ગ્લોબલ એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ હેઠળ ચાલતી અને ધો.1થી10ની આ સીબીએસઈ સ્કૂલના ટ્રસ્ટીઓ સામે ગેરરીતિની ફરિયાદોઃ ઓર્ડર બાદ પણ સ્કૂલની જગ્યા ખાલી ન કરી

વડોદરા,
વડોદરા તાલુકાના સેવાસી નજીક અંપાડ ખાતે આવેલી ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ વિવાદમાં ફસાઈ છે.આ સ્કૂલના ટ્રસ્ટ દ્વારા જમીન માલિકો સાથે કરાયેલા લીઝ એગ્રિમેન્ટની શરતોના ભંગ બદલ આર્બિટ્રેશન સેન્ટર(લવાદી કોર્ટ) દ્વારા ગત ઓક્ટોબરમાં ટ્રસ્ટને 31 મે 2026 સુધીમાં સ્કૂલની જગ્યા ખાલી કરવાનો અને લીઝ એગ્રિમેન્ટ કરનાર સામેવાળા પક્ષને કબ્જો સોંપી દેવા આદેશ કર્યો હતો. ઉપરાંત સ્કૂલ ટ્રસ્ટને લવાદી કોર્ટે (મધ્યસ્થી) જમીન માલિકોને 9 ટકાના વ્યાજ સાથે બે મહિનામાં 3.68 કરોડથી વધુની બાકી ભાડાની રકમ પણ ચુકવવા આદેશ કર્યો હતો. જો કે આર્બિટ્રેશનના આ ઓર્ડરનું પણ સ્કૂલ ટ્રસ્ટે 7 મહિના વિતી ગયા છતાં અને મુદત પુરી થયા છતાં પાલન કર્યુ નથી.
લીઝ એગ્રિમેન્ટ મુજબ ટ્રસ્ટે 29543 સ્કવેર ફૂટના બિલ્ડીંગ એરિયા મુજબ બિલ્ડીંગ ભાડું નક્કી કર્યા મુજબનું જમીન ભાડું દર મહિને 7 તારીખે જમીન અને બાંધકામ માલિકોને ચુકવવાનું હતું. લીઝ એગ્રિમેન્ટ થયા બાદ પણ ટ્રસ્ટ તરફથી સમયસર ચુકવણી ન થતા અને યોગ્ય રીતે નાણાકીય સહિતનો વ્યવહાર ન કરાતા વર્ષ 2018માં જમીન માલિકોએ અનેકવાર ટ્રસ્ટને લીગલ નોટિસો પણ આપી હતી. જેનો પણ ટ્રસ્ટે જવાબ આપ્યો ન હતો. અંતે ટ્રસ્ટની આ ગેરરીતિઓ સામે જમીન માલિકો ઉત્તમ પટેલ અને રમેશ પટેલે હાઈકોર્ટમાં આર્બિટ્રેશન પીટિશન કરી હતી. જેની સુનાવણી બાદ હાઈકોર્ટે સપ્ટેમ્બર 2023માં આર્બિટ્રેશન માટેનો ઓર્ડર કર્યો હતો અને આર્બિટ્રેટર નિમાયા હતા.
હાઈકોર્ટના આર્બિટ્રેશન સેન્ટર દ્વારા આ સમગ્ર વિવાદ મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ હતી. આર્બિટ્રેટર દ્વારા જમીન માલિકો અને સ્કૂલ ટ્રસ્ટના વકિલોની દલીલો સંભાળ્યા બાદ અને બંને પક્ષોએ રજૂ કરાયેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ ગત ઓક્ટબર 2025માં જમીન માલિકોની તરફેણમાં નિર્ણય આપ્યો હતો. આર્બિટ્રેટર દ્વારા નિર્ણય કરવામા આવ્યો હતો કે દાવો કરનાર અરજદારો(જમીન માલિકો)ને ટ્રસ્ટે જગ્યા ખાલી કરીને શાંતિપૂર્ણ રીતે કબ્જો આપવાનો રહેશે. આર્બિટ્રેટર દ્વારા ટ્રસ્ટને 31 મે 2026 સુધીની મુદત જગ્યા ખાલી કરવા માટે અપાઈ હતી. આ ઉપરાંત આર્બિટ્રેટરના આ જજમેન્ટ મુજબ ટ્રસ્ટે જમીન માલિકોને 3,68,61,234 રૂપિયા ભાડુ વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે ચુકવવાનું થાય છે. આમ ટ્રસ્ટે તમામ રકમની ચુકવણી 9 ટકાના વ્યાજ સાથે આ જજમેન્ટ થયાના 60 દિવસમાં ચુકવવાની હતી.
મહત્વની વાત એ છે કે આર્બિટ્રેટટરના આ નિર્ણયને પણ સાત મહિના થઈ ગયા છે છતાં પણ હજુ સુધી સ્કૂલ ટ્રસ્ટે જગ્યા ખાલી કરી નથી અને જમીનમાલિકોને કોઈ પણ પ્રકારની બાકી રકમની ચુકવણી કરી નથી.
સીબીસીએસઈ જોડાણ ધરાવતી આ સ્કૂલમાં પ્રી-પ્રાયમરીથી માંડી ધો.10 સુધીના 200થી વધુ બાળકો અભ્યાસ કરે છે. આર્બિટ્રેટરના ચુકાદાને લઈને સ્કૂલના આચાર્ય તેમજ મેનેજમેન્ટ દ્વારા વાલીઓને પણ કોઈ જાણ કરાઈ નથી. હાલ વાલીઓ અંધારામાં છે ત્યારે આ બાળકો ઉપરાંત નવા પ્રવેશ લેનારા બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે જમીન માલિકો ઉત્તમ પટેલ અને રમેશ પટેલ દ્વારા વડોદરા ડીઈઓ કચેરીથી માંડી જીલ્લા કલેકટરમાં અને શિક્ષણમંત્રીને પણ લેખિત રજૂઆત કરાઈ છે.
જો હવે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ સમગ્ર કેસમાં યોગ્ય કાર્યવાહી નહીં કરાય અને સ્કૂલની માન્યતા રદ કરવાની કોઈ કાર્યવાહી નહીં થાય તો 200થી વધુ ભણતા બાળકો અને આવનારા નવા બાળકોનું ભવિષ્ય જોખમાશે.
