PBG પુણે જેગુઆર્સે UP પ્રમેથિયન્સને 9-6થી હરાવ્યા; ફ્રાન્સની પ્રિથિકા પાવાડેએ યાંગઝી લિયુને પરાજય આપ્યો
ગોવા
ગોવાના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમમાં રમાઈ રહેલી Butterfly Ultimate Table Tennis (UTT) સીઝન-7માં રવિવારે ચાહકોને બે રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. દિવસની સૌથી મોટી ચર્ચા 16 વર્ષની ભારતીય ખેલાડી સિન્ડ્રેલા દાસ રહી, જેમણે મહિલા સિંગલ્સમાં ભારતની સ્ટાર અને વિશ્વ ક્રમાંક 52 મણિકા બત્રાને સીધી ત્રણ ગેમમાં હરાવી મોટી ઉથલપાથલ સર્જી હતી. તેમની શાનદાર રમતના બળે ડેમ્પો ગોવા ચેલેન્જર્સે અમદાવાદ APL પાઇપર્સને 8-7થી હરાવી સીઝનની સતત બીજી જીત નોંધાવી હતી.
સિન્ડ્રેલાની ઐતિહાસિક જીતે ગોવાને અપાવી જીત
મુકાબલાની શરૂઆતમાં સ્પેનના આલ્વારો રોબ્લેસે એડ્રિયન રાસેનફોસને 3-0થી હરાવી ગોવાને મજબૂત શરૂઆત અપાવી હતી. ત્યારબાદ માત્ર 16 વર્ષની સિન્ડ્રેલા દાસે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં મણિકા બત્રાને 11-10, 11-9 અને 11-9થી હરાવી સીધી ત્રણ ગેમ જીતી લીધી હતી. આ જીત ગોવા માટે નિર્ણાયક સાબિત થઈ હતી.
અમદાવાદ APL પાઇપર્સે ત્યારબાદ વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો. પાયસ જૈન અને સોફિયા પોલ્કાનોવાની જોડીએ મિક્સ્ડ ડબલ્સ જીતી હતી, જ્યારે અંતિમ મહિલા સિંગલ્સમાં પોલ્કાનોવાએ વર્તમાન MVP બર્નાડેટ સ્ઝોક્સને પણ સીધી ગેમમાં હરાવી હતી. તેમ છતાં ગોવાની શરૂઆતની લીડ તેમને 8-7ની જીત અપાવવા પૂરતી રહી.
સિન્ડ્રેલાને મળ્યા બે મોટા એવોર્ડ
મણિકા બત્રા સામેની યાદગાર જીત બદલ સિન્ડ્રેલા દાસને ‘ChatGPT Match IQ Player of the Tie’ અને ‘Indian Player of the Tie’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે આલ્વારો રોબ્લેસને ‘Bisleri Shot of the Tie’ અને સોફિયા પોલ્કાનોવાને **’Foreign Player of the Tie’**નો એવોર્ડ મળ્યો હતો.
પુણે જેગુઆર્સની સીઝનની પ્રથમ જીત
દિવસની પ્રથમ ટાઇમાં PBG પુણે જેગુઆર્સે UP પ્રમેથિયન્સને 9-6થી હરાવી સીઝનની પ્રથમ જીત નોંધાવી હતી. શરૂઆતમાં રિકાર્ડો વાલ્થેરે ઓમર અસ્સારને હરાવી UPને લીડ અપાવી હતી, પરંતુ ત્યારબાદ દિયા ચિતાલે, સ્નેહીત SFR અને ફ્રાન્સની પ્રિથિકા પાવાડેના શાનદાર દેખાવથી પુણે મેચમાં પરત ફર્યું હતું.
મહિલા સિંગલ્સમાં પ્રિથિકા પાવાડેએ એક ગેમ ગુમાવ્યા બાદ જોરદાર વાપસી કરીને બે વખતની UTT MVP યાંગઝી લિયુને 2-1થી હરાવી પુણેની જીત નિશ્ચિત કરી હતી.
પુણેના ખેલાડીઓએ જીત્યા વ્યક્તિગત એવોર્ડ
પ્રિથિકા પાવાડેને ‘Foreign Player of the Tie’, જ્યારે સ્નેહીત SFRને ‘Indian Player of the Tie’ અને ‘ChatGPT Match IQ Player of the Tie’ એવોર્ડ મળ્યા હતા. ઓમર અસ્સારને તેમની શાનદાર વિનિંગ શોટ માટે ‘Bisleri Shot of the Tie’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આગામી મુકાબલો આજે
સોમવારે ડેમ્પો ગોવા ચેલેન્જર્સનો મુકાબલો HVR કોલકાતા થન્ડર બ્લેડ્સ સામે રમાશે. તમામ મેચોનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક તેમજ JioHotstar પર હિન્દી, અંગ્રેજી અને તમિલ ભાષામાં કરવામાં આવી રહ્યું છે.
મેચના પરિણામો
PBG પુણે જેગુઆર્સ 9-6 UP પ્રમેથિયન્સ
- રિકાર્ડો વાલ્થેરે ઓમર અસ્સારને 2-1થી હરાવ્યા
- દિયા ચિતાલેએ સાયલી વાણીને 2-1થી હરાવી
- સ્નેહીત SFR/પ્રિથિકા પાવાડેએ મિક્સ્ડ ડબલ્સમાં જીત મેળવી
- સ્નેહીત SFRએ સુધાંશુ ગ્રોવરને 2-1થી હરાવ્યા
- પ્રિથિકા પાવાડેએ યાંગઝી લિયુને 2-1થી હરાવી
ડેમ્પો ગોવા ચેલેન્જર્સ 8-7 અમદાવાદ APL પાઇપર્સ
- આલ્વારો રોબ્લેસે એડ્રિયન રાસેનફોસને 3-0થી હરાવ્યા
- સિન્ડ્રેલા દાસે મણિકા બત્રાને 3-0થી હરાવ્યા
- પાયસ જૈન/સોફિયા પોલ્કાનોવાએ મિક્સ્ડ ડબલ્સમાં જીત મેળવી
- અભિનંધ PBએ પાયસ જૈનને 2-1થી હરાવ્યા
- સોફિયા પોલ્કાનોવાએ બર્નાડેટ સ્ઝોક્સને 3-0થી હરાવ્યા
