂનાઓના પરિણામો પ્રાપ્ત થયા છે, જેમાં ૭ દર્દીઓ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે, જ્યારે ૧૨ નમૂનાઓ નેગેટિવ નોંધાયા છે. બાકીના ૮ નમૂનાઓના પરીક્ષણના પરિણામો પણ ટૂંક સમયમાં પ્રાપ્ત થવાના છે.
બાળકોના જીવ બચાવવા આરોગ્ય તંત્રને તાકીદ
મંત્રીએ જણાવ્યું કે ચાલુ વર્ષે ચાંદીપુરા વાયરસના કારણે ત્રણ બાળકોના દુઃખદ મૃત્યુ થયા છે. આ ઘટનાને ગંભીરતાથી લઈ આરોગ્ય વિભાગને હવે એકપણ બાળકનું મૃત્યુ ન થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવા કડક સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સતત સંકલનમાં રહેવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત નાના આરોગ્ય કેન્દ્રો અને ખાનગી ક્લિનિકમાં સેવા આપતા તબીબોને પણ શંકાસ્પદ દર્દીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વિલંબ કર્યા વિના ઓક્સિજન અને વેન્ટિલેટર જેવી સુવિધા ધરાવતી મોટી હોસ્પિટલોમાં રિફર કરવા જણાવાયું છે.
IMAના સહયોગથી સારવાર વ્યવસ્થા વધુ મજબૂત
ચાંદીપુરા વાયરસ સામે અસરકારક લડત માટે આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)નો પણ સહયોગ લેવામાં આવી રહ્યો છે. રાજ્યભરના બાળરોગ નિષ્ણાતોને માર્ગદર્શિકા મોકલી આપવામાં આવી છે જેથી તમામ તબીબો એકસરખા સારવાર પ્રોટોકોલનું પાલન કરી શકે અને દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળી રહે.
ફોગિંગ, સ્પ્રે અને લોકજાગૃતિ અભિયાનને વેગ
આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૪ દરમિયાન રાજ્યના ૬૧ સ્થળોએ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા. તે તમામ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ, ફોગિંગ, સેન્ડફ્લાયના નિયંત્રણ માટે સ્પ્રે તેમજ વ્યાપક લોકજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેના પરિણામે અગાઉ અસરગ્રસ્ત રહેલા એકપણ વિસ્તારમાં ફરી કેસ નોંધાયો નથી. હાલ જ્યાં નવા કેસ સામે આવ્યા છે ત્યાં પણ તાત્કાલિક ફોગિંગ, સેનિટાઈઝેશન અને સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે.
નાગરિકોને સાવચેત રહેવાની અપીલ
મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ બાળકમાં તાવ, ઉલટી, બેભાન થવા અથવા ચેતનામાં ઘટાડા જેવા લક્ષણો જણાય તો સમય બગાડ્યા વિના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. આરોગ્ય વિભાગના તમામ કેન્દ્રોમાં જરૂરી દવાઓ, તબીબી સાધનો અને સારવારની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ રાખવામાં આવી છે.
ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, શહેરી આરોગ્ય કમિશનર ડૉ. સંધ્યા ભુલ્લર, ગ્રામ્ય આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણ, જાહેર આરોગ્ય અધિક નિયામક ડૉ. નિલમ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
